Mumbai Monsoon: આજે સવારે પણ અનેક ઠેકાણે વરસાદી માહોલ જામેલો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરતાં `યલો અલર્ટ` જારી કરી છે.
ફાઇલ તસવીર
મુંબઈગરાઓ માટે વરસાદ (Mumbai Monsoon)ને લઇને ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસના વિશ્રામ બાદ ફરી એકવાર રાજ્યભરમાં મોન્સૂને ગતિ પકડી હોય તેવું જણાઈ રહ્યું છે. ગઇકાલ રાતથી મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે, આજે સવારે પણ અનેક ઠેકાણે વરસાદી માહોલ જામેલો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરતાં `યલો અલર્ટ` જારી કરી છે.
તમને જણાવી દઈએ કે મુંબઈ તેમજ કલ્યાણ-ડોંબિવલીના વિસ્તારમાં ગઈકાલથી જ વરસાદ (Mumbai Monsoon)ની હાજરી જોવા મળી હતી. મુંબઈ અને સબર્બ્સમાં ગત રાતથી જ ધોધમાર વરસાદ વરસતો હોઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ આજે પણ મુંબઈમાં સવારથી જ વરસાદી માહોલ જામી ગયેલો દેખાઈ રહ્યો છે. જોકે, કલ્યાણ-ડોંબિવલી વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને કારણે છત્રપતિ શિવાજી ચોક, ગુરુદેવ હોટેલ રોડ અને આંબેડકર રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. આ એરિયામાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ જ નીચાણવાળા વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
ADVERTISEMENT
હાલમાં મહારાષ્ટ્રના હવામાનમાં એકાએક મોટો બદલાવ આવ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. શરૂઆતમાં ધુંઆધાર બેટિંગ કર્યા પછી મેઘરાજાએ આવ રજા જ લઇ લીધી હતી. હવે ફરી એકવાર રાજ્યમાં વરસાદે જોર પકડતા બફારા-ઉકળાટથી હેરાન પરેશાન થઈ ગયેલા લોકોને રાહત મળી છે.
વેધર ડિપાર્ટમેન્ટ શું કહે છે?
ભારતીય હવામાન વિભાગે આગાહી (Mumbai Monsoon) કરતાં જણાવ્યું હતું કે શ્રીગંગાનગર, હરદોઈ, રાંચી, સાગર આઇલેન્ડ અને વારાણસીથી લઈને બંગાળની ખાડી સુધી ૧.૫ કિલોમીટરની ઊંચાઈ પર લૉ પ્રેશરનું સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત ઉત્તર બિહારથી બંગાળની ખાડી સુધી પણ હવાનું લૉ પ્રેશર યથાવત રહ્યું છે, આ બંને કારણોસર વરસાદની ગતિમાં ફરી એકવાર વેગ આવ્યો છે.
વાત મહારાષ્ટ્રના હવામાનની
મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં મોન્સૂનનો માહોલ (Mumbai Monsoon) કયા પ્રકારનો રહેશે તે અંગે વાત કરવામાં આવે તો વિદર્ભ, મરાઠવાડા અને ઘાટ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ જાલના, પરભણી, છત્રપતિ સંભાજીનગર, જળગાંવ અને હિંગોલી જિલ્લાઓમાં વીજના કડાકા સાથે મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ પુણે, વિદર્ભ, મરાઠવાડા અને સાતારાના ઘાટ વિસ્તારોમાં પણ સાંબેલાધાર વરસાદ વરસી શકે છે.
જગતના તાતને રાહત
ખેડૂતોએ વાવણી પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી હતી. અને વરસાદની ચાતક-નજરે રાહ જોવાતી હતી. એક તરફ ખેડૂતો ચિંતામાં પણ મુકાયા હતા કેમેક જો લાંબા સમય સુધી સારો એવો વરસાદ ન થવાને કારણે વાવણી પર પાણી ફરી વળે. પરંતુ હવે લગભગ રાજ્યભરમાં શરૂ થયેલા સારા વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં વરસાદનું જોર આવું જ જળવાઈ રહેશે.
