Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકને કશુંક વાગી જાય ત્યારે લોહી વહેવાનું બંધ થવામાં બહુ વાર લાગે છે?

બાળકને કશુંક વાગી જાય ત્યારે લોહી વહેવાનું બંધ થવામાં બહુ વાર લાગે છે?

30 April, 2024 08:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંઈક વાગી જાય ત્યારે લોહી બંધ ન થાય ત્યારે ટેસ્ટ દ્વારા ખબર પડે છે કે આ બાળકને હીમોફિલિયા છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


અમુક રોગો વિશે લોકો ઘણા જાણકાર હોય છે અને અમુક ઓછા જોવા મળતા રોગો એવા છે જેના વિશે જેટલી પણ જાણકારી ફેલાવીએ એટલું ઓછું. એ કૅટેગરીમાં હીમોફિલિયા નામનો રોગ આવે. હીમોફિલિયા એટલે એક એવો રોગ જેમાં લોહી વહેતું અટકતું નથી. ક્યાંય પણ આપણે પડી જઈએ કે આપણને વાગે અને લોહી નીકળવાનું શરૂ થાય તો એની મેળે શારીરિક પ્રક્રિયા દ્વારા લોહી જામી જાય છે અને વહેતું અટકી જાય છે. પરંતુ જેને હીમોફિલિયા છે તેમના શરીરમાં આ લોહી જામવાની પ્રક્રિયા ધીમી થાય છે અથવા તો થતી જ નથી. જો લોહી ન જામે તો માણસ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ભારતમાં દર ૫૦૦૦ વ્યક્તિએ એક વ્યક્તિ હીમોફિલિયાનો શિકાર બને છે. વળી આ રોગ પુરુષોને થતો રોગ છે. સ્ત્રીઓમાં ભાગ્યે જ આ રોગ જોવા મળે છે. એના દરદીઓ ખૂબ જ મુશ્કેલ જીવન જીવે છે. એ જીવનમાંથી પસાર થવું આપણે ધારીએ એટલું સરળ નથી. આ રોગ વંશાનુગત છે. એટલે કે માતા કે પિતાને હોય તો બાળકને હોઈ શકે છે. આ ઉપરાંત ઘણી વાર માતા-પિતાને ન હોય પરંતુ કુટુંબમાં કોઈને પણ આ રોગ હોય તો પણ એ ફરીથી કોઈ બાળકમાં આવી શકે છે. જોકે કમનસીબે પરિવાર કે માતા-પિતા બન્નેને આ રોગ ન હોય તો પણ ક્યારેક કોઈ બાળક આ રોગ સાથે જન્મી શકે છે. બાળક જન્મે ત્યારે તે નૉર્મલ હેલ્ધી બાળક હોય છે. જેમ-જેમ તે મોટું થતું જાય અને ક્યારેક પડી જાય, કંઈક વાગી જાય ત્યારે લોહી બંધ ન થાય ત્યારે ટેસ્ટ દ્વારા ખબર પડે છે કે આ બાળકને હીમોફિલિયા છે. પરંતુ જો પહેલાં ખબર પાડવી હોય તો કઈ રીતે સમજાય? તો એનાં અમુક લક્ષણો છે. 

શું તમારા નવજાત બાળકને તમે ઊંચકો, જોરથી પકડો કે હવામાં ઉછાળો ત્યારે ચામડી પર લાલ ચાંભાં પડી જાય છે? બીજા દિવસે એ ચાંભાં લીલાં પડી જાય છે, જાણે કે લોહી જામી ગયું હોય? ૬ મહિના પછી ચાલવાનું શીખે ત્યારે ચાલતાં-ચાલતાં પડી જાય અને સ્નાયુમાં જાણે ક્લૉટ પડી ગયો હોય એમ લાગે છે? ક્યારેક અજાણતાં તેને કશુંક વાગી જાય અને લોહી નીકળવા લાગે ત્યારે લોહી બંધ થવાનું ખૂબ મુશ્કેલ બનતું લાગે છે? જો આ સવાલોના જવાબ હા હોય તો તમારા બાળકને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર છે અને ટેસ્ટ કરાવી નિદાન લાવવું જરૂરી છે, કારણ કે આ લક્ષણો હીમોફિલિયાનાં લક્ષણો છે. આ બાબતે સજાગ રહેવું જરૂરી છે. લોકો જેટલું આ રોગને સમજશે, જાણશે એટલું આ રોગનું મૅનેજમેન્ટ જલદી શરૂ થઈ શકશે.

અહેવાલ : ડૉ. મુકેશ દેસાઈ  


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK