Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું એક યોદ્ધા છું, જીવનનું દરેક યુદ્ધ હિંમતથી લડી છું

હું એક યોદ્ધા છું, જીવનનું દરેક યુદ્ધ હિંમતથી લડી છું

Published : 02 May, 2026 10:53 AM | Modified : 02 May, 2026 11:38 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સેજલ શાહનું નવું નાટક ‘ધારાબેન ધુરંધર’ તાજેતરમાં જ ઓપન થયું છે. સેજલબહેને અનેક ગુજરાતી નાટકો ઉપરાંત ગુજરાતી સિરિયલો અને ફિલ્મો તથા હિન્દી નાટકો-સિરિયલો-ફિલ્મો  તથા હિન્દી નાટકો-સિરિયલો-ફિલ્મોમાં પણ ઘણું કામ  કર્યું છે.

પતિ મુનિ ઝા સાથે સેજલ શાહ

પતિ મુનિ ઝા સાથે સેજલ શાહ


મુસીબતો બધાના જીવનમાં આવે છે, પણ એની સામે દરેક વખતે લડી લેતી વ્યક્તિઓ ખરી યોદ્ધા ગણાય છે. આજે મળીએ જાણીતાં અભિનેત્રી સેજલ શાહને અને જાણીએ કે રૂઢિચુસ્ત જૈન પરિવારની દીકરીએ ઍક્ટિંગને કરીઅર તરીકે અપનાવવા માટે, પોતાને પસંદ હતો તે છોકરા સાથે લગ્ન કરવા માટે, સતત કામ મેળવવા માટે અને પતિની બીમારીને કારણે ઘરની જવાબદારીઓ ઉઠાવવા માટે કેટલાં યુદ્ધો લડીને પોતાની જાતને ખરા યોદ્ધા તરીકે સિદ્ધ કરી છે

૨૦૨૫માં ગુજરાતી રંગમંચનું જાણીતું ઍક્ટર કપલ મુનિ જહા અને સેજલ શાહ મુંબઈથી બહાર ગુજરાત બાજુ ગયાં હતાં. મુનિભાઈ એક ગુજરાતી ફિલ્મ કરી રહ્યા હતા એનું શૂટિંગ તેમણે પતાવ્યું, થોડું રી-શૂટ આવ્યું અને એ પણ પૂરું કર્યું. બન્નેને થયું કે અમદાવાદથી બે કલાકના રસ્તે આવેલાં કુળદેવીનાં દર્શન કરતાં આવીએ. એટલે એ દર્શન પતાવીને બન્ને ૧૨-૧૩ ઑગસ્ટ આસપાસ મુંબઈ પાછાં ફર્યાં. ૧૫ ઑગસ્ટે સેજલબહેન ‘દાદીની ગોલમાલ’ નામે નાટક કરી રહ્યાં હતાં જેનો છેલ્લો શો પત્યો. ૧૭ ઑગસ્ટે સેજલબહેન ટાઉન સાઇડ ગયાં હતાં ત્યારે અચાનક તેમના ઘરેથી ફોન આવ્યો : જલદી આવ, મુનિભાઈની તબિયત લથડી છે. ફોન પર જ સેજલબહેનને સમજાઈ ગયું કે લકવા જેવું લાગે છે. તેમણે તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવા કહ્યું. તેઓ સીધાં હૉસ્પિટલ ભાગ્યાં. હૉસ્પિટલ ગયા પછી સમજાયું કે મુનિભાઈને સ્ટ્રોક આવ્યો છે. સ્ટ્રોક ઘણો  સિવિયર હતો, પણ ભગવાનનો પાડ કે તે બચી ગયા. ડૉક્ટરે કહ્યું કે આ સ્ટ્રોકને કારણે તેમની સ્પીચ પર અસર પડી છે. એ ખરાબ સમયને યાદ કરતાં સેજલબહેન કહે છે, ‘જ્યારે ડૉક્ટરે મને કહ્યું ત્યારે મને લાગ્યું કે હે ભગવાન, તેની કરીઅરનું શું, તે હવે ઍક્ટિંગ નહીં કરી શકે. વખત જતાં સમજાયું કે તેને વાંચવામાં પણ તકલીફ પડી રહી છે. એક તરફ એ હાશકારો પણ હતો કે કશું કામ પેન્ડિંગ કે અધૂરું ન રહ્યું. ભગવાને અમારો એટલો સાથ આપેલો. દરેક પ્રોજેક્ટ પત્યો અને આ થયું. આ થયા પછી બે-ત્રણ મહિના તો સેટલ થવામાં ગયા. ઘરે મુનિનું જીવન આખું સેટ કરવાનું હતું, તેને જરૂરી કાળજી પૂરી પાડવાની હતી. એનાથી મોટી વાત એ હતી કે ઘરે કમાનારી હવે ફક્ત હું એક જ હતી. એક કામ પત્યું અને બીજું ક્યારે મળશે, મળશે કે નહીં જેવી અસુરક્ષા એટલે એક ઍક્ટરનું જીવન. એવી અસુરક્ષા મેં ઘણી વાર અનુભવી છે, પણ અત્યારે તો સર્વાઇવલનો પ્રશ્ન હતો. જીવનમાં મેં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. આ તકલીફ પણ એક મોટી કસોટી સમાન જ હતી; પણ મેં મારી જાતને યાદ દેવડાવ્યું ત્યારે કે સેજલ, તેં ક્યારેય હાર માની નથી તો અત્યારે તો બિલકુલ હાર માનવાની નથી; તું એક યોદ્ધા છે, તારે લડવું જ રહ્યું. મેં તરત જેડીભાઈ (મજીઠિયા)ને ફોન કર્યો. મેં કહ્યું કે મને કંઈ પણ કરીને કામ જોઈએ છે, મને અત્યારે ખૂબ જરૂર છે. તેમણે મને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં કામ આપ્યું. અમારાં લગ્નને ૪૨ વર્ષ થઈ ગયાં. મુનિએ આખું જીવન મારું ઘણું ધ્યાન રાખ્યું છે, હવે મારો વારો છે.’



