ઘટના બાદ મહિલાએ આરોપી સામે સફાળે પોલીસ-સ્ટેશનમાં ૩૧ માર્ચે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સંતોષ જાધવની ધરપકડ કરીને માત્ર ૨૪ કલાકમાં કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
કોર્ટમાં કેસનો ચુકાદો આવવામાં વર્ષો લાગી જાય છે, પણ ક્યારેક કોર્ટ ઝડપથી ચુકાદો આપીને આરોપીને સજા ફટકારતી હોય એવું પણ બને છે. પાલઘર જિલ્લામાં આવેલા કેળવે રોડમાં ૩૦ માર્ચે ઓમકાર સંતોષ જાધવ નામના આરોપીએ ચાંદલા બનાવવાનો સામાન લઈને જઈ રહેલી એક મહિલાનો રાતના ૮.૩૦ વાગ્યે જાહેરમાં વિનયભંગ કર્યો હોવાની ઘટના બની હતી. મહિલા રસ્તામાં જતી હતી ત્યારે આરોપીએ તેનો રસ્તો રોક્યો હતો. મહિલા આરોપીને અવગણીને તેની સાઇડમાંથી નીકળી રહી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડ્યો હતો. મહિલાએ તેનો હાથ ઝટકો મારીને છોડાવી લીધો હતો અને આગળ વધી હતી ત્યારે આરોપીએ પાછળથી મહિલાની સાડી ખેંચી હતી અને તેને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. આ ઘટના બાદ મહિલાએ આરોપી સામે સફાળે પોલીસ-સ્ટેશનમાં ૩૧ માર્ચે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સંતોષ જાધવની ધરપકડ કરીને માત્ર ૨૪ કલાકમાં કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું.
વિનયભંગનો આ મામલો પાલઘરના ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. મૅજિસ્ટ્રેટ કે. જી. સાવંતે ફરિયાદી મહિલા અને સાક્ષીઓની તપાસ કરવાની સાથે ઘટનાના પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી સંતોષ જાધવને ૨૯ એપ્રિલે એક વર્ષની કેદ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો ચુકાદો આપ્યો હતો.


