રસ્તા બનાવવામાં પ્લાસ્ટિકના ઉપયોગને કારણે રોડમાં હોલ જેવું દેખાય છે એ દેખાતું નથી અને રોડમાં પાણી ઊતરતું નથી તેમ જ રસ્તાની લાઇફ વધુ હોય છે
પ્લાસ્ટિકનો રીયુઝ કરીને સુરતમાં બનેલો પ્લાસ્ટિકનો રોડ.
ગુજરાતનાં બે મોટાં શહેર સુરત અને અમદાવાદે પર્યાવરણની સુરક્ષાને લઈને અન્ય શહેરોને રાહ ચીંધતું ઉદાહરણીય કામ કર્યું છે, જેમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુરતમાં ૪૪ કિલોમીટરના રોડ બનાવ્યા છે તો અમદાવાદમાં શહેરીજનોને બેસવા માટે બાંકડા બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પ્લાસ્ટિક વેસ્ટને રીસાઇકલ કરીને બનાવેલા બાંકડા.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડ્રેનેજ અને સૉલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાંથી રોજ કચરો એકઠો થાય છે જેમાંથી ૨૦૦ ટન પ્લાસ્ટિક અલગ કરીને એને રીસાઇકલ કરવામાં આવે છે. પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવીને એમાંથી પ્લાસ્ટિકના રોડ બનાવવામાં આવે છે. ૨૦૧૭થી લઈને ૨૦૨૫ સુધીમાં ૨૨૫ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રીસાઇક્લિંગ કરીને રીયુઝ કરીને સુરતના અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ સહિતના ૨૯ વિસ્તારોમાં ૩૮ કિલોમીટરના ૨૯ રસ્તાઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને હમણાં થોડા દિવસ પહેલાં વેસુમાં અંદાજે ૬ કિલોમીટરનો સર્વિસ રોડ પ્લાસ્ટિકમાંથી બનાવ્યો છે. રોડ બનાવવા માટે ડામર, કપચી સહિતના મટીરિયલ્સમાં પ્લાસ્ટિકના રસનો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તા બનાવવામાં પ્લાસ્ટિકના ઉપયોગને કારણે રોડમાં હોલ જેવું દેખાય છે એ દેખાતું નથી અને રોડમાં પાણી ઊતરતું નથી તેમ જ રસ્તાની લાઇફ વધુ હોય છે.’
અમદાવાદમાં રોજ કચરામાંથી પ્લાસ્ટિક વેસ્ટને અલગ કરીને એની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે પ્લાસ્ટિક વેસ્ટ મૅનેજમેન્ટ ફેસિલિટી પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે, જેમાં પ્લાસ્ટિક રીસાઇક્લિંગની કામગીરી થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં અંદાજિત ૫૧,૧૦૦ મેટ્રિક ટન જેટલા પ્લાસ્ટિક વેસ્ટને રીસાઇકલ કરીને બાંકડા બનાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનના ગાર્ડનમાં તેમ જ શહેરમાં અન્ય સ્થળોએ શહેરીજનોને બેસવા માટે પ્લાસ્ટિકમાંથી બનેલા બાંકડા મૂકવામાં આવ્યા છે.

