તાજેતરના વર્ષોમાં ઈરાને ડેરી ઉદ્યોગમાં ક્રાંતિકારી પ્રગતિ કરી છે. એક્સપાના (Expana) ના બેન્ચમાર્ક ડેટા અને વિવિધ રિપોર્ટ્સ મુજબ, ઈરાને વર્ષ 2025 માં આશરે 1,82,000 ટન મિલ્ક પાવડરની નિકાસ કરી છે.
પ્રતિકાત્મક તસવીર - એઆઈ
સામાન્ય રીતે જ્યારે પણ ઈરાનનું નામ સમાચારમાં આવે ત્યારે લોકોના મગજમાં ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અથવા પરમાણુ કાર્યક્રમની છબી જ ઊભી થાય છે. પરંતુ વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં ઈરાન એક એવો ખેલાડી બનીને ઉભર્યો છે જેની સીધી અસર તમારા સવારના નાસ્તાના ટેબલ સુધી પડી શકે છે. જી હા, ઈરાન હવે માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં, પણ ડેરી સેક્ટરમાં પણ `ધુરંધર` સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને સ્કીમ્ડ મિલ્ક પાવડર (SMP) ના બજારમાં ઈરાનનો દબદબો એટલો વધ્યો છે કે તે ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશોને પણ પાછળ છોડી ચૂક્યું છે.
ઓસ્ટ્રેલિયાને પછાડી બન્યું વિશ્વનો ચોથો સૌથી મોટો નિકાસકાર
ADVERTISEMENT
તાજેતરના વર્ષોમાં ઈરાને ડેરી ઉદ્યોગમાં ક્રાંતિકારી પ્રગતિ કરી છે. એક્સપાના (Expana) ના બેન્ચમાર્ક ડેટા અને વિવિધ રિપોર્ટ્સ મુજબ, ઈરાને વર્ષ 2025 માં આશરે 1,82,000 ટન મિલ્ક પાવડરની નિકાસ કરી છે. આ આંકડો વર્ષ 2021 ની સરખામણીએ અંદાજે 1,34,000 ટનનો તોતિંગ વધારો દર્શાવે છે. આ ઝડપી વૃદ્ધિને કારણે ઈરાન હવે દુનિયાનો ચોથો સૌથી મોટો સ્કીમ્ડ મિલ્ક પાવડર નિકાસકાર દેશ બની ગયો છે. જે સ્થાન પહેલા ઑસ્ટ્રેલિયાને નામ હતું. હાલમાં ઈરાનથી આગળ માત્ર યુરોપિયન યુનિયન (EU), ન્યુઝીલેન્ડ અને અમેરિકા જેવા જ જાયન્ટ્સ છે.
UAE, પાકિસ્તાન અને ઈરાક પર સંકટના વાદળ
ઈરાનનું આ દૂધનું સામ્રાજ્ય તેના પડોશી દેશો માટે કરોડરજ્જુ સમાન છે. પાકિસ્તાન, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને અફઘાનિસ્તાન જેવા દેશો ઈરાનના સ્કીમ્ડ મિલ્ક પાવડરના સૌથી મોટા ગ્રાહકો છે. આ દેશોના ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ, દહીં, મીઠાઈઓ અને ખાસ કરીને બેકરી ઉદ્યોગ ઈરાન પર નિર્ભર છે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ દેશોમાં બેકરી પ્રોડક્ટ્સ અને આઈસ્ક્રીમની ભારે માંગ હોય છે, જેમાં ઈરાનનો SMP મુખ્ય ઘટક છે. જો મિનાબ જેવી ઘટનાઓ કે ભૌગોલિક તણાવ વધે અને ઈરાનનો સપ્લાય અટકે, તો આ દેશોના ડેરી અને બેકરી બજારો સાવ `બેસ્વાદ` અને ઠપ્પ થઈ શકે છે.
કિંમતોમાં 23% નો તોતિંગ ઉછાળો
કેડિયા એડવાઈઝરીના MD અજય કેડિયાના જણાવ્યા મુજબ, યુરોપિયન યુનિયનના SMP બેન્ચમાર્ક ભાવમાં છેલ્લા બે મહિનામાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ડિસેમ્બરના અંતમાં જે ભાવ €1,950 પ્રતિ મેટ્રિક ટન હતા, તે 26 February 2026 સુધીમાં વધીને €2,525 પર પહોંચી ગયા છે. એટલે કે માત્ર બે મહિનામાં કિંમતોમાં 23% નો વધારો થયો છે. આ ભાવ વધારા પાછળ મિનાબમાં વધતું યુદ્ધનું જોખમ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ખરીદદારો દ્વારા કરવામાં આવી રહેલું સ્ટોકિસ્ટિંગ મુખ્ય કારણ છે.
નિષ્ણાતો માને છે કે જો સંઘર્ષ ચાલુ રહેશે અને ઉર્જાના ભાવ વધશે, તો ડેરી સેક્ટરમાં મોંઘવારીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે. ઈરાનનું આ દૂધનું સામ્રાજ્ય સાબિત કરે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં તે માત્ર તેલના આધારે નહીં, પણ ફૂડ સિક્યોરિટીના આધારે પણ પડોશી દેશોની નાડ પકડી શકે છે.
