Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું જ પડે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું જ પડે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Published : 26 September, 2026 12:29 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Supreme Court Verdict on Railway Accident Claim: ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામેલા વ્યક્તિના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો; કોર્ટે ગુજરાતમાં ૨૦૧૭ની ટ્રેન દુર્ઘટના સંબંધિત એક કેસમાં મૃતકના માતા-પિતા માટે રુપિયા ૮ લાખના વળતરનો ચુકાદો આપ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે (Supreme Court)એ શુક્રવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે મૃતક મુસાફર પાસેથી રેલવે ટિકિટ ન મળવી એ માત્ર રેલવે વળતરના દવાને ફગાવી દેવાનું કારણ બની શકે નહીં. જસ્ટિસ ઉજ્જલ ભુયાન અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે ગુજરાતમાં ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી જવાથી મૃત્યુ પામેલા યુવકના માતા-પિતા માટે રુપિયા ૮ લાખના વળતરનો ચુકાદો (Supreme Court Verdict on Railway Accident Claim) બહાલ રાખ્યો છે અને વળતર રદ કરતા હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ રદ કર્યો



સર્વોચ્ચ અદાલતે મૃતક મુસાફર મહેશભાઈના માતા-પિતા દ્વારા દાખલ કરાયેલી અપીલને ગ્રાહ્ય રાખી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના જુલાઈ ૨૦૨૫ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ૨૦૨૨માં રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (Railway Claims Tribunal) દ્વારા ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે રુપિયા ૮ લાખનું વળતર આપવાના આદેશને રદ કર્યો હતો. હાઈકોર્ટે ભૌતિક ટિકિટ ન મળવા અને રેલવેના વિલંબિત તપાસ અહેવાલ પર વધુ પડતો ભાર મૂક્યો હતો.


હાઈકોર્ટના તારણોને રદબાતલ ઠેરવતા, સુપ્રીમ કોર્ટે યુનિયન ઓફ ઈન્ડિયા અને રેલવે (Union of India and Railways)ને ૩૦ દિવસની અંદર વ્યાજ સાથે રુપિયા ૮ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

૨૦૧૭ની કરૂણ ઘટના અને એક મહિના સુધી ચાલેલી જીવન-મરણ વચ્ચેની જંગ


આ કેસ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ બનેલી ઘટના સાથે સંકળાયેલો છે, જ્યારે મહેશભાઈ જનરલ કોચમાં સુરત (Surat) તરફ મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં અતિશય ભીડ હોવાના કારણે તેમણે સંતુલન ગુમાવ્યું હતું અને સાબરમતી (Sabarmati) તથા અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક મહિનાથી વધુ સમય સુધી સારવાર મેળવ્યા બાદ ૩૧ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ તેમનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના માતા-પિતાએ જાન્યુઆરી ૨૦૧૮માં રેલવે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહેશભાઈએ મુસાફરી કરતા પહેલાં માન્ય ટિકિટ ખરીદી હતી, પરંતુ અકસ્માત અને ઈમરજન્સી સારવાર દરમિયાન રોકડ, કાસકો અને કાંડા ઘડિયાળ સહિતના સામાન સાથે ટિકિટ પણ ખોવાઈ ગઈ હતી.

સોગંદનામા પર રજૂઆત બાદ પુરવાર કરવાની જવાબદારી રેલવે પર આવે છે

`યુનિયન ઓફ ઈન્ડિયા વિરૂદ્ધ રીના દેવી` (Union of India v. Rina Devi)ના સીમાચિહ્નરૂપ ચુકાદાના કાનૂની સિદ્ધાંતોનો પુનરોચ્ચાર કરતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે દાવેદાર સોગંદનામું રજૂ કરીને મૃતક `બોનાફાઈડ` (પ્રમાણિક) મુસાફર હોવાનું સાબિત કરી શકે છે. બેન્ચે નોંધ્યું કે જ્યારે પિતાએ સોગંદનામા પર પુરાવા આપ્યા કે તેમનો પુત્ર નિયમિતપણે ટિકિટ ખરીદતો હતો, ત્યારે તે બિનઅધિકૃત મુસાફર હતો તે સાબિત કરવાની જવાબદારી રેલવેની બની જાય છે.

સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે માત્ર ટિકિટ ન મળવાના આધારે દાવો ફગાવી દેવામાં હાઈકોર્ટે ભૂલ કરી હતી, ખાસ કરીને જ્યારે પીડિત એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ હતો જ્યાં સામાન ગાયબ થઈ જવાની પૂરી શક્યતા છે. બેન્ચે અકસ્માતના સાત મહિના પછી કોઈ યોગ્ય ખુલાસા વગર તૈયાર કરાયેલા રેલવે તપાસ અહેવાલને પણ અગ્રાહ્ય રાખ્યો હતો.

રેલવે એક્ટ હેઠળ સખત જવાબદારી (Strict Liability) લાગુ

સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે રેલવે એક્ટ, ૧૯૮૯ની કલમ ૧૨૪-એ ચાલુ ટ્રેને અકસ્માતે પડી જવા જેવી અપ્રિય ઘટનાઓ માટે સખત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. ટ્રિબ્યુનલનો એ નિષ્કર્ષ યોગ્ય હતો કે મહેશભાઈ પ્રમાણિક મુસાફર હતા. સુપ્રીમ કોર્ટે રુપિયા ૮ લાખનું વળતર તાત્કાલિક ચૂકવવાનો આદેશ આપીને રેલવે અકસ્માતના પીડિતો અને તેમના પરિવારો માટેના સામાજિક કલ્યાણના રક્ષણને વધુ મજબૂત બનાવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2026 12:29 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK