Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

દેરાસરમાં દંગલ

Published : 22 June, 2023 08:01 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

મુલુંડના ઝવેર રોડ દેરાસરમાં મહાસતીજીના ઉતારા વિશે બે સંઘ વચ્ચે જબરદસ્ત વિવાદ : મારઝૂડ થતાં પોલીસની હાજરીમાં ઉશ્કેરાયેલા સંઘને ટ્રસ્ટીઓએ મીટિંગ કરીને શાંત કર્યો

મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દેરાસરમાં ધમાલ થયા બાદ ગઈ કાલે આખો દિવસ પોલીસની વૅન દેરાસરની બહાર ઊભી હતી.

મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દેરાસરમાં ધમાલ થયા બાદ ગઈ કાલે આખો દિવસ પોલીસની વૅન દેરાસરની બહાર ઊભી હતી.


મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દેરાસરમાં મંગળવારે સાંજે વીસ સાધ્વીજી વિહાર દરમ્યાન ઉતારા માટે આવ્યાં હતાં. એ દરમ્યાન આપસી વિવાદને કારણે ગ્રાઉન્ડ ફ્લોરના ઉપાશ્રયને એક સંઘ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું. આ વાત વાયુવેગે પ્રસરતાં બીજા સંઘના લોકો તાળું માર્યું એનો વિરોધ કરવા દેરાસરમાં ભેગા થયા હતા. વિવાદને શાંત કરવા માટે પોલીસ અધિકારીઓને બોલાવામાં આવ્યા હતા. અંતે રાતે સાડાબાર વાગ્યે ઉશ્કેરાયેલા સંઘના લોકોને ટ્રસ્ટીઓ દ્વારા સંબોધિત કરીને શાંત પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિને માર માર્યો હોવાની એનસી મુલુંડ પોલીસે નોંધી છે.

મુલુંડના ઝવેર રોડ પર આવેલા શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના મુખ્ય દેરાસર પર મંગળવારે સાંજે સાડાપાંચ વાગ્યે તપગચ્છ સંઘનાં વીસ મહાસતીજી વિહાર કરીને રહેવા માટે આવી પહોંચ્યાં હતાં. પહેલા માળે સાધુભગવાન હોવાથી તપગચ્છ સંઘના ટ્રસ્ટીઓ દેરાસરના ગ્રાઉન્ડ ફ્લોર પરના ઉપાશ્રયમાં મહાસતીજી માટે રહેવાની સગવડ કરી રહ્યા હતા ત્યારે અચલગચ્છ સંઘના ટ્રસ્ટીઓએ ગ્રાઉન્ડ ફ્લોર પરના ઉપાશ્રયને તાળું મારી દીધું હતું. આ વાત તપગચ્છ સંઘના લોકોને માલૂમ થતાં તાળું મારનાર અચલગચ્છ સંઘનો વિરોધ કરવા માટે રાતે ૨૦૦થી ૩૦૦ લોકો દેરાસરમાં આવી પહોંચ્યા હતા. એટલે અચલગચ્છ અને તપગચ્છ સંઘના લોકોમાં આપસમાં મોટો વિવાદ સર્જાયો હતો. રાતે સાડાનવ વાગ્યે દેરાસરમાં મારામારીનો માહોલ સર્જાતાં આ ઘટનાની જાણ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં બન્ને સંઘો વચ્ચે મીટિંગ થઈ હતી અને ત્યાર બાદ રાતે સાડાબાર વાગ્યે તાળું મારનાર સંઘે માફી માગી હતી અને તપગચ્છ સંઘના ટ્રસ્ટીઓએ રોષે ભરાયેલા સંઘના લોકોને સમજાવીને શાંત કર્યા હતા. આ દરમ્યાન નરેશ શાહ નામની વ્યક્તિની મારઝૂડ થઈ હોવાની એનસી મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. દેરાસરમાં થયેલી ધમાચકડીને શાંત કરવા માટે મુલુંડ પોલીસ સ્ટેશન સાથે ઝોનના રિઝર્વ રાખેલી પોલીસનો ઉપયોગ કરવો પડ્યો હતો. મંગળવારે સર્જાયેલા માહોલ પછી ગઈ કાલે આખો દિવસ દેરાસરની બહાર રિઝર્વ રાખેલી પોલીસની વૅન ઊભી રાખવામાં આવી હતી.




શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ દીપક ગોસરનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘કાલનો ઇન્સિડન્ટ બહુ જ ક્લિયર છે. વર્ષોથી અમારા સંઘની પ્રણાલીઓ ચાલતી આવે છે. દર વર્ષે અચલગચ્છ સમાજે મોટું મન રાખીને કેટલીક ચીજોને લેટ-ગો કરી છે, પણ આ વખતની એજીએમમાં એક ભૂતપૂર્વ ટ્રસ્ટીએ તમામને ગેરમાર્ગે દોર્યા હતા. એના અનુસંધાનમાં અચલગચ્છ સમાજે નિર્ણય લીધો કે પહેલા માળનો ઉપાશ્રય આપવો નહીં. દરમ્યાન અમારા ચાતુર્માસમાં મહારાજસાહેબનો પ્રવેશ હોવાથી અમે પહેલાં જ કહી દીધું હતું કે પહેલો માળ ખાલી કરવામાં આવે. મહારાજસાહેબનો પ્રવેશ નજીક હોવાથી કેટલાંક કામો પણ પહેલા માળે કરવાનાં બાકી હતાં. એ માટે અમે માણસો પણ બોલાવી લીધા હતા. જોકે ત્યારે મને એમ લાગ્યું કે તેમની રણનીતિ હોઈ શકે કે મહારાજસાહેબોને બેસાડી રાખવામાં આવે. અંતે અચલગચ્છ સમાજની પાંચ વરિષ્ઠ વ્યક્તિઓએ નિર્ણય લઈને ગ્રાઉન્ડ ફ્લોરના ઉપાશ્રયમાં તાળું માર્યું હતું. દરમ્યાન મને તપગચ્છ સમાજના ઉપપ્રમુખ ચેતન શાહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તપગચ્છ સમાજનાં વીસ મહાસતીજી બહાર ઊભાં છે. મેં તરત જ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજના હોય, પણ તેઓ આપણા મહારાજ છે, આપણા મહાત્મા છે; તેઓ બહાર ઊભાં રહે એ મને કદાપિ ચાલશે નહીં. તેમના માટે બીજા માળે અચલગચ્છ સાધ્વીજી મહાસતીજીના ઉપાશ્રયમાં મેં વ્યવસ્થા કરાવી એને ખોલાવી આપ્યો હતો. જોકે તેમની એક જ જીદ હતી કે નીચેનો ઉપાશ્રય ખોલાવો. આ ઘટનામાં મજાની વાત એ છે કે જેઓ ઉશ્કેરાઈને આવ્યા હતા તેમને ખબર નહોતી કે નીચેના ઉપાશ્રયના એક ગેટ પર ભલે તાળું માર્યું હોય, પણ બાકીના ગેટ ખુલ્લા જ હતા.’

શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં અચલગચ્છ સમાજના મંત્રી ચેતન દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વખતે અમારું મુખ્ય ચાતુર્માસ છે. અમારા મહારાજસાહેબ આવવાના હોવાથી એક મહિના પહેલાં થયેલી એજીએમમાં પહેલો માળ અચલગચ્છ સમાજના મહારાજસાહેબ માટે જોઈતો હોવાની માગણી કરવામાં આવી હતી. જોકે તેમણે કેટલાંક કારણો બતાવીને એ આપવા માટે ઇનકાર કર્યો હતો. સામે અમારા સમાજે નક્કી કર્યું હતું કે પહેલો માળ આપણે લઈશું અને એ માટે અમે પત્ર પણ આપ્યો છે. મંગળવારે તેમના મહારાજસાહેબ પહેલા માળે હતા. જોકે અમને અમારા મહારાજસાહેબ માટે શણગાર સાથે બીજી કેટલીક તૈયારીઓ કરવાની હોવાથી તપગચ્છ સમાજના મંત્રીઓને અમે માહિતી આપી ઉપાશ્રય ખાલી કરવા વિશે જણાવ્યું હતું. જોકે તેમણે આ વાત પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. અંતે અચલગચ્છ સમાજે માત્ર એક દરવાજાને તાળું માર્યું હતું, જ્યારે ચાર દરવાજા ખુલ્લા હતા. વર્ષોથી નિયમ ચાલતો આવ્યો છે કે જે જગ્યાએ સાધુમહાત્મા રહે એ જગ્યાએ સાધ્વીજી ન રહી શકે. જોકે ગઈ કાલે બનેલી ઘટનામાં નિયમો પણ પાળવામાં આવ્યા નહોતા. જોકે અંતે તપગચ્છ સમાજ અને અચલગચ્છ સમાજ બન્નેએ જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ મિચ્છા મિ દુક્કડં કર્યું હતું.’


શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં તપગચ્છ સમાજના મંત્રી મનોજ શાહને ‘મિડ-ડે’એ સંપક કરતાં તેમણે કોઈ પણ માહિતી આપવા માટે ઇનકાર કર્યો હતો. એ સાથે વધુ માહિતી ઉપપ્રમુખ ચેતન શાહ પાસે લેવા માટે જણાવ્યું હતું.

શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપપ્રમુખ ચેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેરાસરમાં વર્ષોથી ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ તપગચ્છ સમાજના લોકો કરતા આવ્યા છે. જો જરૂર પડે તો ઉપાશ્રયનો ઉપયોગ અચલગચ્છ કરતા હોય છે. આટલાં વર્ષોમાં કોઈ દિવસ તાળું મારીને ઉપાશ્રય બંધ કરવામાં નથી આવ્યો. મંગળવારે અમારાં આશરે ૨૦ સાધ્વીજી અહીં ઉતારા માટે આવ્યાં ત્યારે અચલગચ્છ સમાજના કેટલાક લોકોએ ઉપાશ્રયને તાળાં મારી દીધાં હતાં. એ પછી કેટલીયે વાર તેમને ઉપાશ્રય ખોલવા માટે સમજાવવામાં આવ્યા હતા, પરંતુ એ ખોલવામાં ન આવતાં અંતે તાળું તોડવામાં આવ્યું હતું. આ બાબતમાં લોકોએ ક્રોધે ભરાઈને ભેગા થવાનું શરૂ કર્યું હતું. અંતે આ પાછળનું કારણ એવું સમજાયું હતું કે તેમને આ વખતે પહેલા માળનો ઉપાશ્રય જોઈતો હતો જે મળ્યો નહોતો. અંતે તેમણે ગ્રાઉન્ડ ફ્લોરને તાળું માર્યું હતું જે આજ સુધી ક્યારેય બન્યું નથી એટલે લોકોનો ઉશ્કેરાટ વધારે હતો. અંતે રાતે બંનેને મિચ્છા મિ દુક્કડં કહીને વિષયને પૂરો કરવામાં આવ્યો હતો.’

ઘટનામાં માર ખાનારા નરેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દેરાસરના ગેટ પર અજ્ઞાત લોકો અંદર ન આવે એ માટે ઊભો હતો ત્યારે એકથી બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો અને મને માર મારવાની પણ ધમકી આપવામાં આવી હતી. એના પગલે મેં મારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી છે.’

મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાંતિલાલ કોથિમ્બીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે દેરાસરમાં બનેલી ઘટનાને શાંત કરવા માટે અમારા પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ અહીં મૂક્યો હતો. એ સાથે રિઝર્વ રાખેલી પોલીસનો ઉપયોગ કરીને અહીં થયેલી ધમાચકડી શાંત કરવામાં આવી હતી. આ કેસમાં એક એનસી નોંધાવવામાં આવી છે.’

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2023 08:01 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK