ગીર નૅશનલ પાર્ક ઍન્ડ ગીર વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એને સંલગ્ન વિસ્તારોમાં કુલ ૩૮૪ સિંહ: ગીરની બહારના વિસ્તારમાં વસ્યા છે ૫૦૭ સિંહ: ૧૧માંથી ૭ જિલ્લામાં જોવા મળી સિંહોની વસ્તી
આ વખતે સિંહોની વસ્તીગણતરી દરમ્યાન ધારી ગીર પૂર્વ વન વિભાગમાં સિંહ પરિવાર ગરમીમાં ઠંડક માણતો અને પાણી પીતો જોવા મળ્યો હતો.
ગુજરાતની શાન સમા ગીરના સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે અને તાજેતરમાં યોજાયેલી ગણતરીમાં ગીર સહિતના જિલ્લાઓમાં કુલ મળીને ૮૯૧ સિંહોની વસ્તી જોવા મળી છે. ૨૦૨૦ની સિંહોની ગણતરીને ધ્યાનમાં લઈએ તો દર પાંચ વર્ષે થતી સિંહોની ગણતરીમાં આ વખતે પાછલી ગણતરી કરતાં ૨૧૭ સિંહો વધ્યા છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ૧૬મા સિંહ વસ્તીઅંદાજના આંકડાઓ જાહેર કરતાં કહ્યું હતું કે ‘રાજ્યમાં સિંહોની સંખ્યા વધતી જાય છે. ૧૧ જિલ્લાઓના ૫૮ તાલુકાઓમાં સિંહનો અંદાજ કાઢવામાં આવ્યો હતો એમાં ૧૯૬ નર, ૩૩૦ માદા, ૧૪૦ પાઠડા અને ૨૨૫ બાળસિંહ મળીને કુલ ૮૯૧ સિંહો છે. આ પહેલાં ૨૦૦૧માં સિંહોની સંખ્યા ૩૨૭, ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને ૨૦૨૦માં ૬૭૪ હતી.’
ADVERTISEMENT
ગણતરીની રસપ્રદ વિગત એ છે કે ગીર નૅશનલ પાર્ક ઍન્ડ ગીર વાઇલ્ડ લાઇફ સૅન્કચ્યુઅરી અને એને સંલગ્ન વિસ્તારોમાં કુલ ૩૮૪ સિંહો છે એટલે કે સિંહો ગીર કરતાં બહારના વિસ્તારમાં વધુ વસ્યા છે.
કૉરિડોર એટલે શું?
ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરીમાં આ વખતે પહેલી વાર કૉરિડોર એરિયામાં બાવીસ સિંહો એકથી બીજા વિસ્તારમાં જતા જોવા મળ્યા અને એ નોંધાયા છે. કૉરિડોર એરિયા એટલે ગીર નૅશનલ પાર્ક ઍન્ડ ગીર વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એના સંલગ્ન વિસ્તારમાંથી સિંહો ગિરનાર વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી તરફ જતા હોય કે લિલિયા તરફ કે કોસ્ટલ તરફ કે અન્ય વિસ્તારમાં જતા હોય એ દરમ્યાન સિંહોની વસ્તીગણતરી થઈ એમાં આ રૂટ પર સિંહ એકથી બીજા વિસ્તાર તરફ જતા જોવા મળ્યા. એકથી બીજા વિસ્તારમાં જઈ રહેલા સિંહોના આ માર્ગને કૉરિડોર એરિયા નામ અપાયું છે.
ક્યાં કેટલા સિંહ?
સૌથી વધુ ૩૮૪ સિંહ ગીર નૅશનલ પાર્ક ઍન્ડ ગીર વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એને સંલગ્ન વિસ્તારોમાં
પાનિયા વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં ૧૦
મિતિયાળા વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એને સંલગ્ન વિસ્તારોમાં ૩૨
ગિરનાર વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એને સંલગ્ન વિસ્તારોમાં ૫૪
સાઉથ વેસ્ટર્ન કોસ્ટ એટલે કે સુત્રાપાડા, કોડિનાર, ઉના અને વેરાવળમાં ૨૫
સાઉથ ઈસ્ટર્ન કોસ્ટ એટલે કે રાજુલા, જાફરાબાદ,
નાગેશ્રીમાં ૯૪
ભાવનગરમાં ૧૦૩
ભાવનગર કોસ્ટમાં ૧૫
બરડા વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં ૧૭
જેતપુર અને એને સંલગ્ન વિસ્તારોમાં ૬
બરડા, જસદણ અને એને સંલગ્ન વિસ્તારોમાં બે
કૉરિડોર એરિયામાં બાવીસ
કયા જિલ્લામાં કેટલા સિંહ?
જૂનાગઢ ૧૯૧
ગીર સોમનાથ ૨૨૨
અમરેલી ૩૩૯
ભાવનગર ૧૧૬
પોરબંદર ૧૬
રાજકોટ ૬
દેવભૂમિ દ્વારકા ૧
નોંધ : અમદાવાદ, બોટાદ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સિંહ નથી.


