Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઝટપટ વજન ઉતારવાનો દાવો કરતી ડ્યુકન ડાયટ

ઝટપટ વજન ઉતારવાનો દાવો કરતી ડ્યુકન ડાયટ

21 May, 2024 07:08 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

ચાલો જાણીએ ડ્યુકનના ફાયદા-નુકસાન વિશે બધેબધું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પિઅર ડ્યુકન નામના ફ્રેન્ચ જનરલ પ્રૅક્ટિશનરે ૧૯૭૦માં ખાસ ડાયટ દ્વારા ઝડપથી વજન ઘટાડવાનો દાવો કર્યો હતો જે ડ્યુકન ડાયટ તરીકે ઓળખાઈ. ચાર ફેઝમાં થતી આ ડાયટ-પ્રણાલી આટલી જૂની હોવા છતાં એની પદ્ધતિને લીધે ડાયટિશ્યનોમાં આજ સુધી ચર્ચાનો મુદ્દો બની રહી છે. જોકે જેનિફર લોપેઝ જેવી હૉલીવુડની સે​લિબ્રિટીઝને લીધે એ આજે પણ લોકોને લુભાવે છે. ચાલો જાણીએ ડ્યુકનના ફાયદા-નુકસાન વિશે બધેબધું


૧૯૭૦ના દાયકામાં ફ્રેન્ચ જનરલ પ્રૅક્ટિશનર પિઅર ડ્યુકને એક ઓબેસિટી પેશન્ટ માટે એક ડાયટ ડિઝાઇન કરી જેમાં લો-કાબોહાઇડ્રેટ અને લો-ફૅટ મીલનું પ્લાનિંગ હોય. બીજી અનેક ડાયટની જેમ આમાં પણ શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ બંધ કરીને એને ફૅટ બર્નિંગ મોડમાં લઈ જવાનું ધ્યેય હોય છે. જોકે ઘણા ડાયટિશ્યનો એવું માને છે કે ડાયટની આવી પદ્ધતિ યોગ્ય નથી. ૨૦૦૦ની સાલમાં ડ્યુકને ‘ધ ડ્યુકન’ પ્રકાશિત કરી એની ત્રણ મિલ્યનથી વધુ કૉપી વેચીને એને બેસ્ટસેલર પુસ્તકોમાં સ્થાન અપાવ્યું હતું. જેનિફર લોપેઝ જેવી સેલિબ્રિટીનું એના તરફનું આકર્ષણ અને એના દ્વારા થતા ઝડપી વેઇટલૉસને લીધે આ ડાયટ હજી પણ અમુક લોકોમાં લોકપ્રિય છે. જાણીએ આ ડાયટ કઈ રીતે થાય છે.



ડ્યુકન ડાયટ વિશે વાત કરતાં ડાયટિશ્યન ડૉ. કુંજલ શાહ કહે છે, ‘વેઇટલૉસનો ટ્રેન્ડ ચાલે છે ત્યારે લોકોને ગમે એ રીતે વજન ઓછું કરવું હોય છે. એટલે જે ડાયટથી ઝડપથી વજન ઓછું થાય એ ટ્રેન્ડમાં આવી જાય છે. મોટા ભાગે આવી ડાયટ એ રીતે પ્રકાશમાં આવે છે. સેલેબ્રિટીઝ માટે શારીરિક બાંધામાં ત્વરિત ફેરફાર લાવવો જરૂરી હોય છે, કારણ કે તે લોકોનું કામ તેમના દેખાવ પર નિર્ભર રહે છે. એવા સમયે તેમને આવી ઝડપી ડાયટ ઘણી ફાયદાકારક નીવડે છે. જે લોકો આને બરાબર વળગી રહે છે તેમને લાંબો સમય અસર રહે છે. બાકી જે લોકો ડાયટ કરીને છોડી દે છે તેમના માટે આ ડાયટનાં જોખમો ઘણાં છે. આ સિવાય અત્યારે ઘરમાં બન્ને જણ વર્કિંગ હોય છે એવા સમયે એકાદ જણનું ડાયટ રૂટીન અલગથી તૈયાર કરવું અઘરું પડે ત્યારે આવી ડાયટ બરાબર પાળી નથી શકાતી. ડ્યુકન ડાયટ મૂળ તો ફેડ ડાયટ છે એટલે કે એવી ડાયટ જેનાં પરિણામો ત્વરિત હોય છે અને એ લાંબો સમય ટકતી નથી. આ કીટો ડાયટ જેવું જ છે. મુખ્યત્વે વેઇટલૉસ પર ફોકસ હોવાથી આવા આહારમાં બધાં જ જરૂરી તત્ત્વો નથી મળતાં.’


ડ્યુકન ડાયટના ચાર તબક્કા

ડાયટની શરૂઆત પહેલાં તમારાં વજન, જૅન્ડર, ઉંમર, હાઇટ જેવાં પરિબળોને ધ્યાનમાં લઈને તમારું ખરું વજન શું હોવું જોઈએ એની ગણતરી થાય છે. આ નંબર સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવે છે. એ પછી ડાયટનો દરેક તબક્કો કેટલો ચાલશે એ આ સાચા વજન પર જ આધાર રાખે છે.


૧. અટૅક ફેઝ: આ તબક્કામાં શરીરને સોયા કે ટોફુ જેવા પ્રોટીનની ભારે માત્રા આપીને બીજો બધો આહાર બંધ કરવામાં આવે છે. કેટલું વજન ઘટાડવું છે એના આધારે એકથી સાત દિવસ સુધી આ જ રૂટીન ચાલે છે. આ સિવાય છથી આઠ કપ પાણી પીવાનું હોય છે અને રોજ દોઢ ચમચી જેટલું ઓટ બ્રાન ખાઈ શકાય છે. સોયા, ટોફુ જેવાં પ્રોટીન તથા કૉટેજ ચીઝ, દૂધ, સાવર ક્રીમ, ગ્રીક યૉગર્ટ, ફેટા ચીઝ અને રિકોટા જેવી ફૅટ-ફ્રી ડેરી પ્રોડક્ટ્સ લેવાય. આ સામે ફળો, શાકભાજી, કાર્બોહાઇડ્રેટ્સ, ખાંડ, ચરબી અને ઓટ બ્રાન સિવાયનું બધું અનાજ બંધ કરવામાં આવે છે. સાથે દરરોજ ૨૦ મિનિટ ઝડપી ચાલવાની કસરત કરવી.

૨. ક્રૂઝ ફેઝઃ ક્રૂઝ તબક્કાની ગણતરી એવી હોય છે કે એક પાઉન્ડ ગુમાવવું હોય તો ત્રણ દિવસ આપવા પડે. એ હિસાબે જેટલા પાઉન્ડ ગુમાવવા હોય એટલો લાંબો આ તબક્કો રહે છે. ઘણા કિસ્સાઓમાં એકથી ૧૨ મહિના સુધીનો લાંબો ગાળો જોવા મળે છે. આ સિવાય દરરોજ ૩૦ મિનિટ ઝડપી ચાલવાનું હોય છે. આમાં અટૅક ફેઝના આહાર ઉપરાંત સ્ટાર્ચ વગરની શાકભાજી જેવી કે લીલાં પાંદડાવાળી શાકભાજી, બીટ રૂટ મશરૂમ્સ, ડુંગળી, બ્રૉકલી અને કોબી ખાઈ શકાય છે. 

૩. કન્સોલિડેશન ફેઝઃ પ્રથમ બે તબક્કામાં જો વજન ઘટ્યું હોય તો આ તબક્કામાં ધીમે-ધીમે વધુ ખોરાકનો પરિચય કરાવવામાં આવે છે. આ તબક્કામાં અડધો કિલો વજન ઘટવામાં પાંચ દિવસ જેટલો સમય જાય છે. આ તબક્કામાં વજન ફરી વધી ન જાય એની રોક પર ફોકસ હોય. અહીં દર અઠવાડિયે માત્ર એક દિવસ જ વ્હે પ્રોટીન, કેટલાંક કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી, સ્ટાર્ચ વિનાની શાકભાજી ખાવાનું ચાલુ રાખવામાં આવે છે. ઓટ બ્રાન જેવાં ધાન્ય દરરોજ બે ચમચી રહે છે અને દરરોજ ૨૫ મિનિટ ઝડપી ચાલવાનું હોય છે. આ તબક્કામાં રોજ એકથી બે ફળની સર્વિંગ અને આખા અનાજની બ્રેડની બે સ્લાઇસ ખાઈ શકાય છે. આ ઉપરાંત દર અઠવાડિયે સ્ટાર્ચયુક્ત ખોરાકની એકથી બે સર્વિંગ્સ ખાઈ શકાય છે. આમ છતાં આ તબક્કામાં કેળાં, દ્રાક્ષ, ચેરી જેવાં ફળો અને ખાંડ જેવી વસ્તુઓની મનાઈ હોય છે.

