Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ ૫૭ ટકા મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ ૫૭ ટકા મતદાન

Published : 27 April, 2026 10:37 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્યાંક થઈ બે પક્ષો વચ્ચે બબાલ તો ક્યાંક થયો મતદાનનો બહિષ્કાર

અમદાવાદમાં અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું (તસવીરો : જનક પટેલ)

અમદાવાદમાં અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું (તસવીરો : જનક પટેલ)


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ ૫૭ ટકા જેટલું મતદાન નોંધાયું છે. ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓમાં સરેરાશ ૪૯ ટકા જેટલું, ૮૪ નગરપાલિકાઓમાં સરેરાશ ૫૯ ટકા જેટલું, ૩૪ જિલ્લા-પંચાયતોમાં સરેરાશ ૬૧ ટકા જેટલું અને ૨૬૦ તાલુકા-પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ ૬૨ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આકરી ગરમી વચ્ચે પણ મતદારોએ ઠેર-ઠેર મતદાન કરવા મતદાનમથકો સુધી પહોંચીને મતદાન કર્યું હતું. ઉમેદવારોનાં રાજકીય ભાવિ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં સીલ થયાં છે. હવે ૨૮ એપ્રિલે મતગણતરી થશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે અમદાવાદમાં પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું હતું.



સુરતમાં વેડ રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સંતોએ સામૂહિક મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી. સંતોએ લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. પ્રભુસ્વામીએ કહ્યું હતું કે ‘જગતમાં અન્નદાન, ભૂમિદાન, ગૌદાન અને કન્યાદાનનો મહિમા છે અને એથી પણ સવાયો મહિમા લોકશાહીમાં દેશહિતમાં મતદાનનો છે.’


ડાંગ જિલ્લામાં મતદાન માટે લાઇન લાગી હતી


ડાંગ જિલ્લામાં જિલ્લા અને તાલુકા-પંચાયતોની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૭૭.૧૭ ટકા મતદાન થયું હતું. એમાં જિલ્લા-પંચાયતમાં સૌથી વધુ મતદાન બરડા બેઠક પર ૮૦.૦૨ ટકા અને સૌથી ઓછું આહવા બેઠક પર ૫૩.૪૯ ટકા નોંધાયું હતું.

જૂનાગઢ જિલ્લાના બેલા ગામમાં મતદાનમથકની સુરક્ષાથી લઈને સંચાલન સુધીની તમામ જવાબદારી મહિલાઓએ સંભાળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પિન્ક બૂથ ગ્રામીણ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મહિલા પ્રિસાઇડિંગ ઑફિસરથી લઈને સુરક્ષાકર્મી તરીકે પણ મહિલાઓ તહેનાત હતી અને શિસ્તબદ્ધ રીતે મતદાન કરાવ્યું હતું.

અમદાવાદ, નવસારી, અમરેલી, વડોદરા સહિતનાં સ્થળોએ મતદાન સમયે ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ક્યાંક બોગસ વોટિંગના આક્ષેપ થયા હતા તો ક્યાંક મતદાનને લઈને એકબીજાના કાર્યકરો વચ્ચે ચકમક થઈ હતી. અમદાવાદમાં કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવારને હોમગાર્ડે ધક્કો મારતાં મામલો બિચક્યો હતો અને ફરિયાદ પણ થઈ હતી.

સુરતમાં સંતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

વિકાસનાં કામોની વચ્ચે ગુજરાતનાં કેટલાંક ગામડાંઓમાં કામો નહીં થયાં હોવાના આરોપ સાથે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મહેસાણાના બાજીપુરા ગામ, છોટાઉદેપુરના વલીનગર ગામ તેમ જ કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા, લુણાવાડા સહિતનાં પંથકનાં કેટલાંક ગામો પાણી તેમ જ રોડ-રસ્તાનાં કામો નહીં થતાં હોવાના આરોપ સાથે મતદાન કરવાથી અળગાં રહ્યાં હતા. એને કારણે અધિકારીઓ ગામોમાં દોડી ગયા હતા અને મતદાન કરવા ગ્રામજનોને સમજાવ્યા હતા.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતનાં શહેરોમાં ધોમધખતી ગરમીમાં  બપોરના સમયે મતદારો ઓછા બહાર નીકળ્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 10:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK