ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્ઝની ભારત મુલાકાત દરમ્યાન આ મુદ્દે વાત કરી હતી
અરિહા તેનાં મમ્મી-પપ્પા
ગુજરાતી જૈન પરિવારની પાંચ વર્ષની દીકરી અરિહા શાહને જર્મનીના ચાઇલ્ડ સર્વિસ ફોસ્ટર કૅર હોમમાંથી બહાર લાવવા માટે ભારત સરકારે વધુ એક વાર પ્રયાસ કર્યો છે. ભારતની મુલાકાતે આવેલા જર્મનીના વિદેશપ્રધાન જોહાન વેડફલ સાથે અરિહાને તેનાં મમ્મી-પપ્પાને સોંપવામાં આવે એ વિશે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ખાસ રજૂઆત કરી છે.

ADVERTISEMENT
એસ. જયશંકરે કહ્યું હતું કે ‘જોહાન વેડફલ સાથેની આ મુલાકાતમાં અરિહા શાહ વિશે મેં વાત કરી છે. અરિહાના સાંસ્કૃતિક અધિકારોનું રક્ષણ થાય અને તેનો ઉછેર ભારતીય પરંપરા મુજબ થાય તથા આ કેસનો જલદી ઉકેલ આવે એવી વાત તેમની સાથે કરવામાં આવી છે.’
ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જર્મન ચાન્સેલર ઓલાફ શૉલ્ઝની ભારત મુલાકાત દરમ્યાન આ મુદ્દે વાત કરી હતી. એમ છતાં હજી સુધી આ કેસનો ઉકેલ આવ્યો નથી. અરિહાના પપ્પા ભાવેશ અને મમ્મી ધારા શાહને ચિંતા છે કે તેમના જર્મનીના વીઝા પૂરા થવાની તૈયારીમાં છે ત્યારે જો જલદી નિર્ણય નહીં લેવાય તો તેઓ દીકરીની કસ્ટડી મેળવવાની તક ગુમાવી દેશે.
૭ મહિનાની અરિહા ફોસ્ટર હોમમાં કેવી રીતે પહોંચી?
ગુજરાતી દંપતી ભાવેશ અને ધારા શાહ ૨૦૧૮માં જર્મનીમાં શિફ્ટ થયાં હતાં. ૨૦૨૧માં અરિહાનો જન્મ થયો હતો. અરિહા ૭ મહિનાની હતી ત્યારે તેનાં દાદી સાથે રમતી વખતે તેના ગુપ્તાંગમાં લોહીના ડાઘ દેખાયા હતા. અરિહાને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. દરમ્યાન હૉસ્પિટલના પ્રશાસને બાળકીની જાતીય સતામણી થઈ હોવાનું પોલીસ અને ચાઇલ્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટને જણાવી દીધું એટલે પોલીસે તાત્કાલિક બાળકીને ફોસ્ટર હોમમાં મોકલી આપી હતી. અત્યારે દર ૧૫ દિવસે એક વાર જ અરિહા તેનાં મમ્મી-પપ્પાને મળી શકે છે. તેને ભારતીય તહેવારો ઊજવવા નથી દેવાતા અને ઉછેર પણ જર્મન સંસ્કૃતિ મુજબ થતો હોવા સામે પરિવારે અનેક વાર વાંધો ઉઠાવ્યો છે. બાળકીની જાતીય સતામણી અંગેનો કેસ ૨૦૨૨માં જ ક્લોઝ કરી દેવાયો છે અને કોઈને દોષી સાબિત નથી કર્યા છતાં અરિહાનાં મમ્મી-પપ્પા પાસેથી પેરન્ટલ રાઇટ્સ છીનવી લેવામાં આવ્યા છે.


