આ શો પહેલાં OTT પર અને પછી ટીવી પર રિલીઝ થશે એથી એને OTT એક્સટેન્શન તરીકે ગણવામાં આવી રહ્યો છે
સલમાન ખાન
સલમાન ખાનને હોસ્ટ તરીકે ચમકાવતો રિયલિટી શો ‘બિગ બૉસ 19’ ૩૦ ઑગસ્ટથી જિયોહૉટસ્ટાર પર શરૂ થઈ શકે છે. આ વખતે શોમાં નવા એપિસોડ પહેલાં OTT પર આવશે અને લગભગ દોઢ કલાક પછી કલર્સ ટીવી પર બતાવવામાં આવશે. આ સીઝન પાંચ મહિના સુધી ચાલશે જેમાં પહેલા ત્રણ મહિના સલમાન ખાન શોનું સંચાલન કરશે અને છેલ્લા બે મહિના માટે ગેસ્ટ હોસ્ટ લાવવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે સલમાન આ સીઝનમાં ૧૫ અઠવાડિયાં સુધી શોનું સંચાલન કરશે જેને માટે તેને દર અઠવાડિયે લગભગ ૮થી ૧૦ કરોડ રૂપિયા જેટલી ફી ચૂકવવામાં આવશે. આમ આખા શોની તેની કુલ ફી ૧૨૦થી ૧૫૦ કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ પહેલાં સલમાનને ‘બિગ બૉસ 18’ માટે ૨૫૦ કરોડ રૂપિયા અને ‘બિગ બૉસ 17’ માટે ૨૦૦ કરોડ રૂપિયા મળ્યા હતા.
આ શો સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ શો પહેલાં OTT પર અને પછી ટીવી પર રિલીઝ થશે એથી એને OTT એક્સટેન્શન તરીકે ગણવામાં આવી રહ્યો છે. આ કારણસર સલમાનની ફી બિગ બૉસ OTT કરતાં વધુ છે, પરંતુ ટીવી-વર્ઝન જેટલી નથી. જોકે કન્ટેસ્ટન્ટનાં નામ હજી સુધી કન્ફર્મ થયાં નથી. લગભગ 20 સેલેબ્સનાં નામ ચર્ચામાં છે.’


