આ ટુર્નામેન્ટ બાદ થયેલા મૅચ-ફિક્સિંગના આરોપો તેમ જ ICCની આગામી મુખ્ય ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખતાં મૉન્ટી દેસાઈએ ખૂબ મહત્ત્વનો રોલ ભજવવાનો રહેશે.
મૉન્ટી દેસાઈ
કૅનેડા ક્રિકેટ બૉર્ડે ગઈ કાલે એની મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ભારતના મૃગાંક (મૉન્ટી) દેસાઈની નિમણૂક કરી હતી. મૉન્ટી દેસાઈ ૨૦ કરતાં વધુ વર્ષનો કોચિંગનો અનુભવ ધરાવે છે અને તેની મુખ્ય ઉપલબ્ધિઓમાં નેપાલને વન-ડે ટીમનો દરજ્જો અપાવવાનો અને અનેક ICC ઇવેન્ટ્સમાં ટીમને ક્વૉલિફાય કરાવવાનું સામેલ છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન અને UAEની ટીમની સફળતામાં પણ તેણે યોગદાન આપ્યું હતું. ૨૦૧૯માં તે ચારેક મહિના માટે પહેલી વાર કૅનેડાનો હેડ કોચ બન્યો હતો, પણ વેસ્ટ ઇન્ડીઝની સિનિયર મેન્સ ટીમના બૅટિંગ કોચની ઑફર મળતાં તે ત્યાં જતો રહ્યો હતો. મૂળ ગુજરાતનો મૉન્ટી દેસાઈ વર્ષો સુધી મુંબઈમાં ક્લબ ક્રિકેટ રમતો રહ્યો હતો અને તેને કોચિંગમાં વધુ રસ હોવાથી ૨૦૦૮માં IPLની શરૂઆત થતાં રાજસ્થાન રૉયલ્સ ટીમ સાથે જોડાઈ ગયો હતો. તેણે ૨૦૧૫ સુધી રાજસ્થાન રૉયલ્સમાં ટૅલન્ટ સ્કાઉટ, પર્ફોર્મન્સ કોચ અને અસિસ્ટન્ટ કોચ તરીકે પણ ફરજ બજાવી હતી. ૨૦૨૬માં તે ગુજરાત લાયન્સ ટીમ સાથે જોડાઈ ગયો હતો. કૅનેડા હાલમાં જ પ્રથમ વાર T20 વર્લ્ડ કપમાં રમ્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ થયેલા મૅચ-ફિક્સિંગના આરોપો તેમ જ ICCની આગામી મુખ્ય ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખતાં મૉન્ટી દેસાઈએ ખૂબ મહત્ત્વનો રોલ ભજવવાનો રહેશે.
