૨૦ જુલાઈથી શરૂ થતા ચોમાસુ સત્રમાં રાષ્ટ્રીય ગીતને લગતું બિલ લોકસભામાં રજૂ થશે : જન્મ-મરણની નોંધણી કડક બનાવતા બિલ અને સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારવા સહિતના વિવિધ વિધેયકો પર સંસદમાં ચર્ચા થશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
૨૦ જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ના અપમાન અથવા એમાં અવરોધ ઊભો કરનારાઓ સામે સજાની જોગવાઈ કરતું ધ પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નૅશનલ ઑનર (અમેન્ડમેન્ટ) બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલા આ બિલ અનુસાર વંદે માતરમ્નું અપમાન હવે ફોજદારી ગુનો બનશે અને એને રાષ્ટ્રગીત જન ગણ મન, રાષ્ટ્રધ્વજ તથા બંધારણની સમકક્ષ દરજ્જો મળશે. BJPનો દાવો છે કે ભૂતકાળની ધર્મનિરપેક્ષ સરકારોએ મુસ્લિમ સમુદાયના વિરોધને કારણે આ ગીતને યોગ્ય સન્માન આપ્યું ન હતું
બીજાં કયાં બિલ?
ADVERTISEMENT
આ સત્ર દરમ્યાન બીજા પણ કેટલાંક મહત્ત્વનાં બિલો રજૂ થવાનાં છે. જન્મ અને મૃત્યુ નોંધણી (અમેન્ડમેન્ટ) બિલ અંતર્ગત બે વર્ષ પછી જન્મ કે મરણની નોંધણી માત્ર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટના આદેશથી જ થઈ શકશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા ૩૩થી વધારીને ૩૭ કરવાની મંજૂરી આપતું બિલ પણ લાવવામાં આવશે. બિન-સરકારી સંગઠનોના વિદેશી ભંડોળને નિયંત્રિત કરતું વિવાદાસ્પદ ફૉરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બિલ (FCRA) પણ ચર્ચા માટે સૂચિબદ્ધ છે. જોકે મહિલા અનામત બિલ વિશે આ યાદીમાં હાલ કોઈ ઉલ્લેખ કરાયો નથી.
