Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારી હેલ્થ માટે રાઇટ ડિરેક્શન અને રાઇટ સૉલ્યુશન હાજર છે

તમારી હેલ્થ માટે રાઇટ ડિરેક્શન અને રાઇટ સૉલ્યુશન હાજર છે

Published : 06 March, 2026 02:31 PM | IST | Mumbai
Darshini Vashi

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવેલી એક ઍપ જ્યારે વ્યક્તિના મેડિકલ ડેટાનું ઍનૅલિસિસ કરીને તેણે આગળ શું કરવું જોઈએ, કઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ એનું માર્ગદર્શન આપે

મીતા સંઘવી

મીતા સંઘવી


સામાન્ય શબ્દોમાં સમજીએ તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(AI) એટલે કમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ જ્ઞાન, વિચારો, લાગણીઓ અપલોડ કરવાં અને માત્ર કમ્પ્યુટરની મદદથી એનો ઉપયોગ કરવો. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કોઈ કુદરતી જ્ઞાનનો ભંડાર કે બુદ્ધિ નથી; એમાં માનવસંવેદનાઓ, જ્ઞાન, અનુભવો, વિચારો, લાગણીઓ અને બુદ્ધિનો ઉપયોગ થાય છે જે અનેક સમસ્યાઓનું નિવારણ લાવવામાં સહાયરૂપ બની શકે છે. AIના આ જ ઍડ્વાન્ટેજનો ઉપયોગ કરીને મુંબઈનાં મીતા સંઘવીએ લોકોની મેડિકલ સમસ્યાઓનું નિવારણ લાવવા ‘હેલ્થકૅર સૉલ્યુશન ઍપ’ નામની એક ઍપ બનાવી છે. તો ચાલો જાણીએ આ ઍપ કેવી રીતે કામ કરે છે.

હેલ્થકૅર સૉલ્યુશન ઍપ



હેલ્થકૅર સૉલ્યુશન ઍપ સ્ટાર્ટઅપનાં માર્કેટિંગ કન્સલ્ટન્ટ મીતા સંઘવી કહે છે, ‘જે લોકોને આખી દુનિયા ફરી લીધા બાદ અને અનેક ડૉક્ટરોના ધક્કા ખાધા બાદ પણ કોઈ રિઝલ્ટ મળ્યું ન હોય એવા લોકો અમારી પાસે આવે છે અને સલાહ લે છે કે હવે અમારે આગળ શું કરવું જોઈએ. આ લોકોને યોગ્ય અને સાચી રાહ બતાવવા માટે અમે હેલ્થકૅર સૉલ્યુશન બનાવ્યું છે. આ ઍપ થકી તેઓ જાણી શકે છે કે તેમણે આગળ શું કરવું જોઈએ અને કઈ ટ્રીટમેન્ટ લેવાની તેમને જરૂર છે. તેમની સમસ્યાનું યોગ્ય ઍનૅલિસિસ કરીને તેમને યોગ્ય રસ્તો બતાવવાનું કામ અમે આ ઍપ થકી કરીએ છીએ. સલાહ લેવા આવનાર લોકો નિરાશ થઈને ન જાય એ ધ્યાનમાં રાખીને આ ઍપ બનાવવામાં આવી છે.’


કેવી રીતે કામ કરે છે?

આ ઍપ કેવી રીતે કામ કરે છે એ વિશે જણાવતાં મીતા કહે છે, ‘સૌથી પહેલાં અમે જે-તે વ્યક્તિની મેડિકલ કેસની સમગ્ર હિસ્ટરી, મેડિકલ રિપોર્ટ્સ અને હેલ્થ-સંબંધિત એ-ટુ-ઝેડ વિગતો મગાવીને ઍપની અંદર અપલોડ કરીએ છીએ. આમ અમે ઍપને જણાવી દઈએ છીએ કે આ પર્સનની બૉડી છે અને હવે આ જોઈને એ શું કહે છે એની રાહ જોઈએ છીએ. આમ ઍપ અને થોડા દિવસની અંદર એ પેશન્ટની બીમારી થવા પાછળનું કારણ અને એનો સંભવિત ઇલાજ કેવી રીતે કરી શકાશે એનું વિગતવાર વિવરણ આવી જાય છે. આ વિવરણનો અમે અને અમારા ડૉક્ટર્સની ટીમ સ્ટડી કરે છે અને એક રિપોર્ટ તૈયાર કરીએ છીએ અને પછી એ રિપોર્ટ પેશન્ટને સોંપવામાં આવે છે. અઠવાડિયાની અંદર પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ સૌથી સારું રિઝલ્ટ આપશે એનો રિપોર્ટ કાઢીને તેને આપીએ છીએ. આ રિસર્ચ-રિપોર્ટ આયુર્વેદિક, હોમિયોપથી અને ઍલોપથી ટ્રીટમેન્ટનું કૉમ્બિનેશન હોય છે, કેમ કે આ ત્રણે પ્રકારની ટ્રીટમેન્ટની અંદર બીમારીને ઓળખવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. ઍલોપથીમાં એમ કહેવામાં આવે કે અમે આનું બ્લડપ્રેશર જોયું તો એ આટલું છે અને એના આંકડા આટલા છે, એટલે આ વસ્તુ દરદીને હોઈ શકે છે. આયુર્વેદ એમ કહે કે આની પિત્તની બૉડી છે એટલે તેને આ તકલીફો થાય છે એટલે તેને XYZ સમસ્યા હશે. તો હોમિયોપથી કાઉન્સેલિંગ ઉપર વધારે બેઝ્ડ હોય છે એટલે એ તેમની નિદાન કરવાની પદ્ધતિથી બીમારી અને ટ્રીટમેન્ટ સૂચવે છે. એટલે અમે ત્રણે પદ્ધતિનાં નિદાનનું કૉકટેલ કરીને એનું ઇવૅલ્યુએશન કરીએ છીએ અને કન્ક્લુઝન આપીએ છીએ.’


રાઇટ પાથ બતાવવાનો હેતુ

૨૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી હેલ્થકૅર ક્ષેત્રની સાથે સંકળાયેલાં મીતા સંઘવી કહે છે, ‘છેલ્લાં થોડાં વર્ષોથી બની રહેલી ફિલ્મો, સિરિયલ્સ અને કેટલાક કિસ્સાઓને લીધે હવે ઘણા લોકોને એમ લાગી રહ્યું છે કે ડૉક્ટર્સ ઘણી વખત ખોટા માર્ગે દોરે છે. ત્યારે મારા મગજમાં પણ એવો જ વિચાર આવ્યો હતો કે આપણને રાઇટ સૉલ્યુશન અને રાઇટ ડિરેક્શન કેવી રીતે મળે. દરેકને કોઈ ને કોઈ સમસ્યા માટે અલગ-અલગ સૉલ્યુશન મળે છે. કોઈને ઍલોપથીમાંથી તો કોઈને આયુર્વેદમાંથી તો કોઈને હોમિયોપથીમાંથી સૉલ્યુશન મળે છે. તો આપણે એવું કેમ ન કરી શકીએ કે આપણે આ બધા જ ઓપિનિયન લઈને અને પછી એમાં મશીન શું કહે છે એ પણ જાણી લઈએ અને પછી જે ઍનૅલિસિસ આવે એ હ્યુમન સમક્ષ મૂકીએ અને પૂછીએ કે આ જે ઍનૅલિસિસ આવ્યું છે એના પરથી તેઓ શું જજ કરે છે. ત્યાર બાદ ઓવરઑલ ઓપિનિયનનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે જે અમે પેશન્ટની સમક્ષ મૂકીએ છીએ. ત્યાર બાદ પેશન્ટ નક્કી કરે છે કે તેણે શું કરવું છે અને કોની પાસે ઇલાજ કરાવવો છે. અમે તેમને કયા ડૉક્ટર પાસે જવું, કઈ કંપનીની દવા લેવી વગેરે કંઈ સજેસ્ટ કરતા નથી. અમારું કામ માત્ર આ ઍપની મદદથી તેમને ડાયગ્નૉસિસ અને ટ્રીટમેન્ટ માટેનો રાઇટ પાથ એટલે કે સાચો રસ્તો બતાવવાનું છે. ઘણી વખત અમે જોયું છે કે માણસ યોગ્ય સારવાર મેળવવા માટે એટલા બધા ધક્કા ખાય છે કે તે હિંમત જ હારી જતો હોય છે. ટેન્શનમાં તેને કોઈ રસ્તો પણ દેખાતો નથી. આવી સ્થિતિમાં આ ઍપ તેમને ખૂબ ઉપયોગી સાબિત થાય છે.’

કેવી રીતે આવ્યો વિચાર?

મીતા સંઘવી કહે છે, ‘નૉર્મલી આજે કોઈને ડૉક્ટરે સામાન્ય બીમારીની પણ દવા લખી આપી હોય તો તે પહેલાં બહાર નીકળીને ગૂગલ પર ચેક કરે છે કે આ દવા કઈ છે, કઈ કંપનીની છે, શું કામ આપવામાં આવે છે, એની કોઈ આડઅસર તો નથી થતીને અને છેલ્લે રિવ્યુ પણ ચેક કરશે. અને બધું કન્ફર્મ થઈ જાય પછી ખરીદે છે. કહેવાનો મતલબ કે લોકો સામાન્ય બીમારીમાં પણ કેટલા કન્ફ્યુઝ્ડ રહેતા હોય છે તો આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ મોટી બીમારી દરવાજો ખખડાવે ત્યારે તેઓ એકદમ જ ગભરાઈ જાય છે, નાસભાગ કરે છે. આગળ શું કરવું, ક્યાં જવું એ વિશે ક્લિયર રહેતા નથી. ત્યારે આ ઍપ તેમને સાચો માર્ગ બતાવવાનું કામ કરે છે. બાકી આ સૂચવેલા માર્ગ પર આગળ જવું કે નહીં એ નિર્ણય પેશન્ટનો જ હોય છે. પણ એટલું છે કે કન્ફ્યુઝન ચોક્કસ દૂર થઈ જાય છે. હું પોતે ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું. સ્કિન-પ્રૉબ્લેમ માટે મુંબઈના કોઈ ડૉક્ટરને બતાવવાનું બાકી રાખ્યું નહોતું. હોમિયોપથી, ઍલોપથી, આયુર્વેદિક ડૉક્ટર એમ દરેક જણને બતાવ્યું અને દરેકના ઓપિનિયન એકબીજાથી અલગ. તેમ છતાં મેં બધું કર્યું છતાં કોઈ રિઝલ્ટ ન મળ્યું. મને કોઈ મેજર સમસ્યા નહોતી છતાં સારું થતું નહોતું. આમ ને આમ મારા પૈસા, ટાઇમ અને હિંમત બધું ખર્ચાઈ ગયું હતું. દરેક જણ ટ્રાયલ અને એરર જ કરતા હતા. ત્યારે મને એમ થતું કે કાશ, કોઈ એવું મને મળી જાય જે બધાના ઓપિનિયન લઈને અને એનું ઍનૅલિસિસ કરીને મને સચોટપણે કહે કે તારી બૉડી આવી છે, તને આ વસ્તુ જ માફક આવશે; તારે આ સમસ્યા છે તો તારે આટલી વસ્તુ કરવી પડશે અને આટલું કરવાનું ટાળવું પડશે તો તને સ્કિનમાં ફરક પડશે વગેરે-વગેરે. એ સમયે હું મેડિસિનનું ભણતી હતી. ત્યારે જ મેં વિચારી લીધેલું કે મારે આ બાબતે કંઈક કરવું છે. જોકે ત્યારે AI નહોતું પરંતુ હવે આવી ગયું છે એટલે મેં વિચાર્યું કે ક્યાં સુધી ટ્રીટમેન્ટ માટે હ્યુમન પર જ આધાર રાખવો પડશે? હવે એના વિકલ્પો પર પણ કામ કરવું જોઈએ એટલે પછી મેં ડિજિટલનો કોર્સ કર્યો અને આ ઍપ બનાવી. જેમ હું ઇચ્છતી હતી કે કોઈ એવું મળે જે બધાના ઓપિનિયનનો સમન્વય કરીને બીમારીનું નિદાન કરવાની સાથે એનું કારણ અને એનો યોગ્ય ઇલાજ કરવાનો માર્ગ બતાવે. બસ, એ જ રીતે આ ઍપ ડિઝાઇન કરવામાં આવી છે.’

સૌથી પહેલાં અમે વ્યક્તિની મેડિકલ કેસની સમગ્ર હિસ્ટરી, મેડિકલ રિપોર્ટ્સ અને હેલ્થ-સંબંધિત એ-ટુ-ઝેડ વિગતો ઍપની અંદર અપલોડ કરીએ છીએ. ઍપ અને થોડા દિવસની અંદર એ પેશન્ટની બીમારી થવા પાછળનું કારણ અને એનો સંભવિત ઇલાજ કેવી રીતે કરી શકાશે એનું વિગતવાર વિવરણ આવી જાય છે.  - મીતા સંઘવી, હેલ્થકૅર સૉલ્યુશન ઍપનાં માર્કેટિંગ કન્સલ્ટન્ટ

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 02:31 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK