અમદાવાદમાં મૅરેજ પહેલાં મતદાન કરવા આવી સુઝાન સોલંકી : દુલ્હો પણ સાથે આવ્યો સપોર્ટમાં : સોલંકી પરિવારે લગ્નની સાથોસાથ મતદાનનું પણ મુહૂર્ત સાચવ્યું
મતદાન મથકની બહાર પરિવાર સાથે કન્યા સુઝાન સોલંકી અને વરરાજા નીલેશ જાદવ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈ કાલે અમદાવાદમાં સોલંકી પરિવારે કન્યાદાન પહેલાં મતદાન કરીને લગ્નની સાથોસાથ મતદાનનું પણ મુહૂર્ત સાચવ્યું હતું. સોલંકી પરિવારની દીકરી સુઝાન લગ્ન પહેલાં પરિવાર સાથે મતદાન કરવા આવી હતી એટલું જ નહીં, વરરાજા નીલેશ જાદવ પણ તેમને સપોર્ટ કરવા મતદાન-મથકે આવ્યો હતો.
અમદાવાદના ગોમતીપુરમાં આવેલા મતદાન-મથકમાં મતદાન કરીને સુઝાન સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જીવનમાં મેં પહેલી વાર મતદાન કર્યું છે. મને ખુશી છે કે મેં પહેલી વાર મતદાન કર્યું અને એ જ દિવસે મારાં લગ્ન છે એટલે આ દિવસને હું ક્યારેય ભૂલી નહીં શકું. મારા માટે જીવનનો આ અવિસ્મરણીય દિવસ બની રહ્યો છે. હું યંગસ્ટર્સને મેસેજ આપવા માગું છું કે દરેકે મતદાન અવશ્ય કરવું જોઈએ. મારાં લગ્નના દિવસે જ મતદાનનો દિવસ આવતો હોવાથી પરિવારે અગાઉથી જ નક્કી કર્યું હતું કે આપણે સમય કાઢીને મતદાન કરવા જઈશું.’
