બન્ને તરફના ખીચડી ગઠબંધનની અસર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આ વખતે મુંબઈ સહિત મહારાષ્ટ્રની બેઠકોમાં સત્તાધારી પક્ષોની મહાયુતિના અને વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) તો મહાવિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને NCP-શરદચંદ્ર પવાર પક્ષોનો સમાવેશ છે. આથી ઘણી બેઠક પર રાષ્ટ્રીય પાર્ટી BJP કે કૉન્ગ્રેસના ઉમેદવારને બદલે એમના સહયોગી પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એટલે ગઈ કાલે મતદાન વખતે ગરબડ જોવા મળી હતી. BJP કે કૉન્ગ્રેસને મત આપવા માટે લોકો મતદાનકેન્દ્રમાં પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં આ પાર્ટીનું સિમ્બૉલ કે ઉમેદવારનું નામ ન જોતાં તેઓ ગૂંચવાઈ ગયા હતા. મીરા રોડના રાવલનગર કૉલેજના મતદાનકેન્દ્રમાં ગઈ કાલે એક યુવતી પહોંચી હતી. તેણે EVMમાં કૉન્ગ્રેસનો પંજો ન જોતાં હોબાળો મચાવ્યો હતો. થાણે લોકસભા બેઠકમાં કૉન્ગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી જ નથી રહ્યો તો પંજો EVMમાં ન આવે એ સમજાવવાનો ચૂંટણી-અધિકારીએ પ્રયાસ કર્યો હતો, પણ પેલી યુવતી સમજવા જ નહોતી માગતી. આખરે તેને પોલીસની મદદથી મતદાનકેન્દ્રમાંથી બહાર કાઢવામાં આવી હતી. આવી જ રીતે મુંબઈનાં મતદાનકેન્દ્રોમાં શિવસેના અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવારો વિશે ગેરસમજ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

