Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > વાત એક એવી હોટેલની છે; જ્યાં ન તો એસી છે, ન ટીવી, ન ઇન્ટરનેટનું નેટવર્ક

વાત એક એવી હોટેલની છે; જ્યાં ન તો એસી છે, ન ટીવી, ન ઇન્ટરનેટનું નેટવર્ક

Published : 24 September, 2023 01:45 PM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

સમગ્ર એશિયામાં એક જ એવું હિલ સ્ટેશન છે જ્યાં સરકારી નિયમ મુજબ કોઈ પણ વાહનો આવી શકતાં નથી, કોઈ પણ પ્રકારનો અનિયંત્રિત વિકાસ શક્ય નથી. તમામ દબાણ, તમામ પ્રયત્નો છતાં હજી સુધી નિયમોમાં બાંધછોડ થઈ નથી અને જંગલ હજી પણ એના મૂળભૂત સ્વરૂપમાં સચવાયું છે

બે સીડી ધરાવતું મુખ્ય મકાન - ડ્યુન બાર હાઉસ (વરંડા ઇન ધ ફૉરેસ્ટ)

શ્રી કુદરત શરણમ્ મમ:

બે સીડી ધરાવતું મુખ્ય મકાન - ડ્યુન બાર હાઉસ (વરંડા ઇન ધ ફૉરેસ્ટ)


ગયા અઠવાડિયે કામા રાજપૂતાના ક્લબ - માઉન્ટ આબુની વાત કરી, હવે

આગળ વધીએ.



આ વખતે વાત કરવી છે સમગ્ર એશિયાના એકમાત્ર એવા હિલ સ્ટેશનની, જ્યાં કુદરતી સર્વોપરિતાનો જયજયકાર છે. કુદરતી પરિબળોનું સામ્રાજ્ય ચારેકોર ફેલાયેલું છે, જે કદાચ ઘણા બધા નિયમોને કારણે હજી પણ એના મૂળભૂત રૂપમાં સચવાયેલું છે, જળવાયેલું છે. વિકાસ એટલે કે માળખાકીય સવલતોના ઓઠા હેઠળ થતો શિસ્તબદ્ધ વિનાશ હજી પણ અહીં લગભગ અજાણ્યો શબ્દ બનીને રહી ગયો છે. કાળનું ચક્ર લગભગ થંભી ગયું છે. સમયને જાણે કોઈએ બાંધી દીધો હોય એવું લાગે. જંગલો અહીં સચવાયાં છે, સાચવ્યાં છે, એક મક્કમ નિર્ધારથી, સુસજ્જ કાયદાઓથી, નીતિનિયમોથી, સરકારી પરિપત્રોથી.


જરા વિચાર કરો કે અત્યારે પણ જો આટલું સુંદર રૂપ, સર્વાંગસંપૂર્ણ રીતે કુદરત અનુભવી શકાતી હોય તો ૧૭૩ વર્ષ પહેલાં જ્યારે આ હિલ સ્ટેશન સ્થપાયું હશે ત્યારે શું પરિસ્થિતિ હશે? વાઘ, દીપડા, સાપ, હરણાં, શિયાળ વગેરે વગેરે કેટકેટલાં જાનવરોનું અસ્તિત્વ હશે આ જંગલમાં? અને ત્યારે એટલે કે ૧૭૦ વર્ષો પહેલાં કોઈ કટ્ટર કુદરતપ્રેમીએ અથવા કહો કે કોઈ ધૂની અમલદારે અહીં ઘનઘોર જંગલની વચ્ચે ઘર બાંધવાનું શું કામ નક્કી કર્યું હશે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય જ. અત્યારે પણ અહીં રહેવા આવવાનું ઘણા લોકો ફક્ત આ હોટેલના લોકેશનને કારણે ટાળે છે ત્યારે ૧૭૦ વર્ષ પહેલાં ધૂનીસાહેબ કઈ રીતે રહેતા હશે? અરે તેમને છોડો, તેમના જેવા કેટલાય લોકો અહીં રહેતા હશે? ૧૯મી સદીના મધ્યાંતરે સ્થપાયેલું આ હિલ સ્ટેશન કેવી રીતે ધીમે-ધીમે સમયને એની અંદર સાચવીને વિકસ્યું હશે? કોઈ અજીબ તાલમેલ કે ઘરોબો જંગલ સાથે કેવી રીતે કેળવ્યો હશે? વિશાળ વૃક્ષોનો જેમ ધીમે-ધીમે વિકાસ થાય, મૂળિયાં ફેલાય, ડાળીઓ ફૂટે અને વૃક્ષ જેમ ઘેઘૂર બની પોતાનું આગવું સૌંદર્ય, વર્ચસ સ્થાપિત કરે એવી જ રીતે આ હિલ સ્ટેશન પણ વિકસ્યું હશેને? આવા અનેક વિચાર કેટલીય વખત મને આશ્ચર્ય પમાડતા રહ્યા છે અને કેટલીયે પેઢીઓ આ હિલ સ્ટેશનની મુલાકાત વખતે વિસ્મય પામી હશે. તેમને કૌતુક થયું હશે, વધુ જાણવાની તાલાવેલી-ઉત્કંઠા થઈ હશે કે સમગ્ર એશિયામાં આ એક જ એવું હિલ સ્ટેશન છે, જ્યાં સરકારી નિયમ મુજબ કોઈ પણ વાહનો આવી શકતાં નથી. કોઈ પણ પ્રકારનો અનિયંત્રિત વિકાસ શક્ય નથી. કોઈ પણ પ્રકારનાં પ્રદૂષણ ન ફેલાય એની શક્ય એટલી કાળજી લેવાઈ રહી છે. તમામ દબાણ, તમામ પ્રયત્નો છતાં હજી સુધી નિયમોમાં બાંધછોડ થઈ નથી અને જંગલ હજી પણ એના મૂળભૂત સ્વરૂપમાં સચવાયું છે.


લાકડાની કમાન, દરવાજા, સુંદર ફ્લોરિંગ ધરાવતો મુખ્ય વરંડો અને દૂર સુધી ફેલાયેલી પરસાળ

વળી ગર્વની વાત એ છે કે આ હિલ સ્ટેશન આપણા મહારાષ્ટ્રમાં જ છે અને મુંબઈથી ફક્ત ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલું છે. વધુ રહસ્ય ન ઘોળતાં, કહી દઉં કે અહીં વાત થઈ રહી છે પ્રખ્યાત માથેરાનની, જેની દરેક મુંબઈકરે ઓછામાં ઓછી ચારથી પાંચ વખત તો મુલાકાત લીધી જ હશે. મારી અસંખ્ય મુલાકાતો દરમ્યાન આ જંગલ મને સતત નવાઈ પમાડતું રહ્યું છે. દરેક વખતે મારો માથેરાન પ્રત્યેનો પ્રેમ પાંગરતો રહ્યો છે. વધુ ને વધુ ‘ઘેલો’ બનાવતો રહ્યો છે.

 ઉંમરના દરેક પડાવ સાથે માથેરાનનું એક અતૂટ જોડાણ રહ્યું છે. બાળપણ અને કિશોરાવસ્થા, કુટુંબ સાથે, યુવાવસ્થા ટ્રેકિંગ અને બીજી અનેક સાહસિક પ્રવૃત્તિઓ માટે અને હવે? શાંતિ માટે, ફોટોગ્રાફી માટે, પોતાની જાત સાથે રચનાત્મક સમય ગાળવા માટે માથેરાન એક સહપાઠી, સાથી તરીકે કાયમ સાથે રહ્યું છે. એક ધબકાર બનીને મારી અંદર ધબકતું રહ્યું છે. મારા સૌથી પ્રિય એવા આ માથેરાનની ઊંડાણથી વાત ફરી ક્યારેક, પણ અત્યારે આપણા મૂળ વિષય પર આવીએ અને એને વફાદાર રહીએ.

સીટિંગરૂમમાં ચળાઈને આવતા રંગબેરંગી પ્રકાશના શેરડા

ફક્ત ૭ સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર ધરાવતા અને દરિયાઈ સપાટીથી લગભગ ૨૬૦૦ ફુટની ઊંચાઈ ધરાવતા આ હિલ સ્ટેશનની શોધ બ્રિટિશ અમલદાર અને થાણે જિલ્લાના તત્કાલીન કલેક્ટર શ્રીમાન મેલેટસાહેબે કરી હતી અને બ્રિટિશ અમલદારોના ઉનાળુ રહેઠાણ માટે ઈસવી સન ૧૮૫૦માં મુંબઈના તત્કાલીન ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટનના હસ્તે આ હિલ સ્ટેશનનું શિલારોપણ કરવામાં આવ્યું. મુંબઈથી ખૂબ નજીક આવેલું આ સ્થળ રાતોરાત લોકપ્રિય થઈ ગયું અને અહીં મારે જે વાત કરવી છે એના બાંધકામની શરૂઆત ઈસવી સન ૧૮૫૩માં થઈ પણ ગઈ હતી, ફક્ત ત્રણ વર્ષની અંદર. અંગ્રેજ લશ્કરના એક અમલદાર કર્નલ હૅરી બાર દ્વારા ફુરસદના સમયે રહેવા માટે અહીં જંગલની વચ્ચોવચ સ્થળ પસંદ કરવામાં આવ્યું અને રહેઠાણને નામ અપાયું બાર હાઉસ (Barr house). કર્નલ બારે માથેરાનની પસંદગી કરી, એની પહેલાં પણ બીજા એક અંગ્રેજ અમલદારે માથેરાનની પસંદગી કરી હતી એટલે આપણું આ બાર હાઉસ બીજા નંબરે આવે. અંગ્રેજ અમલદારો સિવાય અનેક પારસી અને વહોરા ઉદ્યોગપતિઓએ પણ અહીં જગ્યા લઈ ઘર બનાવવાની શરૂઆત કરી હતી. બાર હાઉસના વરંડામાં જ ફ્રેમમાં મઢાયેલા બંગલાઓની યાદી જોતાં-જોતાં હું મનોમન ૧૭૦ વર્ષ પહેલાં અહીંની શું સ્થિતિ હશે એ જ વિચારી રહ્યો હતો.

સીટિંગરૂમનો પૅનોરૅમિક વ્યુ

એ વખતના અનેક પ્રખ્યાત ઉદ્યોગપતિઓનાં નામ વાંચવાની મને મજા પડી રહી હતી. ઈસવી સન ૧૮૧૫માં મુંબઈમાં જન્મેલા બારસાહેબનું પૂરું નામ હેન્રી જેમ્સ બાર હતું અને તેઓ લશ્કરી ખાનદાનમાં જન્મેલા નબીરા હતા. ઈસવી સન ૧૮૪૦માં તેઓ મુંબઈમાં જ પરણ્યા. તેમનાં પત્ની પણ મુંબઈના બ્રિટિશ લશ્કરી અમલદારનાં પુત્રી જ હતાં. પછી તો બારસાહેબ લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર પહોંચી ૪૮ વર્ષની ઉજ્જ્વળ કારકિર્દી પછી છેક ઈસવી સન ૧૮૭૮માં મૂળ વતનમાં જ નિવૃત્ત થયા અને ઈસવી સન ૧૮૮૧માં તેમનો દેહાંત થયો. તેઓ ભારત છોડીને ક્યારે પાછા ગયા એ વિશે વધુ જાણકારી નથી, પરંતુ તેમના ગયા પછી ઘણાં વર્ષો સુધી આ બાર હાઉસની માલિકી કોઈ મોટા પારસી કુટુંબની રહી. આ કુટુંબે આ રહેઠાણની સારામાં સારી રીતે જાળવણી કરી. મોટા ભાગનું રાચરચીલું, કળાકૃતિઓ, કારીગરી સરસ રીતે સચવાયેલી રહી, પરંતુ કૉલોનિયલ સ્ટાઇલમાં બંધાયેલા આ મકાનને લોકો સમક્ષ હાજર કરવામાં અને આ સુંદરતા પરથી પડદો હટાવવાનું કામ કર્યું પ્રખ્યાત નિમરાણા ગ્રુપે. આખા મકાનની બાંધણી ઉપરાંત એનું મુખ્ય આકર્ષણ હતું આ મકાનનો કોર્ટ યાર્ડ એટલે કે વરંડો અને નિમરાણા ગ્રુપની સાજસજાવટ પછી નામકરણ પણ એકદમ જ અનુરૂપ, ‘વરંડા ઇન ધ ફૉરેસ્ટ’ થયું.

સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડો, પક્ષીઓ અને ફૂલો

ફક્ત ૧૧ રૂમ ધરાવતી આ પ્રૉપર્ટી ગજબનું સાદગી સહિત ગરિમાપૂર્ણ સૌંદર્ય ધરાવે છે. એનું લોકેશન તો વળી સોનામાં સુગંધ ભળી એમ કહી શકાય. માથેરાનનો મુખ્ય ચોક એટલે કે રીગલ હોટેલથી શાર્લોટ લેક તરફ જતા રસ્તે શાર્લોટ લેકથી પાંચ મિનિટ પહેલાં, એકદમ જ જંગલની વચાળે, ઘનઘોર વિશાળકાય વૃક્ષોની પેલે પાર, ગાઢ વનરાજીના પડદાની પાછળ લપાયેલું આ શાશ્વત સૌંદર્ય સાવ સહજ રીતે નજરે ચડે એમ નથી. એમાં પણ જો સાંજ પડી ગઈ અને અંધારાએ જો કબજો લઈ લીધો તો ઠેર-ઠેર લાગેલા બલ્બના ઝાંખા અજવાળામાં આ બંગલો શોધતાં નાકે દમ નીકળી જાય. આમ તો માથેરાનને એટલું બધું ધમરોળ્યુ છે કે ન પૂછો વાત. બધા જ રસ્તા મગજમાં બરાબર બેસેલા છે. શાર્લોટ લેક તરફ જતી વખતે કાયમ આ હોટેલનું એક આકર્ષણ રહેતું જ અને માર્ચ ૨૦૨૦માં જેવો મોકો મળ્યો એટલે મેં એ મોકો ઝડપી લીધો. ફટાફટ બુકિંગ કરાવ્યું અને પહોંચી ગયા.

બાર હાઉસના મુખ્ય દ્વારને ખોલતી વખતે જે રોમાંચ અનુભવ્યો છે, ન પૂછો વાત. થાંભલા પર બાર હાઉસ લખેલી આરસની તકતી અને લોખંડનો દરવાજો. જરાક કિચૂડાટ સાથે દરવાજો પાછળ ધકેલાયો અને અમે થોડું ચાલીને પહોંચ્યા બરાબર સામેના પૉર્ચમાં. ઢળતા છાપરાવાળું મકાન બરાબર નજરની સમક્ષ. બન્ને બાજુથી સીડીઓ ઉપર જઈ રહી હતી. સીડી ચડો અને પહોંચો મકાનના પહેલા માળના વરંડામાં, જેની બન્ને બાજુએ રૂમ છે. વરંડાની બરાબર પાછળ લાગીને લૉબી કહો કે સીટિંગરૂમ કહો એ રૂમ હતી. ડાબે અને જમણે બધી રૂમ. લૉબીની પાછળ ડાઇનિંગ રૂમ. સરસ સુરેખ બાંધણી. ડાબે-જમણે બન્ને તરફ ફેલાયેલો વિશાળ પરસાળ અને રૂમ. આગળ લખ્યા મુજબ કુલ ૧૧ રૂમ છે. દરેક રૂમને મસ્તમજાનાં નામ અપાયાં છે. મુંબઈના વિખ્યાત પારસી, વહોરાજી, મરાઠી, ગુજરાતી નામ અને અટક પરથી દરેક રૂમ ઓળખાય છે. નામ લખું? કાપડિયા રૂમ, શંકર શેઠ રૂમ, પીરભોય રૂમ, જીજીભોય રૂમ, જહાંગીર રૂમ, પાંડે રૂમ, કોતવાલ રૂમ, ચિનૉય રૂમ, સાસૂન રૂમ, પિટિટ રૂમ અને છેલ્લી અગિયારમી એલફિન્સ્ટન રૂમ. મુંબઈના ગવર્નરે માથેરાનનું શિલારોપણ કર્યું હતું. આ રૂમ સૌથી વિશાળ છે. અહીંથી એક અંગત સીડી પણ છે, જે નીચે અંગત બગીચામાં ઊતરે છે, પરંતુ હોટેલના કોઈ પણ બગીચાની હાલત અમે ગયા ત્યારે જરા પણ સારી નહોતી. ઠીક છે. વરંડા ઇન ધ ફૉરેસ્ટ નિમરાણા ગ્રુપ પાસેથી ડ્યુન વેલનેસ ગ્રુપે ખરીદી અને હવે આ હોટેલ ઓળખાય છે ડ્યુન બાર હાઉસ - વરંડા ઇન ધ ફૉરેસ્ટ તરીકે. આ તો થઈ આડવાત, પરંતુ આ હોટેલની બીજી પણ એક ખાસ વાત છે. અહીં ન તો એસી છે, ન તો ટીવી છે, ન તો ઇન્ટરનેટ છે, ન તો નેટવર્ક છે. ડાઇનિંગ રૂમની પાછળ એક ખૂણામાં માંડ-માંડ મોબાઇલના સિગ્નલ્સ પકડાય છે, તે અત્યારના અનેક શહેરી વાલિયાઓ માટે નાનુંશું આશ્વાસન છે. ડિજિટલ ડિટૉક્સિફિકેશન માટે આ એક ઉત્તમ અને જરૂરી પર્યાય બની રહે છે. અહીં તમારા પ્રિયતમ ઉપરાંત તમારાં સાથી છે પુસ્તકો, સંગીત, વનરાજી, વૃક્ષો, સરસ વહેતો રહેતો પવન, ઠંડક, મોકળાશ, ખૂબબધી નિરાંત અને ખાસમખાસ એવા માથેરાનના વાંદરા. એમને જો છૂટ અને મોકો મળે તો તમારી એકાદબે વસ્તુઓ કાયમી સંભારણાં તરીકે ઝડપી લેશે ખરા. માટે રૂમ બંધ જ રાખવી અને પરસાળમાં મૂકેલી આરામખુરસી પર બેસીને પુસ્તક વાંચવું કે સંગીત સાંભળવું. નાસ્તો કરવો નહીં એવી કડક સૂચના છે. આ બંગલાનો ઉપરનો ભાગ છે. નીચે પણ એક ભાગ છે, જ્યાં જમણી તરફની સીડી ઊતરીને જઈ શકાય છે, પરંતુ આ ભાગ અમે ગયા ત્યારે રિપેરિંગ માટે બંધ રાખ્યો હતો. બહારની પરસાળમાં સદીઓ જૂની હાથરિક્ષા તથા થોડાં જૂનાં વપરાશનાં સાધનો પ્રદર્શિત કરેલાં હતાં એટલે નીચેનો ભાગ જોવાયો જ નહીં.

ઠીક છે, અહીં બીજી પણ ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીં તેમનાં ઉગાડેલાં શાકભાજી જ વપરાય છે. સંગ્રહ કરેલી કોઈ પણ વસ્તુ વાપરવામાં આવતી નથી કે લવાતી પણ નથી. ડ્યુન ગ્રુપના પોતાનાં જૈવિક ખેતરો છે ત્યાંથી જ બધી વસ્તુ લાવવામાં આવે છે એટલે જમવા બાબતે પહેલેથી સૂચના આપી દેવી એવો એ લોકોનો આગ્રહ રહે છે. અહીંની વાનગીઓ ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક છે અને એટલે જ આ હોટેલને વફાદાર એવો એક ચોક્કસ વર્ગ પણ ઊભો થઈ ગયો છે, થઈ રહ્યો છે. સવારનો નાસ્તો અને સાંજની હાઈ ટી મુખ્ય વરંડામાં જ ગોઠવવામાં આવે છે અને એ પણ પૂરતાં સુરક્ષાનાં ધોરણોને ધ્યાનમાં રાખીને. ના ના, સુરક્ષા એટલે એવી કોઈ સુરક્ષા નહીં, સુરક્ષા ફક્ત વાનરોથી. ‘નજર હટી ઔર દુર્ઘટના ઘટી’ સૂત્ર આવી જ કોઈ ઘટનાને ધ્યાનમાં રાખીને બન્યું હશે છતાં આવા કિસ્સા તો બન્યા જ કરે છે અને એ જ તો માથેરાનની ખૂબી છે. અહીં ખરી મજા ડિનરની છે. ૧૮ ફુટ લાંબા સાગના લાકડાથી બનાવાયેલું ડાઇનિંગ ટેબલ, એના પર ગોઠવેલી મીણબત્તીઓ અને હોટેલના તમામ રહેવાસીઓ માટે ગોઠવેલું કૅન્ડલ લાઇટ ડિનર. આ ક્ષણ યાદગાર બની રહેશે એ ચોક્કસ છે. એકદમ હળવા તાલે વાગી રહેલું વાદ્ય સંગીત, હળવે-હળવે, ધીમે-ધીમે આવતી રહેતી વાનગીઓ અને સલૂકાઈથી છેડાઈ રહેલા ઓળખાણના તંતુઓ.

કૈકેયીનું ચિત્ર - શ્રી મૂલર

એકબીજાની ઓળખ કરવાનો, પસંદગીની વાતો કરવાનો આ જ એક લહાવો મળે છે. ડિનરની આ જ ખાસિયત છે અને ક્યારેક આવી ઓળખ ઘણી ફળદાયી પણ નીવડે છે. હાઈ ટીનો પણ એક ચોક્કસ પ્રોટોકૉલ છે. ફર્નિચર અને ક્રૉકરી બધાની એકદમ જ ચોક્કસ પ્રકારની ગોઠવણી તમને કૉલોનિયલ સમયકાળની ઝાંકી કરાવે છે.

હવે આ હોટેલની સૌથી શ્રેષ્ઠ જગ્યાની વાત. લૉબી કહો કે સીટિંગરૂમ કહો એની વાત. મોટી રૂમ, ઊંચી લાક્ષણિક છત, આછેરો પીળો રંગ અને ચટાપટા ધરાવતી દીવાલો. પ્રદર્શિત કરેલી અનેક કલાકૃતિઓ. સ્ટેઇન્ડ ગ્લાસના બનાવેલા દરવાજા. એમાં જ કોતરી કાઢેલાં, ચિત્રિત કરેલાં પક્ષીઓનાં અને ફૂલોનાં ચિત્રો. કંઈક અલગ જ ચિત્ર રચી કાઢે છે. કામણ કરે છે, આપણી ઉપર. વિશાળ આરામદાયક બેઠકો, જેમાંથી ઊઠવાનું મન જ ન થાય. આ રૂમ અદ્ભુત કારીગીરીની રૂમ છે. હેન્રી જેમ્સ બારના મૂળાક્ષરો સાથેનો પેઇન્ટ કરેલો લોગો. નિરીક્ષણ કરો તો કેટકેટલી કળાઓનો ખજાનો છે આ રૂમ. સુંદર જૂનાં પુસ્તકોની અલગથી ગોઠવેલી લાકડા અને કાચની બનાવેલી પ્રાચીન અલમારીઓ, પીરસવાની ટ્રે, કીટલીઓ... કલાકો ઓછા પડે સાહેબ. હું બીજા દિવસે સવારે પણ ફોટોગ્રાફી માટે એ રૂમમાં ગયો હતો. સ્ટેઇન્ડ ગ્લાસમાંથી ચળાઈને આવતો પ્રકાશ અને એ જ રંગના દીવાલ પર પડી રહેલા શેરડાઓ હજી પણ તાજા છે હૃદયપટ પર. એ ભુલાશે નહીં. પરસાળમાં ગોઠવેલી જૂની લાંબી આરામખુરસીઓ. પગ લંબાવીને બેસી શકો એવી ડિઝાઇન ધરાવતી આ આરામખુરસીઓ હજી પણ જોવા મળે છે એ પણ એક જમા પાસું ખરું. આરામખુરસીમાં બેસી રહો, લાકડાની કમાનોમાંથી દેખાતી વૃક્ષોની ડાળીઓ, જાણે કુદરતસર્જિત ફ્રેમમાં મઢેલું કોઈ ચિત્ર ઊપસાવે છે. એકાદ મનગમતું પુસ્તક વાંચો કે સીટિંગરૂમમાંથી સાથે લીધેલી કોઈ કૉફી ટેબલ બુક ઊથલાવો. નિરાંત કોને કહેવાય એ જરૂર સમજાઈ જશે. માથેરાનની વાત લખું અને અહીંના ચોકમાં આવેલા સરકારી પુસ્તકાલય વિશે ન લખું તો પાપમાં પડું. રીગલ હોટેલની સામેના ચોકમાં જ આ સરકારી પુસ્તકાલય આવેલું છે એની મુલાકાત અવશ્ય લેવી. અમે તો અહીંના કાયમી સભ્ય છીએ. જ્યારે પણ જઈએ ત્યારે અચૂક મુલાકાત લેવી એવો વણલખ્યો નિયમ છે. આ વખતે પણ મુલાકાતે ગયેલા અને જાણીને આનંદ થયો કે કોઈએ ઘણાં બધાં પુસ્તકો અહીં ભેટ આપ્યાં હતાં. આ પુસ્તકોનાં અલગ જ કબાટ હતાં. અતિશય જૂનાં પુસ્તકો. ૧૦૦, ૧૫૦ વર્ષો જૂનાં પુસ્તકો. ઉથલાવવાની જ મજા પડી ગઈ. ઘણાં ગુજરાતી પુસ્તકો પણ હતાં, બધાં જૂનાં. એક પુસ્તક ઉથલાવતાં જે નજરે ચડ્યું, મારા હર્ષોલ્લાસથી બાકીના બન્ને ચોંકી ઊઠ્યા. બીના અને લાઇબ્રેરિયન. બીજું તો કોઈ હતું જ નહીં, હોતું પણ નથી. માનશો, એ પુસ્તકમાં કૈકેયીનું ચિત્ર હતું અને એ પણ કોઈ મૂલર નામના અંગ્રેજ કલાકારે બનાવેલું. આ ચિત્રનું ગુજરાતીમાં શીર્ષક હતું, ‘સૌભાગ્યમદગર્વિતા કૈકેયી.’ અતિ સુંદર ચિત્ર. આ પુસ્તકાલયને કોઈ મંદિરથી ઓછું ન આંકતા. વાચકમિત્રો, માથેરાનની અલગ જ ઓળખ ફરી ક્યારેક કરાવીશ, પરંતુ શહેરી વાલિયાઓમાંથી જો વાલ્મીકિ થવું હોય તો આ બાર હાઉસ જેવાં સ્થળોથી ડિટૉક્સિફિકેશનની શરૂઆત કરી શકાય, જાત સાથેની ખરી ઓળખાણની પૂર્વભૂમિકા બાંધવા માટે, એક સાચી શરૂઆત કરવા માટે, જીવનને એક યોગ્ય દિશા આપવા કુદરતને ખોળે આવેલાં આવાં સ્થળોની મુલાકાત શુભ શરૂઆત બની રહે છે. માથેરાન જેવા કુદરતી સંપદાઓથી લચી પડેલાં સ્થળો તથા બાર હાઉસ જેવી પ્રતિબદ્ધ હોટેલ્સ જ કુદરતની સર્વોપરરિતાનાં ખરાં છડીદાર છે. પરમ પ્રત્યેની કૃતજ્ઞતાનો ઉદ્ઘોષ છે. શ્રી કુદરત શરણમ મમ... 

આ શ્રેણીના નવા મણકા સાથે મળીએ આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 01:45 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK