ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી ભવનાથની તળેટીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ એવો ધસમસતો વહ્યો કે માણસો તણાવા લાગ્યા : જોકે અન્ય લોકોએ હાથ ઝાલીને તેમને બચાવી લીધા, પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ, કેટલીક કાર અને ભેંસો તણાઈ
જૂનાગઢમાં આવ્યો પ્રલય
દોલતપરામાં ફસાયેલા લોકોને જેસીબી મશીન પર બેસાડીને બહાર કઢાયા : ફસાઈ ગયેલા ૨૫૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા
સૌરાષ્ટ્રના યાત્રાધામ અને ઐતિહાસિક નગર એવા જૂનાગઢના લોકો ગઈ કાલનો દિવસ કદાચ ક્યારેય નહી ભૂલી શકે. જૂનાગઢમાં ગઈ કાલે બે કલાકમાં સાંબેલાધાર પાંચ ઇંચથી વધુ સાથે કુલ સાડાનવ ઇંચ વરસાદ ખાબકતાં જૂનાગઢ જળબંબાકાર થઈ ગયું હતું. એટલું જ નહીં, ગિરનાર પર્વત પરથી ભવનાથની તળેટીમાં આવેલો પાણીનો પ્રચંડ પ્રવાહ તેમ જ સોનરખ નદી અને કાળવા વોકળામાં ધસમસતાં પાણીના પ્રવાહના રૌદ્ર રૂપથી જૂનાગઢવાસીઓમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. જોકે વહીવટી તંત્રએ લોકોની મદદે આવીને ૨૫૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
ADVERTISEMENT
જૂનાગઢમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં સાડાનવ ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી ભવનાથની તળેટીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ ધસમસતો વહ્યો હતો, જેના પગલે સોનરખ નદી તેમ જ કાળવા વોકળામાં ધસમસતાં પાણીનો પ્રવાહ એવો વહ્યો હતો કે જૂનાગઢવાસીઓ હબક ખાઈ ગયા હતા. જૂનાગઢવાસીઓએ આ રીતનો પાણીનો પ્રવાહ પહેલી વાર જોયો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી વહેતાં ઝરણાંઓએ પણ જાણે કે રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હતું અને જાણે કે નદીમાં પૂર આવ્યું હોય એમ ઝરણાંનો પ્રવાહ આગળ વધી રહ્યો હતો. ગિરનાર પર્વત પરથી પાણીનો પ્રવાહ ભવનાથ તળેટીમાં આવ્યો હતો. ભવનાથ મંદિર અને જ્યાંથી રવેડી નીકળે છે એ માર્ગ પર નદીની જેમ પાણી વહ્યાં હતાં. આ વહેણ એવું તો ખતરનાક બની ગયું હતું કે એના પ્રચંડ પ્રવાહમાં એક માજી તેમ જ કેટલાક લોકો તણાયાં હતાં. જોકે ત્યાં હાજર લોકોએ તેમના હાથ પકડીને બચાવી લીધા હતા.

જૂનાગઢના દોલતપરામાં ફસાયેલા લોકોને જેસીબી મશીન પર બેસાડીને બહાર લવાયા હતા
સોનરખ નદી તેમ જ કાળવા વોકળામાં પાણીનો પ્રવાહ એવા જોરથી વહી રહ્યો હતો કે જે પણ એની લપેટમાં આવ્યું એને ખેંચતો ગયો હતો. આ પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ, કેટલીક કાર અને ભેંસો, લારીગલ્લા તેમ જ ટાયરના ગોડાઉનમાંથી ટાયરો પણ તણાઈ ગયાં હતાં. બીજી તરફ સક્કરબાગ ઝૂની આસપાસ પણ પાણી ફરી વળ્યાં હતાં, જેના કારણે પ્રાણીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા
જૂનાગઢના અનેક વિસ્તારો જળમગ્ન થતાં લોકોની મદદ માટે વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. દોલતપરામાં ફસાયેલા લોકોને જેસીબી મશીન પર બેસાડીને બહાર કાઢ્યા હતા તેમ જ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ફસાઈ ગયેલા ૨૦૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા અને સલામત સ્થળે ખસેડ્યા હતા.


