૩૮૩ રૂપિયાના વાર્ષિક પાસ માટે ૧૦,૦૦૦ રૂપિયા અને ૪૫ રૂપિયાના પાસ માટે ૫૦૦૦ ચૂકવવાનો પ્રસ્તાવ હતો
ફાઇલ તસવીર
સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)માં મૉર્નિંગ વૉકર પાસની કિંમતમાં પહેલી મેથી વધારો થવાનો હતો. પ્રસ્તાવિત નવા ભાવોને અતાર્કિક ગણાવીને નાગરિકોએ હોબાળો મચાવ્યા બાદ હવે પાસના ભાવમાં વધારો કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. અત્યારે સામાન્ય વાર્ષિક પાસની કિંમત ૩૮૩ રૂપિયા છે, જે વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે જે ૨૫૧૧ ટકાનો વધારો છે, જ્યારે સિનિયર સિટિઝનના પાસની કિંમત અત્યારે ૪૫ રૂપિયા છે જેને ૫૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ હતો.
SGNPના કન્ઝર્વેટર અને ડિરેક્ટરની ઑફિસ તરફથી ૩૦ એપ્રિલે એક મેમોરેન્ડમ બહાર પાડીને આ પગલું મુલતવી રાખવામાં આવ્યું હતું. સુધારેલા દર ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
૨૧ એપ્રિલે રજૂ કરાયેલા એક મેમોરેન્ડમમાં ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સાથે જ કાઉન્ટર પર રાહ જોવાનો સમય ઘટાડવા માટે ઑલ-ઇન-વન ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમ પણ શરૂ કરવાનો પ્રસ્તાવ હતો. શુક્રવારે એક ફૉરેસ્ટ-અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મે મહિનાના અંત સુધીમાં નવા દર જાહેર થાય એવી શક્યતા છે.
- નિમેશ દવે અને સાર્થક મહેતા
