Mumbai Water Updates: મુંબઈના સાત તળાવોમાં હાલમાં તેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૪૯.૭૩ ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જેને પગલે બીએમસીએ સમગ્ર મુંબઈ શહેર અને ઉપનગરોના કેટલાક ભાગોમાં ૨૦ ટકા પાણી કાપ લાગુ કરવાની ફરજ પડી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)ના પાણીના અનામત જથ્થામાં (વોટર રિઝર્વ) નોંધપાત્ર ઘટાડો થતાં તે ૫૦ ટકાની નીચે સરકી ગયો છે. શહેરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં હાલમાં તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૪૯.૭૩ ટકા જ પાણી બચ્યું છે, જેને કારણે પાણીની ઉપલબ્ધતા અંગે ફરી ચિંતા (Mumbai Water Updates) ઊભી થઈ છે. તળાવોમાં ઘટી રહેલા જળસ્તર વચ્ચે, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (Brihanmumbai Municipal Corporation)એ પીસે બંધારા (Pise Bandhara) ખાતે સર્જાયેલી તકનીકી ખામીઓ અને ભાતસા ડેમ (Bhatasa Dam)માંથી પાણી છોડવામાં આવેલા અવરોધોને કારણે સમગ્ર મુંબઈ સહિત પૂર્વીય અને પશ્ચિમ ઉપનગરોના કેટલાક ભાગોમાં ૨૦ ટકા પાણી કાપ (Mumbai Water Cut) લાગુ કર્યો છે.
મુંબઈના સાત તળાવોમાં પાણીનો સ્ટોક ઘટીને ૪૯.૭૩ ટકા થયો
ADVERTISEMENT
હાઈડ્રોલિક એન્જિનિયર વિભાગના માસ્ટર કંટ્રોલ સેન્ટર, ભાંડુપ કોમ્પ્લેક્સ (Hydraulic Engineer’s Department, Master Control Centre, Bhandup Complex)ના બુધવાર, ૧૫ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યાના અહેવાલ મુજબ, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોના કુલ સંગ્રહમાં ૦.૧૯ ટકાનો વધુ ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે હવે કુલ પાણીનો સ્ટોક (Mumbai Lake Levels) તેની સંગ્રહ ક્ષમતાના ૪૯.૭૩ ટકા પર પહોંચી ગયો છે. હાલમાં મુંબઈના આ જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લીટરની કુલ સંગ્રહ ક્ષમતા સામે ૭,૧૯,૭૧૬ મિલિયન લીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાણીનો આ સ્ટોક પાછલા વર્ષોની સરખામણીએ ઘણો ઓછો છે. ૨૦૨૫માં આ જ દિવસે સાત તળાવોમાં ૭૮.૩૦ ટકા પાણી હતું, જ્યારે ૨૦૨૪માં આ સ્ટોક ૩૫.૧૧ ટકા નોંધાયો હતો.
પીસે બંધારાની સમસ્યાને કારણે બીએમસી દ્વારા ૨૦ ટકા પાણી કાપ
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મંગળવારે પીસે બંધારા ખાતે સર્જાયેલી તકનીકી ખામીને કારણે સમગ્ર મુંબઈ સહિત પશ્ચિમ અને પૂર્વીય ઉપનગરોના કેટલાક ભાગોમાં ૨૦ ટકા પાણી કાપની જાહેરાત કરી છે.
પાલિકાએ જણાવ્યું છે કે, પીસે બંધારા ખાતે સ્થાપિત ન્યુમેટિક ગેટ્સના સમારકામની તાત્કાલિક કામગીરી ચાલી રહી છે, જેની સાથે જ ભાતસા ડેમમાંથી પાણી છોડવામાં અનિયમિતતા થવાને કારણે બંધારામાં પાણીનું સ્તર ઝડપથી ઘટ્યું છે. પાણીનું સ્તર ઘટવાને કારણે પમ્પિંગ સ્ટેશનો યોગ્ય રીતે ચલાવી શકાયા નહોતા, જેના લીધે ભાંડુપ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થતા પાણીના પુરવઠાને અસર થઈ છે.
અપર વૈતરણા, મોડક સાગર અને તાનસા તળાવનું જળસ્તર
અપર વૈતરણા તળાવ (Upper Vaitarna Lake)માં હાલમાં ૬૫,૨૯૪ મિલિયન લીટર પાણી છે, જે તેની કુલ ક્ષમતાના ૨૮.૭૬ ટકા છે. તેનું જળસ્તર ૫૯૮.૧૨ મીટર છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૩ મીટરનો વધારો થયો છે અને આ ચોમાસામાં અહીં અત્યાર સુધીમાં ૮૯૯ મીમી વરસાદ પડ્યો છે.
મોડક સાગર તળાવ (Modak Sagar Lake)માં ૧૦૦,૩૫६ મિલિયન લીટર પાણીનો સ્ટોક છે, જે તેની ક્ષમતાના ૭૭.૮૪ ટકાએ પહોંચ્યો છે. તેનું જળસ્તર ૧૬૯.૬૩ મીટર છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૨૪ મીટરનો ઘટાડો થયો છે અને અહીં આ ચોમાસામાં ૧,૩૧૭ મીમી વરસાદ નોંધાયો છે.
તાનસા તળાવ (Tansa Lake)માં હાલ ૧૧૩,૧૭૪ મિલિયન લીટર પાણી છે, જે તેની કુલ ક્ષમતાના ૭૮.૦૧ ટકા છે. આ તળાવનું જળસ્તર ૧૨૬.૯૧ મીટર છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૨ મીટરનો ઘટાડો થયો છે અને તાનસામાં કુલ ૧,૩૬૭ મીમી વરસાદ નોંધાયો છે.
મિડલ વૈતરણા અને ભાતસા જળાશયોમાં મિશ્ર પ્રવાહ
મિડલ વૈતરણા તળાવ (Middle Vaitarna Lake) ૮૫,૬૧૬ મિલિયન લીટર પાણીના સ્ટોક સાથે તેની ક્ષમતાના ૪૪.૨૪ ટકાએ પહોંચ્યું છે. તેનું જળસ્તર ૨૬૪.૬૫ મીટર છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦ ૫ મીટરનો વધારો થયો છે અને અત્યાર સુધીમાં અહીં ૯૫૨ મીમી વરસાદ પડ્યો છે.
મુંબઈના પાણીના સૌથી મોટા સ્ત્રોત એવા ભાતસા તળાવ (Bhatsa Lake)માં હાલ ૩૧૯,૬૫૯ મિલિયન લીટર પાણી છે, જે તેની કુલ ક્ષમતાના ૪૪.૫૮ ટકા છે. તેનું જળસ્તર ૧૨૫.૨૦ મીટર છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૮ મીટરનો ઘટાડો થયો છે અને આ ચોમાસામાં અહીં ૧,૦૭૦ મીમી વરસાદ નોંધાયો છે.
વિહાર અને તુલસી તળાવ સતત ઓવરફ્લો
ચાલુ મહિનાની શરૂઆતમાં થયેલા ભારે વરસાદ (Mumbai Rains)ને કારણે મુંબઈની સરહદમાં આવેલા બે તળાવો, વિહાર (Vihar) અને તુલસી (Tulsi), લગભગ પૂરેપૂરા ભરાયેલા છે.
વિહાર તળાવ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાઈ ગયું છે, જેમાં ૨૭,૬૯૮ મિલિયન લીટર પાણી છે. તેનું જળસ્તર ૮૦.૨૧ મીટર છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૧ મીટરનો ઘટાડો થયો છે અને આ ચોમાસામાં અહીં ૧,૬૪૩ મીમી વરસાદ પડ્યો છે.
તુલસી તળાવ તેની ક્ષમતાના ૯૮.૪૩ ટકા ભરાયું છે, જેમાં ૭, ૯૨૦ મિલિયન લીટર પાણીનો સ્ટોક છે. તેનું જળસ્તર ૧૩૯.૦૮ મીટર છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૩ મીટરનો ઘટાડો નોંધાયો છે અને આ તળાવમાં ૨,૨૦૧ મીમી વરસાદ પડ્યો છે.
વરસાદ અને ઓપરેશનલ અપડેટ્સ
ભાંડુપ કોમ્પ્લેક્સમાં ૧૫ જુલાઈના રોજ ૦.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જેનાથી આ સીઝનનો કુલ વરસાદ ૧,૭૧૮ મીમીએ પહોંચ્યો છે.
અહેવાલ અનુસાર, મિડલ વૈતરણા WSCPO ગેટ ૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૨ વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો અને અપર વૈતરણામાંથી પાણી છોડવાનું ૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યે બંધ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિહાર તળાવ ૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યે ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું અને તુલસી તળાવ ૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૩ વાગ્યે ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું.
હાલ મુંબઈના જળાશયોમાં પાણીનો જથ્થો ૪૯.૭૩ ટકા છે.
