ટિકટૉકને કૉમ્પિટિશન આપવા માટે મેટા કંપની દ્વારા હવે ટેમ્પ્લેટની કૅટેગરી આપવામાં આવી રહી છે જેથી યુઝર પસંદીદા રીલ્સને પસંદ કરી એના જેવું જ પોતાનું રીલ બનાવી શકે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્સ્ટાગ્રામ હવે એની હરીફ સામે માર્કેટમાં રહેવા માટે વધુ કમર કસી રહ્યું છે. એણે હાલમાં જ ટ્વિટરને ટક્કર આપવા માટે થ્રેડ્સ નામની ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. ટિકટૉક ઇન્ડિયામાં બૅન્ડ છે, પરંતુ વર્લ્ડવાઇડ ખૂબ જ ફેમસ છે. એને ટક્કર આપવા માટે
ઇન્સ્ટાગ્રામ દ્વારા એની ઍપ્લિકેશનમાં વધુને વધુ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટિકટૉક એના શૉર્ટ્સ વિડિયો માટે ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ રીલ્સ ફેમસ છે, પરંતુ વધુ લોકો રીલ્સ નથી બનાવતા; કારણ કે તેમને એ બનાવતાં નથી આવડતું. કેટલાકને બનાવતાં નથી આવડતું તો કેટલાકને એ વિશે ખબર નથી હોતી. ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવું એટલું પણ
ADVERTISEMENT
મુશ્કેલ નથી. જોકે જે લોકોને મુશ્કેલ લાગે છે એ લોકો માટે હવે ઇન્સ્ટાગ્રામ દ્વારા નવા ફીચરને લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરમાં ઘણાં નવાં સેટિંગ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે યુઝર માટે વધુ ઉપયોગી સાબિત થશે.
રીલ્સ ટેમ્પ્લેટ
ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે રીલ્સ ટેમ્પ્લેટ નામનું ફીચર લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. આગામી અપડેટમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ પણ કન્ટેન્ટ ક્રીએટર્સની જેમ વિડિયો બનાવી શકશે. જોકે યુઝરે તેમના વિડિયો કેવી રીતે શૂટ કર્યા હોય એના પર પણ ડિપેન્ડ છે. ઇન્સ્ટાગ્રામ પર આ ટેમ્પ્લેટનો ઉપયોગ કરવાનો ઑપ્શન પહેલેથી હતો. એટલે કે કોઈએ જે-તે વિડિયો બનાવ્યો હોય અને તેણે એ ટેમ્પ્લેટનો ઉપયોગ કરવાનો ઑપ્શન અનેબલ રાખ્યો હોય તો એનો ઉપયોગ કરી શકાતો હતો. જોકે એ માટે દરેક રીલ જોવું પડતું હતું અને કોણે એ ઑપ્શન અનેબલ રાખ્યો છે એ માટે પણ મુશ્કેલી પડતી હતી. તેમ જ ઘણા લોકોને આજ સુધી એ વિશે પણ નહોતી ખબર. જોકે હવે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટેમ્પ્લેટનું એક અલગ જ સેક્શન બનાવવામાં આવી રહ્યો છે. આ સેક્શનમાં રેકમન્ડેડ અને ટ્રેન્ડિંગ ટેમ્પ્લેટનો સમાવેશ કરવામાં આવશે જેમાંથી યુઝર પોતાને કયું ટેમ્પ્લેટ ગમે છે એ પસંદ કર્યા બાદ એનો ઉપયોગ કરી શકશે.
ક્યાં જોવા મળશે આ ટેમ્પ્લેટ?
ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટેમ્પ્લેટ સેક્શનને ક્રીએટ ઑપ્શનમાં રાખવામાં આવ્યો છે. ક્રીએટ કર્યા બાદ રીલ્સને સિલેક્ટ કર્યા બાદ ગૅલરીમાં જઈને ફોટો અથવા તો વિડિયો પસંદ કરવાનો સેક્શન આવે છે ત્યાં જ ટેમ્પ્લેટનો ઑપ્શન આપવામાં આવ્યો છે. ત્યાં જઈને ટેમ્પ્લેટ પસંદ કર્યા બાદ એને અનુરૂપ વિડિયો અને ફોટો પસંદ કર્યા પછી બધું ઑટોમૅટિક થઈ જશે. ઓરિજિનલ કન્ટેન્ટ ક્રીએટરે જે ઇફેક્ટ, ઑડિયો અને કેટલી સેકન્ડ માટેની કન્ટેન્ટ વગેરે જેવાં સેટિંગ્સ ઑટોમૅટિકલી અપ્લાય થઈ જશે. આથી યુઝરને વધુ સમય ફાળવવાની પણ જરૂર નહીં પડે. ફક્ત પોતાના વિડિયો અથવા તો ફોટો પસંદ કરતાની સાથે રીલ્સ તૈયાર થઈ જશે.
ઍડિશનલ સેટિંગ્સ
ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટેમ્પ્લેટ્સમાં ઍડિશનલ સેટિંગ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈ યુઝરને રીલ્સનું ટેમ્પ્લેટ ગમ્યું હોય, પરંતુ તેણે ક્લિપ ઓછી કરવી હોય કે પછી સેકન્ડ્સમાં બદલાવ કરવો હોય તો એ પણ હવે કરી શકશે. આથી યુઝર ઓરિજિનલ ટેમ્પ્લેટમાં પણ હવે બદલાવ કરી શકશે.
ડાઉનલોડ રીલ્સ
ઇન્સ્ટાગ્રામનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એનાં રીલ્સને ડાઉનલોડ નથી કરી શકાતાં એ છે. આ માટે ઘણી થર્ડ પાર્ટી ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે હવે યુઝર દ્વારા એને સરળતાથી ડાઉનલોડ કરી શકાય એ માટે ડાઉનલોડનો ઑપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. આ માટે કોઈ પણ રીલ્સને શૅર કરવા માટે જે બટનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં શૅર અને કૉપી લિન્કની બાજુમાં ડાઉનલોડનો પણ ઑપ્શન આપવામાં આવશે. આથી યુઝર હવે એકસાથે એક જ રીલને ઘણાંબધાં પ્લૅટફૉર્મ પર શૅર કરી શકે છે અથવા તો જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ન હોય એમને પણ વૉટ્સઍપ કરીને શૅર કરી શકે છે.

