તેની ત્રણ પાનાંની સુસાઇડ-નોટમાં આ વિશે ઉલ્લેખ કર્યો હતો અને આ માટે બ્લૅકમેઇલ કરનાર રાહુલ પરવાની અને સબા કુરેશી જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના વાકોલામાં રહેતા ૩૨ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટટ (CA)એ બ્લૅકમેઇલથી કંટાળીને અને કંપનીમાંથી ૧૮ મહિનામાં ત્રણ કરોડ રૂપિયાની રકમ એ બ્લૅકમેલર્સને આપી દીધી હોવાથી શનિવારે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે તેની ત્રણ પાનાંની સુસાઇડ-નોટમાં આ વિશે ઉલ્લેખ કર્યો હતો અને આ માટે બ્લૅકમેઇલ કરનાર રાહુલ પરવાની અને સબા કુરેશી જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
વાકોલા પોલીસના જણાવ્યા મુજબ રાજ લીલા મોરે વાકોલાના યશવંતનગરમાં રહેતો હતો. તેની ઓળખાણ સબા કુરેશી સાથે સોશ્યલ મીડિયા પર થઈ હતી અને ઓળખાણ વધ્યા બાદ બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. તેમના એ વખતના વિડિયો અને ફોટો રાહુલ પરવાનીએ પાડી લીધા હતા અને એ વાઇરલ કરી દેવાની ધમકી આપીને બ્લૅકમેઇલ કરી તેમણે રાજ પાસેથી પૈસા પડાવ્યા હતા. તેઓ જાણતા હતા કે રાજ મોટી કંપનીમાં સારી પોસ્ટ પર જૉબ કરે છે અને તેણે શૅરબજારમાં પણ પૈસા રોક્યા છે. એથી તેમણે થોડા-થોડા કરીને દોઢ વર્ષમાં રાજ પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હતા. તેમણે તેની કાર પણ લઈ લીધી હતી. આ ત્રણ કરોડ રૂપિયાની રકમ રાજે કંપનીના અકાઉન્ટમાંથી તેમને ટ્રાન્સફર કરી હતી. એથી ઑલરેડી રાજ ડિપ્રેશનમાં હતો, ડરેલો હતો. એમાં શનિવારે સબા અને રાહુલ રાજના ઘરે પહોંચી ગયાં હતાં અને રાજની માતાની પણ મારઝૂડ કરી હતી. એથી રાજે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. તેની સુસાઇડ નોટના આધારે વાકોલા પોલીસે રાહુલ પરવાની અને સબા કુરેશી સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.


