Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કેમ વડીલોને જ વધુ કબજિયાત થાય છે?

કેમ વડીલોને જ વધુ કબજિયાત થાય છે?

01 February, 2023 04:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્સ્ટિપેશન દરેક એજમાં થાય છે, પણ એની ફરિયાદ વડીલો વધુ કરતા હોય છે. પેટ સાફ ન આવવાને કારણે થતી ડિસ્કમ્ફર્ટ વડીલોને વધુ કનડે છે ત્યારે જાણી લો કે પેટ સાફ રહે એ માટે શું કરી શકાય

પ્રતીકાત્મક તસવીર પૌરાણિક વિઝડમ

પ્રતીકાત્મક તસવીર


અમિતાભ બચ્ચને એક ફિલ્મમાં ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમના દરદીનો રોલ કરેલો એ ભૂમિકા સાથે દરેક પરિવારે બહુ પોતીકાપણું ફીલ કરેલું. દરેક વડીલને લાગેલું કે ‘જોયું અમને કબજિયાતની કેટલી તકલીફ છે એ ક્યાં કોઈ સમજે છે?’ અને યંગસ્ટર્સને લાગેલું કે ‘હા યાર, મારાં દાદા-દાદી પણ પેટ સાફ આવવા કે ન આવવા બાબતે લગભગ આવું જ ઑબ્સેશન ધરાવે છે.’ આ તો થઈ ઘડીક મજાકની વાત, પણ તમે જોયું હોય તો ૬૦ની વય પછી કબજિયાતની ફરિયાદ કરનારા લોકોની સંખ્યા વધુ છે. આવું કહેવાનો મતલબ એ નથી કે નાની ઉંમરનાઓને કદી કબજિયાત થાય જ નહીં. રાધર, પેટ સાફ થવાની આરોગ્યની વ્યાખ્યાને જો જોવામાં આવે તો લગભગ ૬૦થી ૭૦ ટકા લોકોનું ખરેખર પેટ સાફ થતું નથી. યંગસ્ટર્સ અને કામકાજી વર્ગના લોકોના કૉન્સ્ટિપેશનનાં કારણો થોડાં જુદાં છે એટલે આજે માત્ર નિવૃત્ત અને વડીલવર્ગમાં કબજિયાતની ફરિયાદ વિશે વાત કરીએ. 

જે વડીલોમાં બૉડી મૂવમેન્ટ બહુ ઘટી ગયેલી હોય તેમને કબજિયાતની તકલીફ રહેવાની. બીજું, પાચનશક્તિ એટલી પ્રબળ ન રહી હોવાને કારણે જમ્યા પછી ઓડકાર, ગૅસ અને ઍસિડિટી જેવું પણ અવારનવાર થયા કરે છે. વડીલોને પાણી પીવાની પણ ઓછી આદત હોય છે. યુરિન પાસ કરવા વારંવાર ઊઠવું પડશે એના કંટાળા કે ડરને કારણે તેઓ ફ્લુઇડ ઓછું લે છે. જન્ક-ફૂડની આદત વડીલોમાં ભલે ઓછી હોય, પણ તેમની ઓવરઑલ પાચનશક્તિ નબળી પડી ગઈ હોય છે અને આંતરડાંની મળસારણની ક્ષમતા પણ જુવાનીના સમય કરતાં ઓછી થવા માંડે છે. આવા સંજોગોમાં વડીલો જો ચાર-પાંચ બાબતનું ધ્યાન રાખે તો કબજિયાતને આરામથી ટાળી શકે છે. ચાલો જોઈએ એ શું છે. 


૧. ભૂખ વિના ખાવું નહીં. સમય થયો છે એટલે ખાઈ જ લેવું એવું ન કરવું. ભૂખ લાગે અને ખાધેલું બરાબર પચે એ માટે જમવાની પંદરેક મિનિટ પહેલાં એક ચમચી ગાયનું ઘી લઈને એમાં ચપટીક સિંધવ નાખીને પી જવું. 


૨. પાચનની સમસ્યા રહેતી હોય તો ભોજન પર ત્રિકટુ છાંટીને ખાવું. ત્રિકટુ એટલે સૂંઠ, કાળાં મરી અને લીંડીપીપરનું ચૂર્ણ. આ પાઉડર છાંટવાથી ભોજનમાં સ્વાદ પણ વધશે અને પાચન સુધરશે. 

૩. બપોરના નાસ્તામાં રેસાવાળાં ફળ ખાવાનો નિયમ રાખો. રોજ બે-ત્રણ ફળ ભેગાં કરવાને બદલે રોજ એક ફાઇબરવાળું ફળ ખાઓ. અને એના પર પણ ત્રિકટુ છાંટવાનું રાખો. એનાથી ફળો પણ સુપાચ્ય બનશે. 
૪. ભોજન બનાવવામાં રિફાઇન્ડ ઑઇલને બદલે ચોખ્ખા ગાયના ઘીનો ઉપયોગ થાય તો ઉત્તમ. 


૫. જમ્યા પછી અડધો કલાક પહેલાં પાણી પીવું નહીં. જમ્યા પછી પાણી પીઓ એ થોડું હળવું ગરમ અને કોકરવરણું કરેલું હોય તો એનાથી પાચન સરળ થશે. 

આ પણ વાંચો: વારંવાર બાથરૂમ જવું પડે એ માટે પાણી નથી પીતા?

૬. જમ્યા પછી ૧૦ મિનિટ ડાબા પડખે સૂવું, એને વામકુક્ષિ કહે છે. બીજી કોઈ પ્રવૃત્તિ ન થતી હોય ત્યારે તમે એટલું તો કરી જ શકો છોને?

૭. તમે રોજ અડધો કલાક ચાલવાની ક્ષમતા ધરાવતા હો તો ચોક્કસ ચાલવું જોઈએ, પણ જો ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની ક્ષમતા ન રહી હોય તો ચાહે કંઈ પણ થાય, જમ્યા પછી ૧૦ મિનિટ બાદ ૧૦૦ ડગલાં ચાલો.  

૮. રોજ રાતે સૂતાં પહેલાં સહેજ કોકરવરણું પાણી અથવા દૂધ એક ચમચી ઘી નાખીને પી જવું. એનાથી આંતરડાંમાં તૈયાર થયેલો મળ સારણની ક્રિયા સરળ બનશે. 

૯. પેટ સાફ કરવા માટે રોજેરોજ જાતજાતની ફાકી લેવાની આદત પાડવી જરૂરી નથી. હા, ક્યારેક બે-ત્રણ દિવસ સુધી પેટ સાફ ન થયું હોય ત્યારે પેટની સફાઈ માટે ત્રિફળા લેવામાં કોઈ વાંધો નથી. 

૧૦. સવારે ઊઠીને નરણાકોઠે એક નાની ચમચી ત્રિફળા કે હરડે ગરમ પાણી સાથે લેવાથી એ રસાયણનું કામ કરે છે. રાતે લેવાતું ચૂર્ણ રેચનનું 
એટલે કે મળ સાફ લાવવાનું કામ કરે છે, જ્યારે સવારે આ ચૂર્ણ લેવામાં આવે તો એ શરીરને શુદ્ધ કરીને દ્રવ્યોનાં રસાયણ ગુણોથી શરીરને પ્રભાવિત કરે છે. 

01 February, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK