ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું કેમ આપ્યું? બે કારણ ચર્ચામાં
જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે રાત્રે એકાએક રાજીનામું આપી દેતાં દિલ્હીમાં સત્તાના સેન્ટરમાં અનેક કારણોની ચર્ચા થઈ રહી છે, પણ જાણકાર સૂત્રો જણાવે છે કે જગદીપ ધનખડે રાજ્યસભામાં સોમવારે જસ્ટિસ યશવંત વર્માના મુદ્દે ૬૮ વિપક્ષી સભ્યોની નોટિસનો સ્વીકાર કર્યો એના પગલે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ સિવાય તેમનો ન્યાયપાલિકા સાથે ટકરાવ પણ રાજીનામા પાછળ કારણભૂત માનવામાં આવે છે.
જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી મોટા પાયે રોકડ રકમ મળ્યા બાદ એક ન્યાયાધીશને હટાવવા માટે વિપક્ષ દ્વારા તેમની સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. વિપક્ષની નોટિસ સ્વીકારીને ધનખડે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારને લક્ષ્ય બનાવવાની કેન્દ્રની યોજનાનો વિરોધ કર્યો હતો. ધનખડે નોટિસ સ્વીકારી હતી અને ગૃહના મહાસચિવને જરૂરી પગલાં લેવા કહ્યું હતું. આ પગલું સરકારને અનુકૂળ નહોતું, જેનો હેતુ ન્યાયાધીશ અને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સામે આક્રમણ કરવાનો હતો. ત્યાર બાદ ધનખડ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાના પગલા અંગે ચર્ચા શરૂ થઈ. વિપક્ષો છ મહિના પહેલાં જ આવી દરખાસ્ત લાવ્યા હતા. અનુભવી રાજકારણી ધનખડને આ વાતની જાણ થઈ અને તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું.
ADVERTISEMENT
સોમવારે રાત્રે ૯.૨૫ વાગ્યે ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું હતું જે ગઈ કાલે બપોરે સ્વીકારવામાં આવ્યું હતું.
જે. પી. નડ્ડાની કમેન્ટ બીજી તરફ સોમવારે રાજ્યસભામાં ગૃહના નેતા જે. પી. નડ્ડાએ વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેના સંબોધન દરમ્યાન કહ્યું હતું કે ‘હું જે કહું છું એ જ રેકૉર્ડ પર રહેશે.’ આ મુદ્દે કેટલાક સંસદસભ્યોએ કહ્યું હતું કે આ કમેન્ટ રાજ્યસભાના અધ્યક્ષનો અનાદર કરે છે, કારણ કે ગૃહની કાર્યવાહી ચલાવવાનો તેમની પાસે અધિકાર છે. નડ્ડાની આ કમેન્ટથી ધનખડ નારાજ થયા હતા.
એ પછી BJPના બે વરિષ્ઠ પ્રધાનો જે. પી. નડ્ડા અને કિરેન રિજિજુ રાજ્યસભાની બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટી (BAC)ની મહત્ત્વપૂર્ણ બેઠકમાં હાજર રહ્યા નહોતા. આ બેઠક સંસદની કાર્યસૂચિ નક્કી કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ મુદ્દે સ્પષ્ટતા કરતાં જે. પી. નડ્ડાએ કહ્યું કે બન્ને પ્રધાનો સંસદીય કાર્ય સંબંધી પહેલેથી જ વ્યસ્ત હતા અને અમે આ બાબતે ધનખડને અગાઉથી જાણ કરી હતી. ઉપરાંત જ્યારે મેં રાજ્યસભામાં કહ્યું હતું કે ‘હું જે કહું છું એ જ રેકૉર્ડ પર રહેશે’ ત્યારે એ વાક્ય વિક્ષેપ પાડનારા વિપક્ષી સંસદસભ્યો પર નિર્દેશિત હતું, અધ્યક્ષ પર નહીં.


