Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > મૂળ સ્વીડનના બે મિત્રોને ટ્રુકૉલર નામની ઍપ બનાવવાનો વિચાર કેવી રીતે આવેલો ખબર છે?

મૂળ સ્વીડનના બે મિત્રોને ટ્રુકૉલર નામની ઍપ બનાવવાનો વિચાર કેવી રીતે આવેલો ખબર છે?

24 March, 2024 07:55 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

આ ઍપ બનાવનારાઓ વિશે અને ઍપ બનાવવાની યાત્રા પાછળની સ્ટોરી જાણશો તો મજા પડી જશે

ઍલન મામેડી અને નામી ઝારીન્ગહલં

ઍલન મામેડી અને નામી ઝારીન્ગહલં


આખા વિશ્વમાં સૌથી વધુ અનવૉન્ટેડ કે સ્પૅમ કૉલ્સમાં ભારત પાંચમા ક્રમાંકે છે ત્યારે આપણા ફોનમાં બાય-ડિફૉલ્ટ સ્થાન પામેલી અને જેના ૭૫ ટકા યુઝર્સ ભારતીયો છે એવી ટ્રુકૉલર આપણા ફોનનો વૉચમૅન બનીને નકામા કૉલ્સને અટકાવવાનું જબરું કામ કરે છે. જોકે આ ઍપ બનાવનારાઓ વિશે અને ઍપ બનાવવાની યાત્રા પાછળની સ્ટોરી જાણશો તો મજા પડી જશે

જેને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે બધા સ્માર્ટ નહીં પણ ઓવરસ્માર્ટ બની રહ્યા છીએ એ સ્માર્ટફોન્સમાં પેલી ભૂરા કલરના ગોળાકારમાં ફોનનું ક્રેડલ દોર્યું હોય એવા ચિત્રવાળી એક ઍપ્લિકેશન હોય છે, ખ્યાલ છે? હા, બસ એ જ, ‘ટ્રુકૉલર!’ મૂળ સ્વીડનની ઍપ્લિકેશન છે, પણ એનો પોણા ભાગનો ધંધો અહીં ભારતમાં છે એટલે કે એના ૭૫ ટકા કરતાં પણ વધુ યુઝર્સ ભારતમાં છે.



ઍપ્લિકેશનનો વિચાર કઈ રીતે


જન્મ્યો? | ‘સર, હમ આપકો લોન ઑફર કર રહે હૈં! મૅડમ, આપકા રીચાર્જ ખતમ હોનેવાલા હૈ; સર, એક નયી સ્કીમ આયી હૈ...’ આવા બધા અનવૉન્ટેડ કૉલ્સ આપણને બધાને જ છાશવારે આવતા રહેતા હોય છે, ખરુંને? આપણે એનું શું કરીએ છીએ? ક્યારેક એ ટેલીકૉલર સાથે ટાઇમપાસ કરવાના બહાને થોડી વાતો કરી લઈએ, ક્યારેક ‘not required’ કરીને ફોન કટ કરી નાખીએ તો ક્યારેક તેમને ગાળો પણ આપીએ. જોકે આવા ફોનકૉલ્સનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે આજકાલ આવા ફોનકૉલ્સમાં ૭૦ ટકા જેટલા કૉલ્સ ફ્રૉડ હોવાની શક્યતા વધી ગઈ છે જેને કારણે અનેક ભોળા માણસો દગો અને છેતરપિંડીનો શિકાર રોજેરોજ બનતા હોય છે. જોકે શું ક્યારેય કોઈને એવો વિચાર આવ્યો હશે ખરો કે બિઝનેસ કરવા માટે કે ક્યારેક ફ્રૉડ કરવા માટે આવતા આવા ઢગલાબંધ અનવૉન્ટેડ ફોનકૉલ્સમાંથી જ એક તગડો ધંધો મળી શકે એમ છે?

આખા વિશ્વમાં સૌથી વધુ અનવૉન્ટેડ કે સ્પૅમ કૉલ્સની બાબતમાં ભારત પાંચમા ક્રમાંકે આવતો દેશ છે. એક સર્વે અનુસાર ભારતના ૬૪ ટકા લોકોને રોજના સરેરાશ ત્રણ આ પ્રકારના અનવૉન્ટેડ કે સ્પૅમ કૉલ્સ આવતા હોય છે. હવે આ ૬૪ ટકા ભારતીયોને જ્યાં અનવૉન્ટેડ કૉલ્સ દેખાયા ત્યાં જ કોઈકને એક મોટી બિઝનેસ ઑપોર્ચ્યુનિટી દેખાઈ. એનું નામ છે ‘ઍલન મામેડી અને નામી ઝારીન્ગહલં’.


ટ્રુકૉલરનો જન્મ | કાયમ આપણી સેવામાં રહેતા, આપણા ફોનમાં રહેતા પર્સનલ ચોકીદારના જન્મ પાછળની કહાની કંઈક એવી છે કે ૨૦૦૩ની સાલમાં કૉલેજમાં ભણતા બે વિદ્યાર્થીઓમાં દોસ્તી થાય છે. એકનું નામ હતું ઍલન અને બીજાનું નામ હતું નામી. ઍલન નામનો એક છોકરો આવતો હતો એવા ઘરમાંથી જેમણે હમણાં સુધીની જિંદગી એક રેફ્યુજી તરીકે સ્વીડનના રેફ્યુજી કૅમ્પમાં વિતાવી હતી અને નામી નામનો બીજો છોકરો એવા સામાન્ય ઘરમાંથી આવતો હતો જ્યાં બે ભાઈઓ એક જ રૂમમાં, મા-બાપથી દૂર રહીને ભણી રહ્યા હતા. મા-બાપથી દૂર રહેવાનું કારણ માત્ર એટલું કે તેઓ બીજે દિવસ-રાત મહેનત કરીને પૈસા કમાઈ શકે તો બન્ને દીકરાઓને ભણાવી શકાય.

આવા સામાન્ય છતાં અસામાન્ય એવા સંજોગોમાં ઊછરેલા બે છોકરાઓ વચ્ચે દોસ્તી થાય છે અને તે લોકો કૉલેજનો એક પ્રોજેક્ટ સાથે કરવાનું નક્કી કરે છે. હવે એ સંજોગોમાં બન્યું એવું કે ભણતર સાથે નોકરી કરતા ઍલનના બૉસ એક નંબરના ખડૂસ બૉસની કૅટેગરીમાં મૂકી શકાય એવા હતા. તેમને સતત તેમના સ્ટાફથી ફરિયાદ રહેતી. તેઓ સ્ટાફના કામથી ક્યારેય સંતુષ્ટ નહોતા થતા. એવામાં ઍલનને વિચાર આવ્યો કે એક એવી વેબસાઇટ બનાવવામાં આવે જ્યાં માણસો પોતાના શેઠિયાઓને એટલે કે બૉસ કે કંપનીઓને રેટિંગ આપી શકે. નોકરીવાળા બધાને ખબર છે કે વર્ષના અંતે અપ્રેઇઝલનો સમય આવે ત્યારે રેટિંગ અને રૅન્કિંગની ફૉર્મલિટીઝ દરેક કંપનીમાં શરૂ થઈ જતી હોય છે જ્યાં દરેક બૉસ તેના સ્ટાફનું રેટિંગ અને રૅન્કિંગ કરે છે. ઍલનને થયું કે બૉસ કે કંપની તો કરે છે, પણ એમાં કામ કરતા માણસોએ બૉસ માટે કે કંપની માટે રેટિંગ અને રૅન્કિંગ કરવું હોય તો શું? આ બન્ને મિત્રોએ આ વિચારથી એક વેબસાઇટ ડિઝાઇન કરી.

પરિણામ ધારવા કરતાં જબરદસ્ત મળ્યું. આ મિત્રોની એ વેબસાઇટ એવી ચાલી પડી કે અનેક લોકો પોતાના બૉસ કે કંપની પ્રત્યેનો ગુસ્સો ત્યાં ઠાલવવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે અનેક મોટી-મોટી કૉર્પોરેટ્સના ઍલન અને નામી પર ફોન અને ઈ-મેઇલ્સ આવવા માંડ્યાં કે તેમનું નામ અને રેટિંગ-રૅન્કિંગ તેમની વેબસાઇટ પરથી ​ડિલીટ કરવામાં આવે, કાઢી નાખવામાં આવે. જોકે કર્મચારીઓએ પોતે જ ફીડબૅક લખ્યું હોય તેમણે એ માટે ઘૂંટ​ણિયાં ટેકવવાની કે ગભરાવાની જરૂર નહોતી. હવે આવું થયું એટલે બન્ને મિત્રો ઠીકઠાક ફેમસ થઈ ગયા.

૨૦૦૮ સુધીમાં બન્યું એવું કે તેમને, એમાંય ખાસ કરીને નામીને, અનેક ​રિક્વેસ્ટ્સના, હૉ​લિડે પૅકેજ-ટૂરના વગેરે મેસે​જિસ અને ફોનકૉલ્સ આવવા માંડ્યા. વળી ઍલન આ સમયે એવી જગ્યાએ નોકરી કરતો હતો જ્યાં અનેક ઇન્ટરનૅશનલ કૉલ્સ વિશ્વના ખૂણે-ખૂણેથી આવતા હતા. એકને અનવૉન્ટેડ કૉલ્સની મુશ્કેલી હતી તો બીજાને વિશ્વના અલગ-અલગ ખૂણેથી આવતા કૉલ્સને ઓળખવાની જરૂરિયાત. બન્નેએ ચર્ચા કરી કે કોઈ ઇન્ટરનૅશનલ ટેલિફોન ડિરેક્ટરી જેવું શું કામ ન હોઈ શકે? અને જન્મ થયો ટ્રુકૉલર નામની એક રસપ્રદ અને ઉપયોગી ઍપ્લિકેશનનો.

કૉલ-રેકૉર્ડ‍્સ | ટ્રુકૉલર ઍપ્લિકેશનની તો વાત જાણી, પણ કૉલરનું શું? તો એ વિશેની પણ આંકડાકીય છતાં રસપ્રદ એવી માહિતી જાણી લઈએ. જો આપણે આ દરેક સ્પૅમ કૉલ્સને બાયફર્કેટ કરીએ તો શું આપણને ખબર છે કે ભારતની સામાન્ય જનતાને જે આ પ્રકારના ફોનકૉલ્સ આવે છે એ કુલ ફોનકૉલ્સમાંથી ૬૭ ટકા કૉલ્સ ટેલિકૉમ ઑપરેટર્સ તરફથી આવતા હોય છે, ૧૦ ટકા આવા કૉલ્સ

ફાઇનૅ​ન્શિયલ સર્વિ​સિસ સેક્ટરની કંપનીઓ દ્વારા આવતા હોય છે, બીજા ૧૭ ટકા જેટલા કૉલ્સ ટેલીમાર્કેટિંગના અને ૬ ટકા કૉલ્સ બીજા ફ્રૉડ કે છેતરપિંડી કરનારા નપાવટ હોશિયારો તરફથી આવતા હોય છે. હવે વૈશ્વિક કક્ષાએ લોકો આ જે ત્રાસ ભોગવી રહ્યા હતા એ જોઈને સ્વીડનની એક કંપનીએ એવી ઍપ્લિકેશન બનાવી જે તમને કૉલરને ઓળખવામાં મદદ કરે. તમારી ફોનબુકમાં ન હોય એવા કોઈ પણ અજાણ્યા નંબર પરથી તમને જ્યારે ફોન આવે ત્યારે આ ટ્રુકૉલર ઍપ્લિકેશન એ નંબરની સાથે-સાથે જો કોઈ નામ, કૉલરનું સ્થળ વગેરેની માહિતી ઉપલબ્ધ હોય તો એ જણાવે છે. વળી એમાં તમે કોઈ અનવૉન્ટેડ ફોન રિસીવ કર્યો હોય તો એ વિશેની માહિતી પણ ફીડબૅક કે પ્રતિભાવ તરીકે મૂકી શકો. જે-તે કૉલરને તમે બ્લૉક પણ કરી શકો, રિપોર્ટ પણ કરી શકો, બ્લૅકલિસ્ટ પણ કરી શકો જેથી પોતાને અને બીજા કૉલ્સ-​રિસીવર્સને મદદ મળી શકે.

યુઝર્સના જાદુઈ આંકડા | ૨૦૦૯ની સાલમાં એક કંપનીની શરૂઆત થઈ, જે ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં માત્ર એક મિલ્યન યુઝર્સ મેળવી શકી હતી. એનો જન્મ થયો હતો સ્વીડનમાં. કંપની શરૂ થઈ, પણ હજી એ ભારતમાં પોતાનો ધંધો શોધવા માટે પ્રવેશી નહોતી. ત્રણ-ત્રણ વર્ષ થઈ ગયાં, પણ યુઝર્સ માત્ર એક મિલ્યન. આખરે ૨૦૧૨ની સાલમાં એ ભારતમાં પ્રવેશે છે અને ચમત્કાર જુઓ. પ્રવેશના માત્ર એક જ વર્ષમાં આ કંપનીએ ૧૦ મિલ્યન યુઝર્સ બનાવી લીધા. ઊભા રહો, વાત હજી પૂરી નથી થઈ. ૨૦૧૭ની સાલ આવતાં-આવતાં તો એટલે કે ભારત-પ્રવેશનાં માત્ર પાંચ વર્ષમાં તો એના કુલ ૧૦૦ મિલ્યન યુઝર્સ થઈ ગયા જેમાં ૮૦ ટકા યુઝર્સ ભારતીય હતા. અરે... અરે... રોકાઓ, હજી ક્યાં પૂરું થયું છે... ત્યાર પછીનાં ત્રણ જ વર્ષમાં એટલે કે ૨૦૨૦માં આ કંપનીના ઍક્ટિવ યુઝર્સનો આંકડો પહોંચી ગયો ૨૦૦ મિલ્યન પર. જી હા, ૨૦૦ મિલ્યન ઍક્ટિવ યુઝર્સવાળી આ કંપનીના કુલ યુઝર્સમાં ૭૬ ટકા કરતાંય વધુ યુઝર્સ ભારતના હતા અને છે.

પૈસા કઈ રીતે કમાય છે? | હવે તો ટ્રુકૉલર એક એવી ઍપ્લિકેશન બની ચૂકી છે જે મોટા ભાગના દરેક ફોનમાં ડિફૉલ્ટ ઍપ તરીકે સ્થાન જમાવી ચૂકી હોય. આ ઍપ્લિકેશનની આવક મુખ્યત્વે બે સ્રોત દ્વારા થાય છે. એક ઍડ્વર્ટાઇઝમેન્ટ રેવન્યુ જે આ કંપનીને એની કુલ આવકના ૫૦ ટકા જેટલી આવક કમાવી આપે છે. બીજી ૩૦ ટકા આવક તેમને મળે છે સબ્સ્ક્રિપ્શન બેઝ ઍપ્લિકેશન દ્વારા. અર્થાત્ આ ઍપ્લિકેશનનાં બે મૉડલ છે : એક ફ્રી-ફ્રી-ફ્રીવાળું અને બીજું, પ્રીમિયમ એટલે કે સબ્સ્ક્રિપ્શન ફીવાળું.

૨૦૦૯માં બે મિત્રોના અલગ-અલગ આઇડિયા અને અલગ-અલગ જરૂરિયાતોને કારણે જન્મેલો એક વિચાર જે ઍપ્લિકેશન તરીકે આકાર પામ્યો અને કંપની બની એ આજે ૨૦૨૪નું વર્ષ આવતા સુધીમાં તો લગભગ એક બિલ્યન અમેરિકન ડૉલરનું માર્કેટકૅપ ધરાવતી કંપની બની ચૂકી છે જેના ૭૬ ટકા જેટલા ગ્રાહકો કે યુઝર્સ ભારતના છે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2024 07:55 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK