થેલેસેમિયા એક જિનેટિકલ રોગ છે એટલે કે વંશાનુગત પદ્ધતિએ એ ફેલાય છે. માતા-પિતાને હોય તો બાળકમાં આવે. બાકી એની પાછળ કોઈ બીજું કારણ છે નહીં.
પ્રતીકાત્મક તસવીર
હું ૩૦ વર્ષની છું. મારાં માતા-પિતા છોકરો શોધી રહ્યાં છે, પરંતુ તકલીફ એ છે કે હું થેલેસેમિયા માઇનર છું. લોકોને લાગે છે કે આ કોઈ ગંભીર બીમારી છે એટલે એ કશું જાણ્યા-કર્યા વગર લગ્ન તોડી નાખવાની વાત કરે છે. આવા ચાર-પાંચ બનાવો બન્યા પછી મારાં માતા-પિતાએ વગર કહ્યે કે તપાસ કર્યે છોકરા જોવાના શરૂ કર્યા હતા. એમાં એક છોકરા સાથે મારો સંબંધ પાકો થવામાં જ છે. જો છોકરાને પણ થેલેસેમિયા માઇનર હશે તો અમારા આવનારા બાળકને આ રોગથી બચાવવાનો કોઈ રસ્તો ખરો?
તમે જાગૃત છો અને જાણો છો કે તમને થેલેસેમિયા માઇનર છે. પહેલાં તો લોકોને એ જ સમજાતું નથી કે થેલેસેમિયા માઇનર વ્યક્તિ એક સંપૂર્ણપણે નૉર્મલ વ્યક્તિ છે. તેના જીવનમાં કશી જ કમી રહી નથી જતી. એક સાધારણ માણસ જેવી જ તે જિંદગી જીવતી હોય છે. બસ, તેણે ધ્યાન રાખવાનું એ છે કે તેનાં જેની સાથે લગ્ન થાય એ વ્યક્તિ થેલેસેમિયા માઇનર ન હોવી જોઈએ. ગેરસમજને કારણે આ પ્રકારની પરિસ્થિતિ દુખદ છે. તમે આજના યુગના છો આંખ બંધ કરીને ન ચાલો. આ રોગથી બાળકને બચાવવાનો કોઈ માર્ગ નથી. કોઈ એવો ઇલાજ હજી સુધી આવ્યો નથી જેથી આવનારા બાળકને આ રોગ ન થાય એ માટે કંઈ થઈ શકે.
થેલેસેમિયા એક જિનેટિકલ રોગ છે એટલે કે વંશાનુગત પદ્ધતિએ એ ફેલાય છે. માતા-પિતાને હોય તો બાળકમાં આવે. બાકી એની પાછળ કોઈ બીજું કારણ છે નહીં. જ્યારે માતા અને પિતા બંને થેલેસેમિયા માઇનર હોય તો તેમનું બાળક નૉર્મલ જન્મે એના ૨૫ ટકા ચાન્સ હોય છે, જ્યારે થેલેસેમિયા મેજર જન્મે એના પણ ૨૫ ટકા ચાન્સ હોય છે અને થેલેસેમિયા માઇનર જન્મે એના ૫૦ ટકા ચાન્સ હોય છે. જ્યારે બંનેમાંથી એક થેલેસેમિયા માઇનર હોય ત્યારે ૫૦ ટકા ચાન્સ છે કે બાળક નૉર્મલ જન્મે અને ૫૦ ટકા ચાન્સ છે કે બાળક થેલેસેમિયા માઇનર હોય. આ ગણિત તમારે સમજવું રહ્યું અને સમજાવવું પણ જરૂરી છે. એવું હોય તો છોકરાને કે તેના ઘરના લોકોને કોઈ ડૉક્ટર પાસે લઈ જાવ. ડૉક્ટર તેમને આ બાબતે ડીટેલમાં સમજાવી શકશે. જો છોકરાને પણ થેલેસેમિયા માઇનર હોય તો લગ્ન કરવાં એ એક મૂર્ખામીભર્યો નિર્ણય સાબિત થઈ શકે છે. આવી મૂર્ખામી ન કરશો. લગ્ન એક મોટો નિર્ણય છે, જે સમજી-વિચારીને લેવો. એમાં થેલેસેમિયા ટેસ્ટ એક સૌથી મોટી જરૂરિયાત છે. એ કરાવવી ફરજિયાત છે.
ADVERTISEMENT
ડૉ. મુકેશ દેસાઈ

