Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફર્સ્ટ-એઇડ બૉક્સ તમારા ઘરમાં છેને?

ફર્સ્ટ-એઇડ બૉક્સ તમારા ઘરમાં છેને?

01 August, 2019 01:22 PM IST | મુંબઈ
વર્ષા ચિતલિયા

ફર્સ્ટ-એઇડ બૉક્સ તમારા ઘરમાં છેને?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સીઝન બદલાય ત્યારે આવતી નાની-મોટી વ્યાધિ અને કટોકટીના સમય માટે દરેકના ઘરમાં દાદીમાના નુસખાથી લઈને આધુનિક દવાઓ સુધીની તમામ વસ્તુઓ હાથવગી હોવી જોઈએ પ્રાથમિક સારવાર માટેની ઍલોપૅથિક કિટ અને પ્રાકૃતિક ઔષધિ વડે ઘરગથ્થુ ઉપચારો માટે કઈ વસ્તુ હોવી જોઈએ તેમ જ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જાણી લો

વડીલો અને નાનાં બાળકોમાં હવામાન પરિવર્તનની વધુ અસર જોવા મળે છે. આધેડ વયના એક દરદીને ઋતુ બદલાય એટલે શરદી-ઉધરસ થઈ જ જાય. જોકે પછી તુલસી, ફુદીનો અને આદું નાખી ઉકાળેલું ગરમ પાણી પીએ એટલે બેચાર દિવસમાં મટી જાય. એ જ રીતે પડવા-આખડવાથી કોઈ ઈજા થાય અને લોહીની ધાર ફૂટે એટલે તાબડતોબ આપણે એના પર હળદર ચોપડી દઈએ છીએ. નાની-મોટી વ્યાધિ અને ઉપાધિમાં દાદીમાના આવા નુસખા અપનાવવામાં આવે છે. આ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર અસરકારક હોય છે. આપણા દેશમાં આયુર્વેદની પરંપરા છે, પરંતુ કડવા ઓસડિયાથી બચવા અને તાત્કાલિક રાહત મેળવવા લોકો હવે ઍલોપૅથિક દવાઓ પર વધુ નિર્ભર કરવા લાગ્યા છે. બેશક, આજની ફાસ્ટ લાઇફમાં ઍલોપૅથિક ટ્રીટમેન્ટ પણ એટલી જ અનિવાર્ય છે.



સામાન્ય રીતે આપણે ઘરમાં દવાનું બૉક્સ રાખતા જ હોઈએ છીએ, પણ ઘણી વાર એવું બને કે ટાંકણે જ એમાં જોઈતી દવા કે પાટાપિંડી માટેનાં સાધનો ન મળે. ઘણાનાં ઘરમાં તો પુરુષો અને વડીલોને એટલીય ખબર હોતી નથી કે રસોડામાં હળદર ક્યાં મૂકી છે. ઍલોપૅથિક હોય કે આયુર્વેદિક, કટોકટીના સમયે ઘરની કોઈ વ્યક્તિ મૂંઝાઈ ન જાય એ રીતે તૈયાર કરેલી પ્રાથમિક સારવાર માટેની કિટ દરેકના ઘરમાં ફરજિયાતપણે હોવી જોઈએ. આજે આપણે આ બન્ને પ્રકારના ફર્સ્ટ-એઇડ બૉક્સમાં શું હોવું જોઈએ તેમ જ એનો ઉપયોગ ક્યારે અને કઈ રીતે કરવો જોઈએ એ સંદર્ભે વાત કરીશું.


આયુર્વેદિક ઉપચાર

સીઝન બદલાય એટલે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવી એ સામાન્ય બાબત છે. આંખ, કાન, નાક, ગળું અને જીભ આ પાંચેય ઇન્દ્રિયો પર મોસમની અસર વર્તાય. આયુર્વેદમાં આવા દરદ માટે સરળ અને સોંઘા ઉપચારો જણાવ્યા છે. તેથી આધુનિક દવાઓ લેવાની જરૂર પડતી નથી. આયુર્વેદિક ફર્સ્ટ-એઇડ બૉક્સમાં અલોવેરા જેલ, કાળાં મરીનો ભૂકો, એલચી, તજ, હીમેજ, લૅવેન્ડર ઑઇલ, લવિંગનું તેલ, બેકિંગ સોડા, સૂંઠ-પીપરીમૂળ પાઉડર, મીઠું, ઇસબગુલ, મધ, જાયફળ, ઘી, ખડી સાકર, હરડે, હિંગ, દેશી ગોળ વગેરે જેવી પ્રાકૃતિક ઔષધિ હોવી જોઈએ.


