વજન ઘટાડવાના ટ્રેન્ડમાં રોજબરોજ નવું કશુંક આવતું જ જાય છે એવામાં આજકાલ સ્પાઇસ ડ્રિન્ક કહેવાતું એક પીણું ધૂમ મચાવી રહ્યું છે. પણ ફક્ત આવાં પીણાં પીવાથી ખરેખર વજન ઘટે પણ છે કે નહીં એ સવાલ તો આપણે આપણી જાતને અને આપણા ડાયટિશ્યનોને પૂછવો જ રહ્યો.
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયાની દુનિયામાં ભાગ્યે જ કોઈકે ‘અલ્ટિમેટ ફૅટ બર્નર’ જેવી જાહેરાતો નહીં વાંચી હોય. ફિટનેસનું માર્કેટ આવી ટૅગલાઇનનો પૈસેપૈસો વસૂલતું હોય ત્યારે એ આમ જનતામાં રહેલા વજન ઘટાડવાના મોહને કેટલું અસર કરે છે એનો તાગ તો મળી જ જાય છે. એમાંય વળી રસોડામાં ઉપલબ્ધ તત્ત્વોમાંથી કશુંક મળી જાય તો ગૃહિણીઓ મીઠું મલકાઈને એ ઉપચાર કરવામાંથી સહેજે ચૂકતી નથી. રસોડામાં રાજ કરતી સામગ્રીઓનું આવું જ એક મિક્સ પીણું આજકાલ બરાબર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ પીણામાં છે પાંચ તત્ત્વો – પાણી, હળદર, તજ, મરી અને આદું.
કઈ રીતે બને આ પીણું?
એક કપ પાણીમાં થોડી હળદર, એક નાની ટીસ્પૂન જેટલો મરી પાઉડર, એક નાની ટીસ્પૂન તજ પાઉડર, થોડા આદુંના ટુકડા નાખી થોડી વાર ઉકાળવું. જે ચા બને એને ગાળીને સવારે શક્ય હોય તો નરણે કોઠે પી લેવું.
ADVERTISEMENT
વજન ઘટાડવા પ્લાનિંગ જોઈએ
કોઈ પણ વ્યક્તિ જ્યારે વજન ઘટાડવાનું વિચારે છે ત્યારે એ પૂરું પ્લાનિંગ માગી લે છે આવું જણાવતાં જોગેશ્વરીનાં સિનિયર ડાયટિશ્યન વિનીતા એરન કહે છે, ‘કોઈ પણ પીણું વજન ઓછું કરવાનો દાવો કરે ત્યારે એ માટે ફક્ત એક જ વસ્તુ જવાબદાર નથી હોતી. ખાસ કરીને વજન ઉતારવા માટે લાંબા ગાળાની આદતો બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કાયમ થોડી કસરત, પૌષ્ટિક ડાયટ અને પૂરતી ઊંઘનું કૉમ્બિનેશન હોવું જોઈએ. એક અનુશાસન સાથે જો આ પાળવામાં આવતું હોય તો એની સાથે તમે આવું પીણું ઉમેરો તો એ સારીએવી અસર દેખાડશે. બાકી વગર વિચારે ફક્ત પીણું કોઈક મૅજિક કરી લેશે એ વિચારવું ભૂલભર્યું છે. આવાં પીણાં થોડોક સમય ફેરફાર લાવશે, પણ બાકીની વસ્તુઓ નહીં હોય તો થોડા સમયમાં ફરી જેવા હશો એવા જ થઈ જશો. ગ્રીન ટીની જેમ આ પણ એક કુદરતી પીણું છે એટલે એનો પોતાનો ફાયદો તો રહેવાનો જ.’
ઍન્ટિ-આૅક્સિડન્ટ પ્રૉપર્ટી
ફક્ત વજન ઘટાડવા જ નહીં, આ સ્પાઇસ ડ્રિન્કમાં રહેલાં તત્ત્વો પોતપોતાનામાં જ વિશેષ ખૂબી ધરાવે છે જેના લીધે આ પીણું ઘણી રીતે ફાયદાકારક નીવડે છે. આ વાત સાથે સહમત થતાં વિનીતા એરન કહે છે, ‘તજ બ્લડશુગરને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે. હળદરમાં હાજર રહેલું કર્ક્યુમિન ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. એના લીધે બ્લોટિંગ પણ ઘટે છે. વધુમાં કાળાં મરીમાં જોવા મળતું પાઇપરિન સારું ઍન્ટિ-ઑક્સિડન્ટ, ઍન્ટિ-કૅન્સર અને ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી છે, જે કર્ક્યુમિનને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. આદું ચયાપચયમાં વધારો કરીને બ્લોટિંગ ઘટાડે છે. આ સિવાય આ ડ્રિન્કને લીધે વારંવાર પાણી પીવાની ઇચ્છા થાય છે એટલે શરીરનું હાઇડ્રેશન વધે છે. દેખીતી રીતે જ આ બધી સામગ્રીમાં
ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટી હોવાથી એના ફાયદા લણી શકાય છે.’
સ્પાઇસ ડ્રિન્કના ગેરફાયદાઓ
આ ડ્રિન્ક પીવાના ગેરફાયદાઓ જણાવતાં ડાયટિશ્યન વિનીતા એરન કહે છે, ‘આમાં રહેલી સામગ્રી કુદરતી અને આડઅસર વગરની હોવા છતાંય દરેક વ્યક્તિનું શરીર એના માટે
અલગ-અલગ પ્રતિક્રિયા આપે છે. આદું અમુક લોકોને ફાવતું નથી. નરણે કોઠે પીવાને લીધે તેમને બળતરા થાય છે. એ જ રીતે હળદર વધારે લેવાથી અમુક લોકોને ગરમ પડી શકે છે. ખાસ તો હળદર એકલી પાણીમાં ભળતી નથી એટલે એને કોઈ પણ ફૅટ સાથે મેળવવી પડે છે. જેમ કે દૂધ, જે વજન ઘટાડવાવાળા માટે હિતાવહ નથી. માનસિક રીતે પણ કોઈ ‘ક્વિક ફિક્સ’ વસ્તુઓ ઘણી વાર તમને અનહેલ્ધી આદતો તરફ દોરી જાય છે, એનાથી પણ બચવું રહ્યું.’
ટ્રાય કરો આ હેલ્ધી ડ્રિન્ક
ડાયટિશ્યન વિનીતા એરન સ્પાઇસ મિક્સ જેવું જ એક બીજું પીણું પણ સૂચવતાં જણાવે છે, ‘લગભગ પા લીટર પાણીમાં રાતે એક ટીસ્પૂન જીરું, આખા ધાણા, વરિયાળી, અજમો, મેથી બધું એકસરખા પ્રમાણમાં નાખી આખી રાત પલાળી રાખવું. એ પાણીને સવારે ઉકાળીને, ગાળીને વહેલી સવારે પીવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે.’
સ્પાઇસ ડ્રિન્કમાં વપરાતા ત્રણ મુખ્ય
ઘટકો કેટલા ગુણકારી છે એ જાણી લો
તજ : સિનેમન તરીકે જાણીતા આ તેજાનામાં ભરપૂર ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી ઘટકો હોવાથી સ્નાયુઓમાં સોજો આવવાને કારણે થતું પેઇન ઘટે છે. મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સ કે સ્નાયુઓમાં દુખાવો હોય ત્યારે તજ ખૂબ સારું કામ આપે છે. તજથી ગ્લુકોઝનું પાચન થાય છે અને એટલે ડાયાબિટીઝના દરદીઓમાં બ્લડ શુગર લેવલ ઘટે છે. એ લોહીમાંનું ટ્રાઇગ્લિસરાઇડ અને ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડે છે. જોકે તજનો ઉત્તમ ફાયદો જોઈતો હોય તો એનો અર્ક વાપરવો જોઈએ. તજનું ચૂર્ણ ચા-કૉફી અને ખાસ કરીને ફ્રૂટ-ટી જેવાં પીણાંઓની સોડમ અને સેહત-ક્વૉશન્ટ બન્ને વધારે છે.
હળદર : હવે ચોમાસાની સીઝન આવી રહી છે ત્યારે હળદર હાથવગું ઔષધ બનશે. હળદરનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી મલેરિયા સામે રક્ષણાત્મક શક્તિ વધશે. શીતળાના રોગમાં આમલીનાં પાન અને હળદર ઠંડા પાણીમાં વાટીને પીવાથી શીતળા નીકળી જાય છે. પેશાબમાં પરું જતું હોય તો આમળાના રસમાં મધ અને હળદર નાખીને પીવાથી ખૂબ જ લાભ થાય છે. હળદરમાં વધુપડતા આમને પચાવવાનો ખાસ ગુણ છે. જોકે જેમને ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ પ્રૉબ્લેમ્સ હોય તેમણે હળદરનો ઉપયોગ સમજીવિચારીને કરવો.
કાળાં મરી : ભલભલી ચીજોને પચાવવાની ક્ષમતા કાળાં મરી છે એવું આયુર્વેદમાં કહેવાયું છે. કાળાં મરી તીખાં, કડવાં, ઉષ્ણ, રુચિકર, દીપક, રુક્ષ, પોષક છે અને પિત્ત કરે છે. એ વાત, વાયુ, કફ, કૃમિ, પ્રમેહ અને હરસનો નાશ કરે છે. ઉત્તર ભારતીયો મરચાંને બદલે કાળાં મરીનો ઉપયોગ વધુ કરે છે. એ પ્રમાણમાં ઓછાં દાહક અને વધુ ગુણકારી છે એટલે મરચાંને બદલે મરી વપરાય છે. મલેરિયાની મેડિસિનમાં હળદરની સાથે મરીનો અર્ક પણ વાપરી શકાય છે. સૂપ અને સૅલડમાં કાળાં મરી અને ઑલિવ ઑઇલનું ડ્રેસિંગ કરવાથી કાચી શાકભાજી સારી રીતે પચે છે.