૪. સ્ટેબિલાઇઝેશન ફેઝઃ આ અંતિમ તબક્કો અનિશ્ચિત સમય સુધી ચાલે છે અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે છે. આમ તો એ ઉપરના તબક્કા જેવો જ હોય છે, પરંતુ એમાં પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી લેવાની છૂટ હોય છે. અઠવાડિયામાંથી એક દિવસ હજી પણ માત્ર દુર્બળ પ્રોટીનનો હોવો જોઈએ અને રોજ ત્રણ ચમચી ઓટ બ્રાન ખવાય છે. વજન ઘટાડવા માટે દરરોજ વીસ મિનિટ ઝડપી ચાલવાની ભલામણ કરવામાં આવે છે. આ સિવાય રોજિંદી જીવનશૈલીમાં ફિટનેસ વધે એવી ઍક્ટિવિટીઝ કરવી જરૂરી છે.

ડ્યુકન ડાયટ લેવાય કે નહીં?

ડ્યુકન ડાયટ પર બહુ ગુણવત્તાયુક્ત અભ્યાસો થયા નથી, પરંતુ પરોક્ષ સંશોધનો સૂચવે છે કે હાઈ પ્રોટીન અને લો કાર્બનો આહાર વજન ઘટાડવા માટે અસરકારક નીવડી શકે છે. જોકે ઘણા સંશોધકો એવું પણ કહે છે કે ડ્યુકન આહાર વજન તો ઘટાડે છે, પરંતુ એનાથી વજન ઘટાડવું આસાન નથી. આ વિશે કુંજલ શાહ કહે છે, ‘આપણા પૂર્વજો ખેતીવાડી કરતી પ્રજાતિ હતા. જિનેટિકલી આપણે એ રીતે ઘડાયા છીએ કે આપણા રૂટીનમાં કસરત વધુ આવે છે. એટલે જ આપણા ખોરાકમાં પણ ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ સારુંએવું જોવા મળે છે. એનાથી સાવ જ કટ થવાથી આપણને એની આડઅસર ચોક્કસ દેખાય છે. તમે જ્યારે પણ અમુક રીતનાં ખાદ્ય જૂથોને આહારમાંથી કાપી નાખો છો અને માત્ર પ્રોટીનને વળગી રહો છો ત્યારે એક તો એ કંટાળાજનક બને છે અને બીજું, ન્યુટ્રિશન ડેફિશ્યન્સી આવે છે. આહારમાં પસંદગી ન મળવાથી વ્યક્તિ ડિપ્રેશનની શિકાર બને છે. કૅલ્શિયમ, આયર્ન, પોટૅશિયમ અને વિટામિન એ, સી અને ડી સહિતનાં મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો ઘટી જવાથી એના માટે સપ્લિમેન્ટ્સ પર આધાર રાખવો પડે છે. ડાયાબિટીઝ, કિડનીની બીમારી અથવા હૃદયરોગ અથવા જેઓ સગર્ભા છે અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે આ ડાયટ બહુ જ નુકસાનકારક છે. કિડનીની બીમારીવાળા લોકો અથવા કિડનીના સ્ટોનનું જોખમ ધરાવતા લોકો માટે ખૂબ પ્રોટીન નુકસાન કરે છે, હૃદયરોગના દરદીઓને જો પૂરતા પ્રમાણમાં ફાઇબર ન મળે તો તકલીફ થઈ શકે છે.’

આવા બદલાવો જોખમી નીવડી શકે

ગણી-ગણીને ચોક્કસ ચીજો ખાવાની આ ડાયટને કારણે કાયમી થાક, ગૉલ-બ્લૅડર સ્ટોન, કબજિયાત, શ્વાસની દુર્ગંધ, થાક અને માથાનો દુખાવો સામાન્ય છે; પણ એનાથી વધુ જોખમો વિશે ડૉ. કુંજલ શાહ કહે છે, ‘આમાં ફુલ ઍનિમલ પ્રોટીન પર નિર્ભર લોકોને કૅન્સર થવાની શક્યતા વધી શકે છે. કાયમનું આવું રૂટીન ડિપ્રેશન તરફ દોરી જાય છે એટલે ડ્યુકન આહારની ભલામણ કોઈને કરવામાં આવતી નથી. ઘણા અનરજિસ્ટર્ડ ન્યુટ્રિશનિસ્ટ્સ પૂરી ટ્રેઇનિંગ લીધા વગર ખાલી ક્રૅશ કોર્સ કરીને જ ડાયટિશ્યન બની જાય છે ત્યારે ઝડપી વજન-ઘટાડો થાય એ માટે નિતનવા નુસખા કરીને રિઝલ્ટ લાવે છે. આ સમયે એ જોવું રહ્યું કે રજિસ્ટર્ડ ડાયટિશ્યન પાસેથી સાચી સલાહ લેવામાં આવે.’

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2024 07:08 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK