Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વૉર ખતમ કરવા ટ્રમ્પની પહેલથી ક્રૂડમાં ગાબડાં પડ્યાં, શૅરબજારો હરખાયાં

વૉર ખતમ કરવા ટ્રમ્પની પહેલથી ક્રૂડમાં ગાબડાં પડ્યાં, શૅરબજારો હરખાયાં

Published : 11 March, 2026 09:16 AM | IST | Mumbai
Anil Patel

ટ્રમ્પ યુદ્ધનો અંત લાવવાની ઉતાવળમાં, ઈરાન હિસાબ પૂરો ચૂકતે કરવાના મૂડમાં : સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં સેન્સેક્સ ૬૪૦ પૉઇન્ટ વધ્યો, માર્કેટકૅપ ૬.૧૨ લાખ કરોડ રૂપિયા પ્લસ થયું : ખાતર શૅરોમાં મસમોટા ઉછાળા, ઉદ્યોગના બાવીસમાંથી ૨૦ શૅર મજબૂત

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ૭૭માંથી ૬૯ શૅર વધવા છતાં ઇન્ફી અને TCSના ભારમાં IT ઇન્ડેક્સ નરમ
  2. ફોર્સ મોટર્સમાં ૧૬૧૦ રૂપિયાની તેજી, MRFમાં ૨૧૭૫ રૂપિયાનો જમ્પ
  3. કેબલ શૅર ડાઉન, પૉલિકેબ ઇન્ડિયામાં ૫૦૬ રૂપિયાની ખરાબી

અમેરિકા-ઈરાન વચ્ચેની વૉર બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે ત્યારે યુદ્ધને લઈને બન્ને પક્ષે વિરોધાભાસી નિવેદન શરૂ થયાં છે. ટ્રમ્પ તરફથી ધાર્યાં નિશાન સર કરવાના દાવા સાથે વૉર લગભગ ખતમ થઈ હોવાનું કહેવાયું છે, તો બીજી તરફ ઈરાન કહે છે કે યુદ્ધ તમે શરૂ કર્યું છે, એને ખતમ અમે કરીશું. ટૂંકસાર એટલો જ કે ટ્રમ્પ માટે ઈરાન રીતસર લોઢાના ચણા પુરવાર થયું છે, ટ્રમ્પ હવે વહેલી તકે પીછો છોડાવવા માગે છે પણ ઈરાન સહેલાઈથી છોડવા તૈયાર નથી. ઈરાન પૂરો હિસાબ ચૂકતે કરવાના મૂડમાં છે. કોઈ ગમે તે કહે પણ આ વૉરનો અંત જલદી આવે એમ લાગતું નથી. આ લખાઈ રહ્યું છે એ દરમ્યાન ટ્રમ્પે ફરી એક વાર વૉર બંધ કરવાની વાત દોહરાવી છે. સામા પક્ષે ઈરાને હુમલા વધારી દીધા હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પ તરફથી યુદ્ધ પૂરું થયું હોવાના નિર્દેશને પગલે બ્રેન્ટ ક્રૂડ જે આગલા દિવસે ૧૧૯ ડૉલર પ્લસની પોણાચાર વર્ષની ટોચે જઈ ૯૯ ડૉલર નજીક બંધ થયું હતું એ ગઈ કાલે ગગડી નીચામાં ૮૮ થઈ આઠ ટકાના ધબડકામાં ૯૧ ડૉલરની અંદર આવી ગયું હતું. એની પાછળ વૈશ્વિક શૅરબજારો આગલા દિવસના ભારે કડાકા પછી શાર્પ બાઉન્સબૅક થયાં હતાં. એશિયા ખાતે સાઉથ કોરિયા પાંચ ટકા, જપાન પોણાત્રણ ટકા, તાઇવાન અને સિંગાપોર બે-બે ટકા, થાઇલૅન્ડ પોણાબે ટકા, હૉન્ગકૉન્ગ સવાબે ટકા નજીક, ઇન્ડોનેશિયા દોઢ ટકો વધીને બંધ થયું છે. આગલા દિવસે ૧૧,૦૦૦ પૉઇન્ટથી વધુ પટકાઈ ૧,૪૬,૪૮૦ બંધ થયેલું પાકિસ્તાની શૅરબજાર મંગળવારે ઉપરમાં ૧,૫૮,૩૫૪ થઈ રનિંગમાં ૯૯૪૭ પૉઇન્ટ ઊછળી ૧,૫૬,૪૨૭ ચાલતું હતું. યુરોપ રનિંગમાં દોઢથી સવાબે ટકો વધેલું હતું. બિટકૉઇન પોણાત્રણ ટકા વધીને ૭૦,૩૯૫ ડૉલર દેખાયો છે. ડૉલર સામે આગલા દિવસે ૯૨.૩૫નું ક્લોઝિંગ આપનાર રૂપિયો વધીને ૯૧.૭૦ બતાવી ૯૧.૮૧ આસપાસ જોવા મળ્યો છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૮૧૦ પૉઇન્ટ જેવો પ્લસ, ૭૮,૩૭૬ નજીક ખૂલી છેવટે ૬૪૦ પૉઇન્ટ વધીને ૭૮,૨૦૬ તથા નિફ્ટી ૨૩૩ પૉઇન્ટ ઊંચકાઈ ૨૪,૨૬૧ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૭,૭૪૫ અને ઉપરમાં ૭૮,૫૨૬ દેખાયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૫૪૪ શૅરની સામે ૬૭૩ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૬.૧૨ લાખ કરોડ રૂપિયા વધીને ૪૪૭.૨૨ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના ૦.૯ ટકા જેવા વધારા સામે PSU બૅન્ક નિફ્ટી સવાબે ટકા, બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા, ફાઇનૅન્સ બે ટકા, ઑટો ઇન્ડેક્સ ત્રણેક ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અઢી ટકા, હેલ્થકૅર સવા ટકો, પાવર બેન્ચમાર્ક દોઢ ટકા, નિફ્ટી મેટલ દોઢ ટકો પ્લસ હતો. IT ઇન્ડેક્સ ૭૭માંથી ૬૯ શૅરના સુધારા વચ્ચે ૭૩ પૉઇન્ટ ઘટ્યો છે. ઇન્ફોસિસ અને TCSની નરમાઈનો ભાર વર્તાઈ આવ્યો છે. ડિફેન્સ બેન્ચમાર્ક ૧૮માંથી ૧૩ શૅરના સુધારામાં પોણો ટકો વધ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો અપ હતો. ઑઇલ-ગૅસ તથા એનર્જી બેન્ચમાર્ક નહીંવત્ નરમ હતા. 



TCS સાડાપાંચ વર્ષના તળિયા સાથે ૨૫૦૦ની અંદર જતો રહ્યો


IT જાયન્ટ TCS ગઈ કાલે ૨૪૯૦ની સાડાપાંચ વર્ષની બૉટમ બતાવી અડધો ટકો ઘટીને ૨૫૧૩ રહી છે. ૨૦૨૪ની બીજી સપ્ટેમ્બરે ભાવ ૪૫૮૬ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. ઇન્ફોસિસ સરેરાશ કરતાં ૪૦ ટકા કામકાજે નીચામાં ૧૨૮૪ બતાવી ૧.૪ ટકા ગગડી ૧૨૯૫ના બંધમાં બજારને ૫૭ પૉઇન્ટ નડી છે. ટેક મહિન્દ્ર ૧૩૩૬ના લેવલે ફ્લૅટ બંધ રહી છે. વિપ્રો એક ટકો અને HCL ટેક્નૉલૉજીઝ નહીંવત્ સુધારે બંધ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૧૪૩૦ થઈ પ્રૉફિટ બુકિંગમાં ૧૪૦૦ બતાવી એક ટકો ઘટી ૧૪૦૯ બંધ આવી છે. એટર્નલ દોઢ ટકા તો ભારતી ઍરટેલ પોણો ટકો નરમ હતી.

ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ સરેરાશ કરતાં ૧૬ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૮૪ વટાવી ત્યાં જ બંધ થઈ એ-ગ્રુપમાં ઝળકી હતી. હૅપીએસ્ટ માઇન્ડ ૧૮ ટકાના ઉછાળે ૪૦૧, રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ ૧૬.૨ ટકાની મજબૂતીમાં ૧૨૮, આદિત્ય બિરલા સનલાઇફ ૧૧૪૪ના બેસ્ટ લેવલે જઈ સવાબાર ટકા ઊંચકાઈ ૯૭૭ તથા રેડિંગ્ટન લિમિટેડ ૨૬૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૧.૧ ટકાના જોરમાં ૨૫૯ હતી. કેબલ્સ કંપની KEI ઇન્ડસ્ટ્રીઝ ચાર ગણા કામકાજે નીચામાં ૪૪૩૦ બતાવી સવાપાંચ ટકા કે ૨૫૫ રૂપિયા ગગડીને ૪૫૩૫ રહી છે. પૉલિકેબ ઇન્ડિયા ત્રણ ગણા વૉલ્યુમે ૭૬૮૬ નીચે જઈ ૬.૨ ટકા કે ૫૦૬ રૂપિયા બગડી ૭૭૨૩ હતી. પૉલિકેબ પણ કેબલ્સ બિઝનેસમાં છે. ફિનોલેક્સ કેબલ્સ સાડાત્રણ ટકા તો RR કેબલ બે ટકા ડાઉન હતી. સારા બજારમાં હેક્સાવેર ટેક્નો ત્રણ ટકા ખરડાઈને ૪૪૩ રહી છે. રોકડામાં અન્ય સરકારી ખાતર કંપની ફેક્ટ (ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ) લિમિટેડ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૩૨ રૂપિયા ઊછળી ૭૯૫ વટાવી ગઈ હતી. GSFC આઠ ટકા, સ્પીક ૯ ટકા, નૅશનલ ફર્ટિલાઇઝર ૧૩.૪ ટકા, મદ્રાસ ફર્ટિલાઇઝર ૧૧ ટકા, ઝુઆરી ઍગ્રો ૬.૮ ટકા સહિત ૨૨માંથી ૨૦ ખાતર શૅર મજબૂત હતા.


બૅન્કિંગના ૪૧માંથી ૪૧ શૅર પ્લસ, ઑટોમાં તગડું બાઉન્સ-બૅક

નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ ઉપરમાં ૧૦૬૮ થઈને ૭.૭ ટકા ઊછળી ૧૦૬૩ બંધમાં ઝળકી છે. ક્રૂડની પીછેહઠને લઈ ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશન સેન્સેક્સ ખાતે ૪૪૭૫ની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી ૩.૫ ટકા કે ૧૪૬ રૂપિયાની ઉડાનમાં ૪૩૮૨ હતી. આગલા દિવસે ૬૦૦ રૂપિયાથી વધુ તરડાયેલી અલ્ટ્રાટેક ગઈ કાલે સવાબે ટકા કે ૨૫૪ રૂપિયા વધી હતી. HDFC બૅન્ક સવા ટકો વધી ૮૪૯ બંધમાં બજારને ૧૨૭ પૉઇન્ટ ફળી છે. ઍક્સિસ બૅન્ક બે ટકા તથા સ્ટેટ બૅન્ક સવા ટકો વધતાં એમાં બીજા ૧૧૨ પૉઇન્ટનો ઉમેરો થયો છે. કોટક બૅન્ક ૧.૪ ટકા વધીને ૩૯૨ હતી.

ઑટોમાં મહિન્દ્ર ૩.૭ ટકા, મારુતિ સુઝુકી ત્રણ ટકા કે ૩૯૭ રૂપિયા, બજાજ ઑટો સવાબે ટકા કે ૨૧૧ રૂપિયા, તાતા મોટર્સ પૅસેન્જર ચાર ટકા, આઇશર ૩.૬ ટકા કે ૨૬૪ રૂપિયા ઊંચકાઈ છે. હીરો મોટોકૉર્પ ૪.૨ ટકા વધી ૫૭૦૯ તો TVS મોટર્સ ૪.૪ ટકાની તેજીમાં ૩૭૮૭ થઈ છે. ફોર્સ મોટર્સ સારા કામકાજે ઉપરમાં ૨૨,૪૦૦ બનાવી ૭.૮ ટકા કે ૧૬૧૦ રૂપિયાના જમ્પમાં ૨૨,૨૫૭ રહી છે. SML મહિન્દ્ર ચાર ગણા કામકાજે ૧૪૩ રૂપિયા કે ૩.૬ ટકાની મજબૂતીમાં ૪૧૩૫ બંધ આવી છે. ક્રૂડના ઘટાડામાં એશિયન પેઇન્ટ્સ ૨.૭ ટકા વધી છે. એક્ઝોનોબલ સવાસાત ટકા ઊછળી ૨૯૧૨ હતી. તાતા સ્ટીલ ૨.૧ ટકા, JSW સ્ટીલ ૧.૮ ટકા, હિન્દાલ્કો ૧.૩ ટકા, વેદાન્તા ૧.૮ ટકા પ્લસ હતી. ટાઇટન, ભારત ઇલેક્ટ્રૉનિક્સ, પાવર ગ્રિડ, લાર્સન, બજાજ ફીન સર્વ, કોલ ઇન્ડિયા, જિયો ફાઇનૅન્શિયલ એકથી દોઢેક ટકા સુધરી હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ સવાબે ટકા વધીને ૧૩૧૬ તથા ગ્રાસિમ ૨.૪ ટકા વધી ૨૭૪૪ થઈ છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૪૧ શૅર વધ્યા છે. જેકે બૅન્ક આઠ ટકા, કર્ણાટક બૅન્ક ૭.૫ ટકા, તામિલનાડુ બૅન્ક ૬.૯ ટકા, IDBI ૪.૨ ટકા, બંધન બૅન્ક ૪.૭ ટકા વધી હતી. 

૧૫૦૦ કરોડની ટૅક્સ ડિમાન્ડના પગલે મીશો બૅક-ટુ-બૅક નવા તળિયે

પુણેની મેકફોસ લિમિટેડ ૧૦ શૅરદીઠ એકના મેઇડન બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ઉપરમાં ૯૪૦ થઈ પોણાચૌદ ટકા વધીને ૯૨૫ થઈ છે. કંપની ફેબ્રુઆરી ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવથી ૨૪ કરોડનો SME IPO લાવી હતી. ૨૦૨૪ની ૯ ડિસેમ્બરે ભાવ ૧૫૨૮ના બેસ્ટ લેવલે ગયો હતો. ૨૦૨૩ની ૧૩ માર્ચે ૧૨૬નું વર્સ્ટ લેવલ બન્યું હતું. કાનપુરની ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ એક શૅરદીઠ બેના મેઇડન બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૪૨૮ થઈ ચારેક ટકા વધી ૪૪૫૦ રહ્યો છે. ૧૧ ઑગસ્ટે એમાં ૫૪૭૦ની વિક્રમી સપાટી બની હતી. BCC ફ્યુબા ઇન્ડિયા ૧૦ શૅરદીઠ ૩ના પ્રમાણમાં શૅરદીઠ ૭૫ના ભાવે તેમ જ અમદાવાદી પ્રભા એનર્જી ૧૪ શૅરદીઠ પાંચના પ્રમાણમાં શૅરદીઠ ૧૪૪ના ભાવે બુધવારે એક્સ-રાઇટ થશે. BCC ફ્યુબા ગઈ કાલે ૫.૨ ટકા વધી ૧૬૫ તથા પ્રભા એનર્જી સાડાછ ટકા ઊછળી ૧૬૩ બંધ થઈ છે. કોચીની વર્ટેક્સ સિક્યૉરિટીઝ એક શૅરદીઠ એકના પ્રમાણમાં શૅરદીઠ બેના ભાવે રાઇટમાં બુધવારે એક્સ-રાઇટ થવાની છે. ભાવ ગઈ કાલે ૩.૨ ટકા વધી ૩.૮૩ હતો. ફેસવૅલ્યુ બેની છે.

NSE દ્વારા અદાણી પાવર, કોચીન શિપયાર્ડ, હ્યુન્દાઇ મોટર, મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્સ સર્વિસિસ, નિપ્પોન લાઇફ તેમ જ વિશાલ મેગામાર્ટને ૧ એપ્રિલથી ડેરિવેટિવ્સ લિસ્ટમાં સામેલ કરવાનું નક્કી થયું છે. ગઈ કાલે અદાણી પાવર નહીંવત્ ઘટીને ૧૩૯, કોચીન શિપયાર્ડ ૧.૪ ટકા વધીને ૧૪૭૪, હ્યુન્દાઇ મોટર અડધો ટકો સુધરી ૨૦૯૯, મોતીલાલ ઓસવાલ સવાત્રણ ટકા વધી ૭૧૬, નિપ્પોન લાઇફ પોણાપાંચ ટકા ઊંચકાઇને ૮૭૪ તથા વિશાલ મેગામાર્ટ પોણાત્રણ ટકા વધીને ૧૧૧ ઉપર બંધ રહી છે. ઈ-કૉમર્સ કંપની મિશો લિમિટેડ ૧૫૦૦ કરોડની ટૅક્સ ડિમાન્ડ નોટિસ ફટકારાઈ હોવાના અહેવાલમાં આગલા દિવસે ૧૦ ટકા તૂટી ૧૪૩ના વસ્ટે લેવલે ગયા બાદ ગઈ કાલે ૧૩૫નું નવું તળિયું બનાવી બે ટકા ગગડી ૧૪૦ રહી છે. 

ડિફેન્સ કંપની એપ્સિસ ઍરોકૉમનો SME IPO આજે ખૂલશે

વૉરને કારણે તૂટતી બજાર અને બગડતા માનસને લઈ હવે પ્રાઇમરી માર્કેટ ઠપ થવા માંડી છે. પાઇપલાઇનમાં સંખ્યાબંધ IPO છે પરંતુ કંપનીઓ હાલમાં ઇશ્યુ લાવવા ઉત્સુક નથી. નવા લિસ્ટિંગમાં કસ રહ્યો નથી. મોટા ભાગની કંપનીઓ લિસ્ટિંગ લૉસમાં જઈ રહી છે. વૉર લંબાય તો પ્રાઇમરી માર્કેટમાં નવાં ભરણાંનો રીતસર દુકાળ જોવા મળશે. આજે બુધવારે બૅન્ગલોરની એપ્સિસ ઍરોકૉમ ૧૦ના શૅરદીઠ ૧૧૦ની અપરબૅન્ડમાં ૩૫૭૭ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની હાલમાં જેની ફૅન્સી છે એ ડિફેન્સ, ઍરોસ્પેસ તેમ જ હેલ્થકૅર ઇન્ડસ્ટ્રીઝ પ્રિસિઝન એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સ બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૨૨ ટકાના વધારામાં ૨૦૫૭ લાખની આવક પર ૧૬૦ ટકા વૃદ્ધિદરથી ૬૬૪ લાખ નેટ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૧૩૭૦ લાખની આવક અને ૩૧૨ લાખ નફો દર્શાવ્યો છે. દેવું ૨૩૩ લાખ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૧૧૧ પૈસા છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૨૦૫ લાખ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૭ રૂપિયા શરૂ થયું છે.

મેઇનબોર્ડમાં નવી દિલ્હીની ઇનોવિઝન લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૫૪૮ની અપરબૅન્ડ સાથે ૩૨૩ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં બે ટકા સહિત કુલ બે ટકા ભરાયો છે, જ્યારે ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલેસનો ૧૦ના શૅરદીઠ ૧૨૨ના ભાવનો ૨૫૫ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪૦ ટકા ભરાયો છે. હાલ રાજપૂતાનામાં આગલું અઢીવાળું પ્રીમિયમ દોઢ ચાલે છે. ઇનોવિઝનમાં પ્રીમિયમ શરૂ થયું નથી. ઓડિશાની SME કંપની શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શનનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૨૦ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૭૦ ટકા સહિત કુલ ૧.૨ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ ઝીરો છે. પુણેની સેડમેક મેક્ટ્રોનિક્સનું લિસ્ટિંગ બુધવારે થવાનું છે. ગ્રેમાર્કેટમાં ૩૦ના ડિસ્કાઉન્ટમાંથી ઊછળી ૭૩ થયેલું પ્રીમિયમ હાલમાં ગગડીને ૩૦ બોલાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 09:16 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK