અમદાવાદમાં ભીડભંજન હનુમાનદાદાનાં દર્શન કરીને ચૂંટણીપ્રચારની શરૂઆત કરી
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહે હનુમાનદાદાનાં દર્શન કરીને આરતી ઉતારી હતી
કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અને ગાંધીનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર અમિત શાહે ગઈ કાલે અમદાવાદમાં ભીડભંજન હનુમાનદાદાનાં દર્શન કરીને તેમ જ સુભાષચંદ્ર બોસની પ્રતિમાને નમન કરીને ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુરુકુળ રોડ પર આવેલુ ભીડભંજન હનુમાનદાદાનું મંદિર અમિત શાહ માટે શુકનવંતું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહે હનુમાનદાદાનાં દર્શન કરીને આરતી ઉતારી હતી અને જીતના આશીર્વાદ મેળવ્યા હતા. ૩૧ વર્ષ પહેલાંની વાતને વાગોળતાં અમિત શાહે કહ્યું હતું કે ‘ભૂપેન્દ્ર પટેલ કાઉન્સેલર હતા ત્યારે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીપ્રચારનો આરંભ પણ આ જ હનુમાનજીના આશીર્વાદ મેળવીને કર્યો હતો.’
ADVERTISEMENT
અમિત શાહે દર્શન કરીને સભામાં શું કહ્યું?
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષમાં દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.
- બહેનો અને માતાઓ માટે ૩૩ ટકા આરક્ષણ આપી લોકસભા અને વિધાનસભામાં જવા માટેનો રસ્તો પ્રશસ્ત કર્યો છે.
- બધા વિચારતા હતા કે ૩૭૦ની કલમ કેવી રીતે હટશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ આ કલમને હટાવીને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.
- આજે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ભારતભરમાં મોદી-મોદીના જ નારા લાગી રહ્યા છે. જનતાએ અબ કી બાર ૪૦૦ પાર માટે મન બનાવી લીધું છે.
- દેશની જનતા ચૂંટણીની રાહ જોઈ રહી છે અને કમળ સામેનું બટન દબાવવા તત્પર છે.
- દરેક મતદારને મતપેટી સુધી પહોંચાડી અને નરેન્દ્ર મોદીને વોટ આપવા પ્રચંડ ઝુંબેશ ચલાવવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું હતું.