જન્મદર વધારવા માટે આંધ્ર પ્રદેશ સરકારની અઢળક ઑફરો : ત્રીજા બાળકને પાંચ વર્ષની ઉંમર સુધી દર મહિને ૧૦૦૦ રૂપિયા અને ૧૮ વર્ષની ઉંમર સુધી મફત એજ્યુકેશન : ત્રીજા સંતાન માટે માતાને ૧૨ મહિનાની મૅટરનિટી લીવ અને પિતાને બે મહિનાની પૅટરનિટી લીવ
પ્રતીકાત્મક તસવીર
આંધ્ર પ્રદેશમાં સતત ઘટતા જતા જન્મદર માટે મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ વિધાનસભામાં જનસંખ્યા પ્રબંધન નીતિનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નીતિ અંતર્ગત સરકાર યુગલોને ત્રીજા બાળકને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરશે. એ માટે માતા-પિતાને વિશેષ રજાઓ અને મહિલાઓ માટે વ્યાપક સુવિધાઓ આપવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે હવે રાજ્ય સરકાર જનસંખ્યા વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આ નીતિને માર્ચ મહિનાના અંત સુધીમાં ફાઇનલ સ્વરૂપ આપીને પહેલી એપ્રિલથી લાગુ કરવાનું લક્ષ્ય છે. આ નીતિનો ઉદ્દેશ ઘટી રહેલા પ્રજનનદરને સુધારવાનો છે જે ૧૯૯૩માં ૩.૦થી ઘટીને હવે ૧.૫ રહી ગયો છે. મુખ્ય પ્રધાને ચિંતા જતાવી હતી કે આ ઘટાડો આર્થિક વિકાસ માટે ખતરારૂપ છે. યુવા અને કામ કરતા લોકોની સંખ્યા ઘટી રહી છે અને રાજ્યને જપાન, દક્ષિણ કોરિયા અને ઇટલીની જેમ વયસ્કોની વધતી વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ચંદ્રાબાબુ નાયડુએ વિધાનસભામાં કહ્યું હતું કે ‘૨૦૨૩ના રિપોર્ટ અનુસાર રાજ્યમાં હવે દર વર્ષે માત્ર ૬.૭૦ લાખ જન્મ નોંધાય છે. જો આ જ પરિસ્થિતિ રહી તો ૨૦૪૭ સુધીમાં વૃદ્ધોની સંખ્યા ૨૩ ટકા જેટલી પહોંચી જશે જે આર્થિક વિકાસ માટે ખતરો છે. એટલે જ સરકાર હવે જનસંખ્યા વૃદ્ધિને બોજ નહીં, વરદાન ગણી રહી છે.’
ADVERTISEMENT
જનસંખ્યા પ્રોત્સાહન માટે સરકાર પોષણ શિક્ષા-સુરક્ષા પૅજેક અંતર્ગત ત્રીજા બાળકના જન્મ પર ૨૫,૦૦૦ રૂપિયા સુધીની પ્રોત્સાહન રાશિ આપશે. આ ઉપરાંત ત્રીજા બાળકને પાંચ વર્ષ સુધી દર મહિને ૧૦૦૦ રૂપિયા આપવામાં આવશે અને ૧૮ વર્ષની ઉંમર સુધી મફત એજ્યુકેશન આપવામાં આવશે. આ ઉપરાંત ત્રીજા સંતાન માટે માતાને ૧૨ મહિનાની મૅટરનિટી લીવ અને પિતાને બે મહિનાની પૅટરનિટી લીવ આપવામાં આવશે.
પ્રસ્તાવ મુજબ સરકાર માતૃત્વ, શક્તિ, નૈપુણ્યમ, ક્ષેમ અને સંજીવની એમ પાંચ તબક્કાવાળી લાઇફ-સાઇકલ સિસ્ટમ શરૂ કરશે.
