પોલીસની તપાસ અને પિતાના નિવેદન પરથી તો એવું લાગે છે
ગુરુચરણ સિંહ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવનારો ઍક્ટર ગુરુચરણ સિંહ ૧૪ દિવસથી રહસ્યમય રીતે ગાયબ છે. ઍક્ટર ઘરેથી મુંબઈ આવવા માટે નીકળ્યા બાદ ગાયબ થઈ ગયો છે, પણ તે ગાયબ થવાના બે દિવસ બાદ દિલ્હીમાં જ જોવા મળ્યો હતો અને તેણે બૅન્કના ઑટોમૅટિક ટેલર મશીન (ATM)માંથી ૭ હજાર રૂપિયા વિધ્ડ્રો પણ કરાવ્યા હોવાનું જણાયું હતું. ગુરુચરણ સિંહને શોધી રહેલી સાઉથ દિલ્હી પોલીસનું માનવું છે કે તે પ્લાનિંગ કરીને જ ગાયબ થયો છે. પોલીસે કહ્યું છે કે ‘ગુરુચરણ સિંહે તેનો મોબાઇલ દિલ્હીના પાલમ વિસ્તારમાં જ ત્યજી દીધો છે. આથી હવે તેની પાસે કોઈ મોબાઇલ નથી. આ મોબાઇલ મેળવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આથી તેને શોધવામાં મુશ્કેલી થઈ રહી છે. આમ છતાં અમે વહેલી તકે તેને શોધવાના પ્રયાસ કરીએ છીએ. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં તે ઈ-રિક્ષા બદલતો જોવા મળ્યો છે. આના પરથી અમને લાગે છે કે તે પ્લાનિંગ કરીને ગાયબ થયા બાદ દિલ્હીની બહાર નીકળી ગયો છે. તેના પિતા અને ફ્રેન્ડ્સની પૂછપરછ કરવામાં આવી છે.’
ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢીના ૮૭ વર્ષના પિતા હરજિત સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુત્ર ગુરુચરણ ૨૨ એપ્રિલની સાંજે દિલ્હીના ઘરેથી ઍરપોર્ટ જવા નીકળવાનો હતો ત્યારે મેં તેને કૅબ બુક કરાવીને ઍરપોર્ટ મૂકી આવવાનું કહ્યું હતું. રાતની ફ્લાઇટ હતી એટલે તેણે મને સાથે આવવાનું નહોતું કહ્યું. હવે સમજાય છે કે તે ઍરપોર્ટને બદલે બીજે જ ક્યાંક જવા નીકળ્યો હશે એટલે મને સાથે આવવાની ના પાડી હશે. ઘરેથી નીકળ્યા બાદ તે ગાયબ થઈ જશે એવો સપનામાં પણ મને ખ્યાલ નહોતો. તેની તબિયત સારી છે અને માનસિક રીતે પણ ખૂબ મજબૂત છે તો તે શા માટે ઘર છોડીને જતો રહ્યો એ સવાલ અમને સતાવી રહ્યો છે. પોલીસની સાથે અમે બધા પણ તેનો પત્તો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

