Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જૈન સંતોને સરકારે રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવા જોઈએ

જૈન સંતોને સરકારે રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવા જોઈએ

Published : 08 June, 2025 09:38 AM | Modified : 09 June, 2025 06:55 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં જૈન સમાજની સંત સુરક્ષા મહારૅલીમાં આવી માગણી કરવામાં આવી: રાજસ્થાનના પાલી જિલ્લા સહિતનાં સ્થળોએ બનેલી ઘટનાના પડઘા પડ્યા અમદાવાદમાં : નરેન્દ્ર મોદીને અપાશે આવેદનપત્ર

મહારૅલી

મહારૅલી


રાજસ્થાનમાં પાલી જિલ્લામાં તેમ જ અન્ય સ્થળોએ સંતો સાથે બનેલી ઘટનાના પડઘા ગઈ કાલે અમદાવાદમાં પણ પડ્યા હતા અને તપાગચ્છ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મહાસંઘ દ્વારા સંત સુરક્ષા મહારૅલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીઓ તેમ જ જૈન સમાજના નાગરિકો જોડાયાં હતાં. વાસણામાં આવેલા રેવા જૈન સંઘથી નીકળેલી રૅલી ધરણીધર ચાર રસ્તા, મહાલક્ષ્મી પાંચ રસ્તા અને પાલડી થઈને પ્રીતમનગર આખાડા સુધી ફરી હતી અને એ પછી સભામાં ફેરવાઈ હતી. આ રૅલીના અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવનારું આવેદનપત્ર વાંચવામાં આવ્યું હતું જેમાં પદયાત્રી સંતોની સુરક્ષા માટે ઠોસ પગલાં લેવાની માગણી કરવામાં આવી છે. 




રૅલીમાં એવી માગણી ઊઠી હતી કે જૈન સંતોને સરકારે રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવા જોઈએ, દોષીઓને ઝડપથી સજા માટે કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં જે-તે રાજ્યની રાજધાનીમાં ચલાવવામાં આવે, જૈન ધર્મ અને સંતો વિરુદ્ધ દ્વેષપૂર્ણ પ્રચાર કરતાં સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવે, સંતોની સુરક્ષા માટે સંતોના વિહારમાર્ગ પર વાહનોથી અલગ અને સુરક્ષિત પગદંડીઓ બનાવવામાં આવે અને સ્કૂલ-કૉલેજોના અભ્યાસક્રમમાં જૈન સંતોના ત્યાગમય જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનનો પરિચય સામેલ કરવામાં આવે.


તાજેતરમાં રાજસ્થાનના પાલી જિલ્લામાં જૈનાચાર્ય શ્રી પુંડરીક રત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ અને ગુજરાતના બારડોલીમાં મુનિ અભિનંદનજી, ભરૂચ પાસે મહાસતીજી સહિત ઘણી શંકાસ્પદ માર્ગ-અકસ્માતની ઘટનાઓ બની છે. જૈન સમાજનું માનવું છે કે આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી, કારણ કે દરેક ઘટનામાં એકસરખી પદ્ધતિ દેખાય છે. વાહનચાલકને કોઈ ઈજા થતી નથી કે વાહનને નુકસાન થતું નથી અને સંતને કચડીને તેઓ ફરાર થઈ જાય છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે ઠોસ પગલાં ભરવાની માગણી પ્રબળ બની છે.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2025 06:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK