આવી કમેન્ટ કરીને સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને બે અઠવાડિયાંમાં બે કરોડ રૂપિયા જમા કરાવવાની છેલ્લી તક આપી, પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ
રાજપાલ યાદવ
સુપ્રીમ કોર્ટે ઍક્ટર રાજપાલ યાદવને ચેક બાઉન્સિંગના કેસમાં ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા કોર્ટ-રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે છેલ્લી તક આપી છે. કોર્ટે તેને આ રકમ જમા કરાવવા માટે બે અઠવાડિયાંનો સમય આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજપાલ યાદવના અગાઉના વર્તનને ધ્યાનમાં લેતાં તેની પ્રતિબદ્ધતા અંગે સવાલ ઉઠાવ્યો હતો. જોકે રાજપાલના વકીલે ખાતરી આપી હતી કે રાજપાલ બે અઠવાડિયાંની અંદર ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા જમા કરાવશે અને બાકીની રકમ માટે જામીનગીરી આપશે. આ ખાતરી બાદ કોર્ટે તેને વધુ બે અઠવાડિયાંનો સમય આપ્યો.
સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે રાજપાલ યાદવના અગાઉના વર્તનનો ઉલ્લેખ કરતાં તેની વિશ્વસનીયતા અંગે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘તેમના અગાઉના વર્તનને જોતાં કોઈ તેમના પર વિશ્વાસ કેવી રીતે કરી શકે? તેઓ બૉલીવુડમાં ડ્રામા અને ઍક્ટિંગ કરવામાં પર્ફેક્ટ છે, એ જ કામ તેઓ કોર્ટમાં પણ કરી રહ્યા છે.’
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને ધરપકડથી મળેલું રક્ષણ આગામી સુનાવણી સુધી ચાલુ રાખ્યું છે. આગામી સુનાવણી પાંચમી ઑક્ટોબરે થવાની છે. જોકે કોર્ટે રાજપાલને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો નિર્દેશ આપ્યો છે.
શું હતો મામલો?
આ નાણાકીય વિવાદની શરૂઆત ૨૦૧૦માં થઈ હતી. રાજપાલ યાદવે ડિરેક્ટર તરીકેની પોતાની પ્રથમ ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે દિલ્હી સ્થિત એક કંપની પાસેથી આશરે પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ રહી નહોતી અને રાજપાલ યાદવ માટે લોનની રકમ પરત કરવી મુશ્કેલ બની હતી. સમય જતાં વ્યાજ અને અન્ય ચાર્જને કારણે બાકી રકમ વધીને આશરે ૯ કરોડ રૂપિયા થઈ ગઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ પછી ચેક બાઉન્સિંગનો કેસ શરૂ થયો હતો.
અગાઉની સુનાવણીમાં રાજપાલના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફરિયાદીને અત્યાર સુધીમાં આશરે ૪.૨૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ૨૦૧૮માં મૅજિસ્ટ્રેટ કોર્ટે રાજપાલ અને તેની પત્ની રાધાને આ કેસમાં દોષિત ઠેરવ્યાં હતાં. ત્યાર બાદ સેશન્સ કોર્ટે પણ દોષિત ઠેરવવાનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો અને મામલો દિલ્હી હાઈ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
૨૦૨૪માં દિલ્હી હાઈ કોર્ટે રાજપાલની સજાને અસ્થાયી રીતે સ્થગિત કરી હતી અને આશરે ૯ કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવવા માટે ગંભીર અને વાસ્તવિક પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે ત્યાર બાદ પણ બાકી રકમની ચુકવણી ન થતાં ફેબ્રુઆરીમાં રાજપાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું, પણ ૧૬ ફેબ્રુઆરીએ ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ તેને વચગાળાના જામીન મળ્યા હતા.
