સ્પાયહાઇડ ઍપ્લિકેશન ચોરી રહી છે યુઝર્સના પર્સનલ ડેટા, કૉલ રેકૉર્ડિંગ અને ટેક્સ્ટ મેસેજિસ
પ્રતીકાત્મક તસવીર
ઍન્ડ્રૉઇડ પર છાશવારે નવી-નવી મુસીબતો આવતી રહે છે. ઍન્ડ્રૉઇડ ઓપન સોર્સ પ્લૅટફૉર્મ હોવાથી એના પર કોઈ પણ ઍપ્લિકેશન બનાવી શકે છે અને કોઈ પણ તેમની જરૂરિયાત મુજબ એમાં છેડછાડ કરી શકે છે. આ ઓપન સોર્સને કારણે યુઝર્સના ડેટા અથવા તો પ્રાઇવસી ઘણી વાર કૉમ્પ્રોમાઇઝ થાય છે. ફરી એક વાર યુઝર્સની પ્રાઇવસી અને ડેટાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્ર સાઇબર સેલ દ્વારા એક ઍપ્લિકેશનને લઈને અલર્ટ કરવામાં આવ્યું હતું. જોકે હવે ફરી એક નવી ઍપ્લિકેશન યુઝર્સને ટાર્ગેટ કરી રહી છે. આ ઍપ્લિકેશન મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ વર્લ્ડવાઇડ પ્રૉબ્લેમ ક્રીએટ કરી રહી છે. આ ઍપ્લિકેશન છે સ્પાયહાઇડ. આ એક સ્ટૉકિંગ ઍપ્લિકેશન છે. આ ઍપ્લિકેશનથી દરેક માહિતી મેળવી શકાય છે. આ ઍપ્લિકેશનના સૌથી વધુ શિકાર બ્રાઝિલ, યુરોપ અને ત્યાર બાદ અમેરિકામાં બન્યા છે. ઇન્ડિયામાં પણ કેટલાક યુઝર એનો શિકાર બન્યા છે, પરંતુ એ શિકાર બને એ પહેલાં ચેતી જવું વધુ સારું છે.
શું છે સ્પાયહાઇડ? | સ્પાયહાઇડ એક સ્ટૉકિંગ ઍપ્લિકેશન છે. આ ઍપ્લિકેશનની મદદથી એક યુઝર અન્ય યુઝરના ડેટા જોઈ શકે છે અને એને મૉનિટર કરી શકે છે. આ ઍપ્લિકેશન ફક્ત ઍન્ડ્રૉઇડ પ્લૅટફૉર્મ પર જ ઉપલબ્ધ છે. આ ઍપ્લિકેશનની મદદથી કોને ફોન કરે છે, શું વાત કરે છે, કોને ફોટો સેન્ડ કરે છે અને ક્યારે અને ક્યાં ફોટો ક્લિક કરવાની સાથે જ એને ક્યારે અપલોડ કરવામાં આવ્યો વગેરે જેવી તમામ માહિતી મળી શકે છે એટલું જ નહીં; પરંતુ યુઝર દ્વારા તેના પર્સનલ ડેટા ફોનમાં સ્ટોર કર્યા હોય તો પણ એ મેળવી શકાય છે. આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે લગભગ સાત લાખ પચાસ હજાર લોકોએ સાઇન અપ કર્યું હતું. આ ઍપ્લિકેશન મોટા ભાગે એ લોકો ઉપયોગ કરે છે જેમને તેમના પાર્ટનર પર ભરોસો ન હોય. જોકે એ કાયદાકીય રીતે ખોટું છે. તેમ જ આ સ્પાયહાઇડ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે એક પણ યુઝરે પૈસા નહોતા ચૂકવવા પડ્યા.
ADVERTISEMENT
કેવી રીતે કામ કરે છે સ્પાયહાઇડ? | આ ઍપ્લિકેશનને એક વાર ડિવાઇસમાં અપલોડ કરતાંની સાથે જ એ એનું કામ શરૂ કરી દે છે. યુઝર જ્યારે પણ તેની ડિવાઇસમાં કોઈ પણ ઍક્ટિવિટી કરે તો એ ઍપ્લિકેશન નોટિસ કરે છે અને ડેટા કલેક્ટ કરવાનું શરૂ કરી દે છે. આ સાથે જ આ ઍપ્લિકેશન યુઝર્સના તમામ ડેટાને કૉપી કરી એના રિમોટ સર્વર પર અપલોડ કરી દે છે. આ અપલોડ મોટા ભાગે એવા સમયે થતું હોય છે જ્યારે ફોન આઇડલ પડ્યો હોય. આ સમયે દરેક ફોટો અને રેકૉર્ડિંગ અને વિડિયો, પાસવર્ડ દરેક વસ્તુ સર્વર પર અપલોડ થતી હોય છે.
શોધવું મુશ્કેલ હી નહીં, નામુમકિન| સ્પાયહાઇડને એક વાર ઇન્સ્ટૉલ કરતાંની સાથે જ એ સ્ક્રીન પરથી ગાયબ થઈ જાય છે. આ ઍપ્લિકેશનનું કોઈ આઇકન નથી. આથી આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ છે કે નહીં એ યુઝરને ત્યાં સુધી ખબર નહીં પડે જ્યાં સુધી તે ઇન્સ્ટૉલ ઍપ્લિકેશનમાં જઈને જુએ. જોકે એમાં જઈને જોવામાં આવે તો પણ આ ઍપ્લિકેશન સ્પાયહાઇડના નામે નથી. આ ઍપ્લિકેશન ગૂગલ સેટિંગ્સ અથવા તો ટી. રિંગનોટ જેવા અલગ-અલગ નામથી જોવા મળે છે. આથી યુઝર જ્યાં સુધી એકદમ અલગ નામ અને પોતે ઇન્સ્ટૉલ ન કરી હોય એવું નામ જ્યાં સુધી ન જુએ ત્યાં સુધી એના સમજમાં નહીં આવે કે આ ઍપ્લિકેશન કઈ છે. આથી નૉર્મલ યુઝર માટે આ ઍપ ઇન્સ્ટૉલ થઈ છે કે નહીં એ શોધવું ખૂબ જ મુશ્કેલ નહીં, પરંતુ નામુમકિન છે.
ક્યાંથી ડાઉનલોડ થાય છે આ ઍપ્લિકેશન? | આ ઍપ્લિકેશનનો ગૂગલ પ્લે સ્ટોર પર પણ સમાવેશ કરવામાં નથી આવ્યો. જો એના પર સમાવેશ કરવામાં આવ્યો હોત તો ઍપ્લિકેશન ડેટા સ્પાય ન કરી શકી હોત. આ ઍપ્લિકેશન એની વેબસાઇટ પરથી ડાયરેક્ટ ઇન્સ્ટૉલ થાય છે. ઍન્ડ્રૉઇડ ઓપન સોર્સ હોવાથી કોઈ પણ ઍપ્લિકેશન સરળતાથી ઇન્સ્ટૉલ કરી શકાય છે. આ ઇન્સ્ટૉલ કરતાં જ યુઝરના ડેટા કૉમ્પ્રોમાઇઝ થઈ જાય છે.
કેવી રીતે કરશો અનઇન્સ્ટૉલ? | ઇન્સ્ટૉલ ઍપ્લિકેશન ટૅબમાં જઈને વિચિત્ર નામથી એ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ હોઈ શકે છે. એને શોધવી અને ત્યાંથી એને અનઇન્સ્ટૉલ કરવી. આ ઍપ્લિકેશન અનઇન્સ્ટૉલ કરતાંની સાથે જ એને જેણે ઇન્સ્ટૉલ કરી હોય એને નોટિફિકેશન મળી શકે છે. આ સિવાય ફાઇલ્સમાં જઈને ઇન્સ્ટૉલ ઍપ્લિકેશનનાં ફોલ્ડર હોય છે જે ઍન્ડ્રૉઇડ ફોલ્ડરની અંદર હોય છે. એ ટૅબમાં જઈને પણ કોઈ અલગ ઍપ્લિકેશનનું નામ દેખાય તો એ કામનું છે કે નહીં એ ચેક કર્યા બાદ એને ડિલીટ કરી દેવું. આ સાથે જ ગૂગલ પ્લે ઍપની અંદર ગૂગલ પ્લે પ્રોટેક્ટને ઑન કરી દેવું. જો આમ છતાં પણ સંતોષ ન મળે તો ફોન અને વિડિયો એટલે કે ફક્ત ડેટાનું બૅકઅપ લઈને મોબાઇલને ફૉર્મેટ કરી દેવો. આ ડેટા બૅકઅપ દરમ્યાન ધ્યાન રહે કે ઍપ્લિકેશનનું બૅકઅપ ન કરવું. ફૉર્મેટ બાદ દરેક ઍપ્લિકેશનને નવેસરથી ઇન્સ્ટૉલ કરવી જેથી ઍપ્લિકેશનમાં સ્પાયહાઇડ ઍપ્લિકેશન હોય તો એ ડિલીટ થઈ જશે.
60,000 - યુઝર્સના સંપૂર્ણ ડેટા અત્યાર સુધી રિમોટ સર્વર પર સ્ટોર કરવામાં આવ્યા છે.
સ્પાયહાઇડના ડેટાબેઝમાંથી કેટલા ડેટા મળી આવ્યા?
3.29 મિલ્યન ટેક્સ્ટ મેસેજિસ, 1.2 મિલ્યન કૉલ લૉગ્સ, 3,12,000 કૉલ રેકૉર્ડિંગ્સ, 3,82,000 ફોટોઝ, 6000 ઑડિયો ક્લિપ