લૅવેન્ડર ઑઇલમાં‍ ઍન્ટિસેપ્ટિક અને ઍન્ટિઇન્ફ્લેમૅટરી ગુણ છે. ચોમાસામાં જીવજંતુ કરડવાથી થયેલા ઘાવને ઠીક કરવાની ક્ષમતા છે. બેકિંગ સોડા આલ્કલાઇન એજન્ટ હોવાથી એનો કિટમાં સમાવેશ કરવો જોઈએ. અપચામાં ઉપયોગી છે. અલોવેરામાં કુલિંગ અને હીલિંગ ઇફેક્ટ હોવાથી સનબર્ન અને ત્વચાની બળતરામાં કામ લાગે છે. પ્રાકૃતિક ઔષધિ વિશે વધુ જાણકારી આપતાં આયુર્વેદ નિષ્ણાત પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘શરદી, દાંતની પીડા, તાવ, દાહ-બળતરા, ઊલટી, અનિદ્રા, માથાનો દુખાવો, ઍસિડિટી, ઝાડા થઈ જવા જેવા સામાન્ય રોગોમાં આયુર્વેદમાં ઘણા ઘરગથ્થુ ઉપાય સૂચવવામાં આવ્યા છે જેમાં આવી કિટ ખૂબ ઉપયોગી થશે. ઘરમાં વડીલોને શ્વાસ અને દમની તકલીફ હોય તો હળદર અને શુદ્ધ ઘી ચાટવા આપી દો, ઉપરથી ગરમ દૂધ પીવાથી તાત્કાલિક રાહત થઈ જશે. અચાનક દાંતમાં દુખાવો ઊપડે તો હિંગને ગરમ પાણીમાં ઉકાળી કોગળા કરી લેવા અને દાંત પર લવિંગનું તેલ લગાવી દેવું.’

ઘરમાં કોઈને તાવ આવ્યો હોય તો ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે એમ જણાવતાં તેઓ વધુમાં કહે છે, ‘ઋતુ બદલાય એટલે તાવ આવવાની ફરિયાદ સામાન્ય છે. આવા ટાણે તજનો ઉકાળો બનાવી મધ નાખી પીવાથી તાવ ઊતરી જશે. મીઠું નાખેલું ગરમ પાણી પીવાથી પણ સારું લાગશે. તાવમાં ઉપવાસ શ્રેષ્ઠ ઔષધ છે. ઘણી વાર આપણને અપચો અને ઊલટી જેવું થતું હોય છે. એવા સમયે મરી અને મીઠું વાટીને પી જવાથી રાહત થાય છે. ગોળ અને મધ મિક્સ કરીને પણ લઈ શકાય. ઘરમાં વડીલોને અનિદ્રાનો રોગ સતાવતો હોય તો સૂતાં પહેલાં પગના તળિયે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ સારી આવે છે. હેડકી ઊપડી હોય તો થોડી હળદરને પાણીમાં નાખી પી લેવી. આવા તો અનેક ઉપચારો છે. આયુર્વેદિક કિટમાં સઘળી ઔષધિ રાખેલી હશે તો અહીંતહીં શોધવી નહીં પડે. જોકે ઔષધિ કઈ રીતે વાપરવી એની જાણકારી હોવી જરૂરી છે. સામાન્ય ઉપચારો કઈ રીતે કરી શકાય એની નોંધ લખેલી ચિઠ્ઠી કિટમાં મૂકી રાખો, જેથી ઘરની કોઈ પણ વ્યક્તિ જાતે ઉપચાર કરી લેશે. સામાન્ય રોગોમાં ઉપરોક્ત પ્રયોગોની કોઈ આડઅસર થતી નથી, પરંતુ લાંબા સમયથી બીમાર દરદીએ કેટલીક પરેજી પાળવાની હોવાથી અનુભવીની સલાહ લઈ ઉપચાર કરવો હિતાવહ છે.’

ઍલોપૅથિક કિટ

ફર્સ્ટ-એઇડનો હેતુ છે - પ્રિઝર્વ લાઇફ (જીવન બચાવો), પ્રિવેન્ટ ફર્ધર ઇન્જરી (વધુ ઈજા થતી અટકાવો) ઍન્ડ સ્ટૉપ પર્સન ફ્રૉમ બીઇંગ ઇન્જર્ડ (ઈજામાંથી સાજા કરવામાં સહાય). ડૉક્ટર અથવા ઍમ્બ્યુલન્સની મદદ મળે ત્યાં સુધીમાં દરદી અથવા પીડિત વ્યક્તિને સારવાર આપવા, સામાન્ય રોગ, ઈજા અને અકસ્માત જેવી સિચુએશનને હૅન્ડલ કરવા તમારા ઘરમાં સારી ફર્સ્ટ- એઇડ કિટ હોવી જોઈએ. આ સંદર્ભે વધુ માહિતી આપતાં દાદરના જનરલ પ્રૅક્ટિશનર ડૉ. પ્રકાશ ગડા કહે છે, ‘ઘરમાં નાની-મોટી ઈજા થવી એ સામાન્ય બાબત છે. એ માટે તમારી પાસે વિવિધ કદ અને આકારનાં પ્લાસ્ટર, કૉટન ગૉઝપીસ, વાઇટ બૅન્ડેજ, દસ સેન્ટિમીટરની ક્રૅમ્પ બૅન્ડેજ, પેઇનકિલર મેડિસિન, પેઇનકિલર મલમ અને આઇસ પૅક ખાસ હોવાં જોઈએ. રસોડામાં કામ કરતાં ચાકુ વાગી જાય અને લોહીની ધાર નીકળે તો તાત્કાલિક જખમ પર વાઇટ બૅન્ડેજ બાંધી શકાય. ઘરના કામ કરવા સ્ટૂલ પર ચડ્યા હો અને પડી જાઓ અથવા હાથ પર વજન આવી જાય અને કાંડું મચકોડાઈ જાય ત્યારે સોજા પર આઇસ પૅક લગાવી પ્રાથમિક તબીબી સારવાર આપી શકાય. સોફ્રામાઇસિન, બેટાડીન, ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ, થર્મોમીટર, શરદી-ખાંસીની દવા, ક્રૉસિ‍ન, પેટના દુખાવાની દવા, લૂઝ મોશન અને વૉમિટિંગ માટીને દવાઓ સ્ટૉક હાથવગો હોવો જોઈએ. નાનાં બાળકો માટે સિરપ રાખો.’
ઉપરોક્ત મેડિસિન અને સાધનો ધરાવતી પ્રાથમિક સારવાર માટેની સામાન્ય કિટ દરેકના ઘરમાં હોવી જોઈએ, પરંતુ તમારા ઘરમાં આજીવન દવા લેવાની હોય અથવા ગંભીર રોગનો સામનો કરી રહેલા દરદી હોય તો મારી સલાહ છે કે શ્રેષ્ઠ અને તાત્કાલિક તબીબી સહાય માટે તમારી પાસે અત્યાધુનિક કસ્ટમાઇઝ્ડ કિટ હોવી જોઈએ એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘બ્લડ-પ્રેશર અને શુગર જેવી બીમારી હવે સામાન્ય થઈ ગઈ છે. બીપી માપવા માટે ડાયરેક્ટ રીડ કરી શકાય એવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ. શકાય. શુગર માપવા માટે ગ્લુકોમીટર રાખો. ખાલી પેટે અને જમ્યા બાદ એમ દિવસમાં બે-ત્રણવાર ચેક કરવું. પસીનો છૂટે તો તરત શુગર ખાઈ લો. હાર્ટના પેશન્ટ માટે સોટાબીરેટેડ ગોળી હોય છે. જીભ નીચે મૂકો એટલે દરદી નૉર્મલ થઈ જાય. ચેસ્ટ પેઇન કે ગભરામણ થાય તો ઍસ્પિરિન (ઇલોસેરિન) લાઇફસેવિંગ છે. થોડી તકેદારી રાખવાથી ગંભીર રોગના દરદીને પણ બચાવી શકાય છે.’

સામાન્ય દવાઓ સાથેનાં

ફર્સ્ટ-એઇડ બૉક્સ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે જ. નૅચરલ વસ્તુઓ પર લોકોનો ભરોસો વધતાં હવે પ્રાકૃતિક ઔષધિ માટેની તૈયાર કિટ પણ સરળતાથી મળવા લાગી છે. પરિવારની અનિવાર્યતા અનુસાર એમાં થોડા ફેરફાર કરી ઘરમાં રાખી મૂકો, કામ લાગશે.

આ પણ વાંચો : કૅન્સરના સેલ જાતે જ નષ્ટ થઈ જાય એવી શોધ થઈ ગઈ છે

આટલી તકેદારી રાખો

પ્રાથમિક સારવારની કિટ ઘરની દરેક વ્યક્તિને સહેલાઈથી મળી રહે એવી જગ્યાએ મૂકવી જોઈએ.

વારંવાર ટ્રાવેલિંગ કરતા હો તો જુદી કિટ બનાવી લો.

ઍલોપૅથિક દવાની એક્સપાયરી ડેટ નિયમિતપણે ચેક કરતા રહો તેમ જ વપરાઈ ગયેલી દવાઓ અને સાધનો ફરીથી ઍડ કરવાનું ધ્યાનમાં રાખો.

બાળકો અને વડીલો માટેની દવાની માત્રા વિશે ડૉક્ટર સાથે વાત કરી લેવી.

પ્રાકૃતિક ઔષધિઓ ખરાબ થઈ ગઈ હોય તો એને ફેંકીને નવી ઔષધિ મૂકો.

ફર્સ્ટ-એઇડ બૉક્સમાં દવાના ઉપયોગ વિશેની જાણકારી આપતી નોંધ તેમ જ ઇમર્જન્સી માટે પરિવારના સભ્યો અને ફૅમિલી ડૉક્ટર તથા પાડોશીના ફોન-નંબર હોવા જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 01:22 PM IST | મુંબઈ | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK