નૅશનલ હાઇવેઝ માટે વાર્ષિક ફાસ્ટૅગ લીધા પછી પણ સ્ટેટ હાઇવે, પ્રાઇવેટ રોડ, એક્સપ્રેસવે પર તો અલગથી ટોલ ચૂકવવો જ પડશે : જે વાહન માટે લીધો હશે એના માટે જ વાપરી શકાશે, બીજા કોઈ વાહન માટે નહીં ચાલે
પ્રતીકાત્મક તસવીર
૧૫ ઑગસ્ટથી નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના હાઇવેઝ પર પ્રવાસ કરવા માટે ૩૦૦૦ રૂપિયાના વાર્ષિક ફાસ્ટૅગની યોજના જાહેર કરવામાં આવી છે. આ ૩૦૦૦ રૂપિયાના વાર્ષિક પાસ માટે માત્ર પ્રાઇવેટ કાર, જીપ અને વૅન જ પાત્ર ગણવામાં આવશે, કોઈ પણ કમર્શિયલ વાહનોને એના માટે પાત્ર ગણવામાં નહીં આવે.
જે લોકો પાસે નૉન-કમર્શિયલ પર્સનલ વાહન છે અને જેમની પાસે પહેલાંથી જ તેમના વાહનના વિન્ડશીલ્ડ પર સક્રિય ફાસ્ટૅગ ચોંટાડેલું છે તેઓ ૩૦૦૦ રૂપિયાનો ફાસ્ટૅગ વાર્ષિક પાસ ખરીદવા માટે પાત્ર છે. આ પાસ ૧૫ ઑગસ્ટથી ઉપલબ્ધ થશે. પાસ મેળવવા માટે રસ ધરાવતા વાહનમાલિકો રાજમાર્ગ યાત્રા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. તેઓ NHAI અને મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ (MoRTH) વેબસાઇટનો ઉપયોગ કરીને પણ પાસ ખરીદી શકે છે. છેતરપિંડીથી બચવા માટે વાર્ષિક પાસ ખરીદવા માટે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ અને પોર્ટલનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
વર્ષમાં ૨૦૦ ટ્રિપ
પ્રાઇવેટ વાહનધારકોને ૩૦૦૦ રૂપિયાના વાર્ષિક પાસ પર ૨૦૦ ટ્રિપ્સ અથવા પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ (જે પણ પહેલાં આવે એ) સુધી મુસાફરી કરવાની મંજૂરી મળશે. વધુમાં વાર્ષિક ફાસ્ટૅગ પાસ ફક્ત NHAI દ્વારા સંચાલિત ટોલ-પ્લાઝા પર જ કામ કરશે. વાર્ષિક પાસધારકોએ હજી પણ સ્ટેટ હાઇવે, પ્રાઇવેટ ટોલ-રોડ અને રાજ્યસંચાલિત એક્સપ્રેસવે પર તો ટોલ ચૂકવવો જ પડશે.
પાસ ક્યાંથી મેળવશો?
વાર્ષિક પાસ ૧૫ ઑગસ્ટથી રાજમાર્ગ યાત્રા મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા અને NHAI તેમ જ MoRTHની સત્તાવાર વેબસાઇટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. એ પણ યાદ રાખવાની જરૂર છે કે દરેક વાર્ષિક ફાસ્ટૅગ પાસ ચોક્કસ વાહન સાથે જોડાયેલ હશે અને એને અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં.
શું તમારે ફાસ્ટૅગ વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ખરીદવું જોઈએ?
ફાસ્ટૅગ વાર્ષિક પાસ સ્વૈચ્છિક છે એટલે કે જે વપરાશકર્તાઓ વધારે મુસાફરી કરતા નથી તેઓ હાલના પે-પર-યુઝ મોડમાં ફાસ્ટૅગનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. જોકે દરરોજ ઑફિસ અથવા સ્કૂલમાં જવા માટે લાંબા અંતરની મુસાફરી કરનારા લોકોને વાર્ષિક પાસ કેટલીક બચત અને સુવિધા પ્રદાન કરી શકે છે અને ટોલ-ફીમાં ૫૦૦૦થી વધારે રૂપિયા બચાવી શકે છે.
આ મુદ્દાઓ ધ્યાનમાં રાખો
વાહન કાર અથવા જીપ જેવું નૉન-કમર્શિયલ, વ્યક્તિગત હોવું જોઈએ.
એમાં પહેલાંથી જ વાહનના વિન્ડશીલ્ડ પર સક્રિય
ફાસ્ટૅગ લગાડવામાં આવેલું હોવું જોઈએ.
વાહનનો ફાસ્ટૅગ માન્ય વેહિકલ રજિસ્ટ્રેશન નંબર (VRN) સાથે લિન્ક થયેલો હોવો જોઈએ.
એ બ્લૅકલિસ્ટેડ અથવા વિવાદ હેઠળ ન હોવો જોઈએ.
ફાસ્ટૅગ વાર્ષિક પાસ ઓનલાઈન કેવી રીતે સક્રિય કરવો?
ફાસ્ટૅગ વાર્ષિક પાસ ખરીદવા અને સક્રિય કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી નીચે આપવામાં આવી છે. તમારા ફાસ્ટૅગ વાર્ષિક પાસને સક્રિય કરવા માટે નીચે દર્શાવેલાં સરળ પગલાંને અનુસરો.
સૌપ્રથમ ખાતરી કરો કે તમારો ફાસ્ટૅગ સક્રિય, ઇન્સ્ટૉલ કરેલો અને માન્ય VRN સાથે લિન્ક કરેલો છે.
રાજમાર્ગ યાત્રા મોબાઇલ ઍપ્લિકેશન અથવા સત્તાવાર NHAI વેબસાઇટની મુલાકાત લો.
તમારા વાહનનો નંબર અને ફાસ્ટૅગ ID જેવી વાહન-વિગતો દાખલ કરો.
૩૦૦૦ રૂપિયાની સિંગલ-ટાઇમ ચુકવણી કરવા માટે ચુકવણીના વિકલ્પોમાંથી એક પસંદ કરો.
વ્યવહાર સફળ થયા પછી વાર્ષિક પાસ સક્રિય થશે.
તમને તમારા ફાસ્ટૅગ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS-પુષ્ટિ પણ પ્રાપ્ત થશે.