સિંગાપોરમાં જન્મ


સેજલ શાહનું નવું નાટક ‘ધારાબેન ધુરંધર’ તાજેતરમાં જ ઓપન થયું છે. સેજલબહેને અનેક ગુજરાતી નાટકો ઉપરાંત ગુજરાતી સિરિયલો અને ફિલ્મો તથા હિન્દી નાટકો-સિરિયલો-ફિલ્મો  તથા હિન્દી નાટકો-સિરિયલો-ફિલ્મોમાં પણ ઘણું કામ  કર્યું છે. સેજલ શાહ આમ તો સુરતી કહેવાય, પણ તેમનો જન્મ સિંગાપોરમાં થયો હતો. તેમની ૪ બહેનો અને એક ભાઈ સાથે તેઓ ૬-૭ વર્ષની ઉંમર સુધી સિંગાપોરમાં જ રહેતાં હતાં. સિંગાપોર સરકારના નિયમ મુજબ ત્યાં જન્મેલા દરેક છોકરાએ મિલિટરીમાં ભરતી થવું જ પડે. પોતાના એકના એક દીકરાને સેજલબહેનનાં મમ્મી મિલિટરીમાં મોકલવા માગતાં નહોતાં એટલે તેઓ ભારત પાછાં ફર્યાં. મુંબઈમાં નેપિયન સી રોડ પર તેઓ રહેતાં હતાં. પોતાના નાનપણની વાત કરતાં તેઓ કહે છે, ‘હું ખૂબ તોફાની હતી. તોફાન કરવામાં હું લીડર બની જતી. પપ્પાને ખૂબ ઇચ્છા હતી કે હું ડૉક્ટર બનું, પણ હું એ ન બની શકી. કૉન્સર્ટ્‌સ, બૅલે, ડાન્સ એ બધામાં ભાગ લેતી. મેં ૧૦ વર્ષ ભરતનાટ્યમ પણ શીખ્યું છે. એનું આરંગેત્રમ બાકી રહી ગયું હતું જેનો મને અફસોસ છે. હું એક રૂઢિવાદી જૈન પરિવારની દીકરી હતી જેનાં માતા-પિતા ઇચ્છતાં હતાં કે તે ભણી લે અને યોગ્ય જગ્યાએ સાસરે જાય. આર્ટિસ્ટ બનવાનું કે ઍક્ટિંગ કરવાનું તો તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું.’

શરૂઆત


૧૯૮૩માં સેજલબહેનના પપ્પા ગુજરી ગયા એટલે કમાવાની જરૂર પડી હતી. એક ફાઇવસ્ટાર હોટેલના બુટિકમાં તેઓ હેલ્પર તરીકે જોડાયાં હતાં. ત્યાંના એક ડિઝાઇનર સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા બે લોકો બાળકોની એક શૉર્ટ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે સેજલબહેનને પૂછ્યું, ‘તમે કામ કરશો?’ ઍક્ટિંગ કરવી તેમને એટલી ગમતી કે તેમણે ‘હા’ પાડી દીધી. એ ફિલ્મનું નામ હતું ‘ધૂમકેતુ’ અને એને ફિલ્મ ડિવિઝનનો અવૉર્ડ પણ મળ્યો હતો. જોકે આ ફિલ્મમાં કામ કરવા બાબતે તેમના ઘરે ઘણી બબાલ થઈ હતી. એ વિશે વાત કરતાં સેજલબહેન કહે છે, ‘મારાં મમ્મી બિલકુલ ઇચ્છતાં નહોતાં કે હું આ કામ કરું. મારી મોટી બહેન પણ મારાથી ૧૫ વર્ષ મોટી હતી એટલે તે પણ કંઈ સમજે એમ નહોતી. મને એ સમયથી જ ઍક્ટિંગનું ઘેલું હતું. ફિલ્મો જોઈને આવતી તો અરીસા સામે ઍક્ટિંગ કર્યા કરતી. હેલન મારાં ફેવરિટ. તેમના ડાન્સ હું ખૂબ કૉપી કરતી. મને ગ્લૅમરસ હિરોઇનો ખૂબ ગમતી. ઝીનત અમાન પણ મને ખૂબ પસંદ. એ પછી માધુરી અને શ્રીદેવીના ડાયલૉગ્સ અરીસા સામે બોલતી. એટલે હું આ આવેલી તક ખોવા નહોતી માગતી. ઝઘડો કરીને પણ મેં એ કામ કર્યું. એ પછી ધીમે-ધીમે નાટકો શરૂ થયાં. સરિતાબહેન જેવાં દિગ્ગજો સાથે કામ કરવાનો મોકો મળ્યો. મેં કોઈ ટ્રેઇનિંગ લીધી નથી. જે પણ શીખ્યું એ બધું રંગમંચના મહારથીઓને જોઈ-જોઈને જ શીખ્યું છે.’

સિરિયલ

ટીવીમાં પણ ‘હસરતેં’થી તેમને ખાસ્સી પ્રસિદ્ધિ મળી હતી. એની વાત કરતાં સેજલબહેન કહે છે, ‘‘હસરતેં’ અમારા સમયની ખાસ્સી બોલ્ડ સિરિયલ ગણાતી. એનો લીડ રોલ મને ઑફર થયો હતો. એ સમયે ૩ મહિના થયા હતા મારાં લગ્નને એટલે મારા પતિએ ના પાડી કે આવા બોલ્ડ સીન તારે નથી કરવાના. એ સમયે એવી અક્કલ ન ચાલી કે નૅશનલ ટેલિવિઝન પર ઓવર-એક્સપોઝ્ડ સીન્સ એ લોકો મૂકે જ નહીં. મારે એ કરી લેવાની જરૂર હતી, પણ ના પાડીને હું અમેરિકા જતી રહી નાટકના શો કરવા. એ પછી મને આ સિરિયલના ડિરેક્ટરે કહ્યું કે ભલે લીડ રોલ ન કર્યો, પણ બીજો એક મહત્ત્વનો રોલ તારે કરવાનો છે. આ રીતે મેં ‘હસરતેં’ કરી.’

પરિવાર

નાટકો કરતાં-કરતાં સેજલબહેનની મુલાકાત મુનિ ઝા સાથે થઈ. બન્ને પ્રેમમાં પડ્યાં. સેજલબહેન જૈન અને મુનિ ઝા નાગર. મુનિભાઈનાં મમ્મીને તો આ સંબંધ સ્વીકાર્ય હતો, પરંતુ સેજલબહેનના ઘરે બધાને મનાવવા અઘરા હતા. એ વિશે વાત કરતાં સેજલબહેન કહે છે, ‘કેટલાક અનુભવોને લીધે મારી હાલત એવી હતી કે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ. એટલે મને સતત શંકા રહેતી. વળી મારે તો લગ્ન જ નહોતાં કરવાં. મારા ઘરના, પરિવારના અઢળક પ્રૉબ્લેમ્સ હતા. એ બધા વચ્ચે મુનિએ મારી ખૂબ સંભાળ લીધી. તેણે મને ખૂબ પ્રેમ આપ્યો. એક દિવસ મારાં સાસુ અમારા બન્ને પર બગડ્યાં અને કહ્યું કે કંઈ પણ થાય, તમે બન્ને હવે લગ્ન કરી લો. તેમણે પ્રેશર અને અવિશ્વસનીય સાથ ન આપ્યો હોત તો કદાચ મેં લગ્ન જ ન કર્યાં હોત. મારે તો બાળકો પણ નહોતાં કરવાં. એવી અલગથી જવાબદારી નહોતી જોઈતી, પણ મારી એક બહેન બીમાર પડી અને પોતાના દીકરાની સંભાળ રાખી શકે એમ નહોતી. મેં એ સમયે પણ આ જવાબદારી લેવાની ના પાડેલી, પણ પરિસ્થિતિની ગંભીરતા જોઈને પોણાત્રણ વર્ષની ઉંમરના તે બાળકને દત્તક લેવાનો નિર્ણય મુનિનો હતો. આજે તે ૨૫ વર્ષનો છે. રિતિક ઝા નામ છે તેનું.’

જલદી ફાઇવ

તમારો મનગમતો રોલ : મેં ‘પ્રતિબિંબના પડછાયા’ નામના નાટકમાં સ્પ્લિટ પર્સનાલિટીનું પાત્ર ભજવ્યું હતું. એ પછી અજય દેવગને ‘દીવાનગી’ નામની ફિલ્મમાં આવું જ એક પાત્ર ભજવ્યું હતું જે વિશે એ સમયે અખબારોમાં છપાયું હતું કે સ્પ્લિટ પર્સનાલિટી કઈ રીતે ભજવવી એ અજયે સેજલ શાહ પાસેથી શીખવું જોઈતું હતું. હું નસીબદાર છું કે મને આવો રોલ મળ્યો.

ડર : અમે ઍક્ટર્સ એક મુખ્ય ડરથી પીડાઈએ છીએ કે આજે તો કામ છે, પણ કાલનું શું? મેં મારી કરીઅરમાં ચાર-પાંચ વર્ષ એવાં કાઢ્યાં છે જેમાં મારી પાસે કામ જ નહોતું. એ સમયે બુદ્ધિઝમ મારા જીવનમાં આવ્યું જેને કારણે હું ખુદને સંભાળી શકી.

અફસોસ : મને એ વાતનો ખૂબ અફસોસ છે કે મારી આવડત મુજબ મને કામ મળ્યું નથી. મને ઍક્ટર તરીકે કામની ભૂખ જેટલી છે એટલું અને એવું કામ હું કરી નથી શકી.

શું બાકી છે? : મને કોઈ દિવસ 
મારું માર્કેટિંગ આવડ્યું નહીં. મને જે કામ મળ્યું એ ફક્ત ટૅલન્ટને કારણે. ઇન્ડસ્ટ્રીમાં આટલી કાસ્ટિંગ એજન્સી છે પણ મને એક પણ ખબર નથી. મને લાગે છે કે સારું કામ કરવું હશે તો આ બધું મારે શીખવાની જરૂર છે.

બકેટ લિસ્ટ : અત્યારે તો એક જ ઇચ્છા છે કે ભગવાન મને એટલી તાકાત આપે કે હું મારા પરિવાર પ્રત્યેની બધી જ જવાબદારીઓ સારી રીતે નિભાવી શકું.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 11:38 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK