બાળકના આવ્યા પહેલાં અને બાળકના આવ્યા પછી સ્ત્રીનું શરીર જ નહીં, સમગ્ર જીવન બદલાઈ જાય છે. તેને અઢળક સપોર્ટની જરૂર રહે છે.
પ્રતીકાત્મક તસવીર
બાળકના આવ્યા પહેલાં અને બાળકના આવ્યા પછી સ્ત્રીનું શરીર જ નહીં, સમગ્ર જીવન બદલાઈ જાય છે. તેને અઢળક સપોર્ટની જરૂર રહે છે. એમાં કમી આવે અને તે આ બદલાવ સહી ન શકે તો તે ડિપ્રેશનમાં સરી પડે છે જેને પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન કહેવાય છે. સમજવાનું એ છે કે આ બદલાવ પુરુષના જીવનમાં પણ આવે છે. તેનો આર્થિક અને સામાજિક ભાર અચાનક વધી જાય છે. પત્ની સાથે ઇમોશનલ અને ફિઝિકલ ઇન્ટિમસીનો અભાવ તેને કઠે છે. આવા કયા બદલાવો છે જેને કારણે પુરુષ ડિપ્રેશન સુધી પહોંચી જાય છે એ સમજવાની કોશિશ કરીએ
પ્રિયા અને મયૂર પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનાઓ દરમિયાન ઘણા ઉત્સાહી હતાં પરંતુ જેમ-જેમ ડિલિવરીના દિવસો નજીક આવતા ગયા એમ-એમ મયૂરનું ટેન્શન વધતું ચાલ્યું. નોકરી સારી જ ચાલી રહી હતી પરંતુ બાળકોના ખર્ચનો હિસાબ જ્યારે તેને મિત્ર પાસેથી મળ્યો ત્યારે તે ગભરાઈ ગયો. તેને લાગ્યું કે બાળક આવ્યા પછીના ખર્ચા કેવી રીતે પહોંચી વળાશે. પ્રિયા પહેલાં કમાતી હતી અને પ્રેગ્નન્સી પહેલાં જ તેમણે નક્કી કર્યું હતું કે બાળક પછી પણ તે તેની જૉબ ચાલુ રાખશે, પરંતુ છેલ્લા એક મહિનાથી પ્રિયા કહી રહી હતી કે તેને હવે બ્રેક લેવો છે અને બાળકના ઉછેરમાં તે સંપૂર્ણ ધ્યાન આપવા માગે છે. મયૂર આ વાતથી સહમત હતો, પરંતુ અચાનક આવી પડેલા ખર્ચ માટે તે તૈયાર નહોતો. આવામાં ડિલિવરી થઈ ગઈ. જે રીતે તેનું જીવન રાતોરાત પલટાયું એ સરળ નહોતું. એક તરફ તે ખૂબ ખુશ હતો, બીજી તરફ પ્રિયાની બદલાયેલી જિંદગીમાં તેના માટે કોઈ જગ્યા નહોતી. ઑફિસનાં ટેન્શન તે કોઈ સાથે શૅર કરી શકે એમ નહોતો. તે પોતાની દીકરી સાથે રહેવા માગતો હતો, પણ ઑફિસમાંથી સમય જ મળતો નહોતો. બીજી તરફ પ્રિયા મયૂરને ફરિયાદો કરી રહી હતી, કારણ કે તે એકલી બાળકને સંભાળીને થાકી રહી હતી. તેને પણ સાથ અને સપોર્ટની જરૂર હતી. બન્ને વચ્ચે પ્રેમનો સમય નહોતો, પરંતુ જે થોડો સમય પણ એકબીજા સાથે રહેતાં એમાં ઝઘડા થવા લાગ્યા. મયૂર ઘરથી ભાગવા લાગ્યો. જે બાળકનો ચહેરો જોઇને મયૂરને ફરી જીવવાની ઇચ્છા થવી જોઈએ એ જ બાળક તેને ફેલ્યરનો અહેસાસ દેવડાવી રહ્યું હતું. એટલે જ ઑફિસમાં પોતાના જુનિયર્સ પર એ બરાડાઓ પાડતો થઈ ગયેલો. જે મયૂર દારૂને હાથ સુધ્ધાં અડાડતો નહોતો તે ધીમે-ધીમે એના રવાડે ચડવા માંડ્યો.
ADVERTISEMENT
પુરુષ એટલે શક્તિશાળી. પુરુષ એટલે ખમતીધર. આ છબીથી વિપરીત દેખાતી છબીમાં અહીં કોઈ પણને લાગે કે બાળકો તો બધા જ પેદા કરે છે, પણ એમાં આવી હાલત થોડી થાય? બાળકની જવાબદારી તો લેવાની જ હોયને. સ્ત્રીઓને ડિલિવરી પછી ડિપ્રેશન આવી શકે એ હકીકત હજી આપણે માંડ સ્વીકારતા થયા. એ પછી હવે આ શું છે? પુરુષોને પણ પોસ્ટ-પાર્ટમ એટલે કે બાળકના જન્મ પછી ડિપ્રેશન જેવું હોય? અમેરિકન મેડિકલ અસોસિએશન અનુસાર ૧૦ ટકા પુરુષોમાં બાળકના જન્મ પહેલાં અને તેના જન્મના તરત પછી ડિપ્રેશનનાં ચિહ્નો જોવા મળી રહ્યાં છે. પુરુષ તો બાળકને જન્મ આપતો પણ નથી, તેના શરીરમાં કોઈ બદલાવ આવતા નથી, તેણે પીડા સહન કરીને ડિલિવરી કરવાની નથી કે નથી તેણે સર્જરીની પીડા વેઠવાની. સ્ત્રીનું શરીર, તેનું જીવન અને તેનું સમગ્ર અસ્તિત્વ જ બાળકના જન્મથી બદલાઈ જાય છે. આ પરિસ્થિતિમાં તેને યોગ્ય સપોર્ટ ન મળ્યો તો તે ડિપ્રેશનમાં સરી પડે છે જે તેના પોતાના માટે જ નહીં, બાળક માટે પણ ખૂબ અઘરું બને છે; પણ પિતાને શું તકલીફ પડે કે તે ડિપ્રેશનમાં જઈ શકે? આજે પિતાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરીએ.
આર્થિક બદલાવ
પુરુષ જતાવતો નથી પણ તેના ખભા પર ઘણો ભાર છે. આજના સમયમાં બાળકો કરવાં સરળ તો નથી. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ નરેન્દ્ર કિંગર કહે છે, ‘ગમેતેટલો સધ્ધર પરિવાર હોય પણ આજની તારીખે બાળક ખર્ચ વગર ઘરમાં આવતું નથી. તમે જેટલું વધુ કમાઓ એટલો ખર્ચો વધુ. જન્મથી લઈને તેને મોટું કરવા સુધીના ખર્ચાઓ ગણીએ તો કોઈ પણ પિતા માટે એ એક સમયે ચિંતાનું કારણ તો બની જ શકે. એના માટે પ્લાનિંગ જરૂરી છે. કોઈ પણ પ્રકારનું કામ હોય કે બિઝનેસ, એમાં અસુરક્ષા તો હોય જ છે. પિતાનું કામ છે પરિવારને સુરક્ષા આપવાનું, પરંતુ એ સુરક્ષા માટે તે પોતે અસુરક્ષિત ફીલ કરી શકે છે. હું ન કરી શક્યો તો? એવો ભય પણ તેને સતાવે છે. આ સિવાય ઘણા પિતા ફાઇનૅન્શિયલી રેડી નથી હોતા. તેમને લાગે છે કે પહોંચી વળાશે, પણ અચાનક આવતા ખર્ચાઓ એના મૅનેજમેન્ટને હલાવી દે છે એટલે ચિંતા ઘેરી વળે છે.’
સામાજિક બદલાવ
ઘણા પુરુષો એવા હોય છે કે તેમને દુનિયામાં સૌથી વધુ પ્રિય પોતાની ફ્રીડમ હોય છે. લગ્ન પણ તેમને બંધન લાગે છે. એના પછી આવેલા બદલાવને તેઓ માંડ સ્વીકારી શક્યા હોય છે ત્યાં બાળકને કારણે તેઓ વધુ બંધાઈ જાય છે. એ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ શ્યામ મિથિયા કહે છે, ‘મિત્રો સાથે સમય પસાર ન કરી શકે અને જ્યાં જવું હોય ત્યાં જઈ ન શકે, આ પરિસ્થિતિઓ તેને ગૂંગળામણ આપે છે. બાળક આવ્યા પછી તેની પત્નીના જીવનની પ્રાથમિકતા બાળક જ હોય એ સહજ છે પણ એને કારણે તે પત્ની સાથે સમય નથી વિતાવી શકતો. ઇમોશનલ અને ફિઝિકલ ઇન્ટિમસીની ખોટ તેને સાલે છે. પત્ની ખુદ એટલી બિઝી છે અને તેની શારીરિક અને માનસિક હાલતને માંડ સંભાળી રહી છે ત્યાં તે પોતાની તકલીફો તેને કહી નથી શકતો. ચૂપ રહીને, પોતાના પ્રૉબ્લેમ્સ પોતાની પાસે જ રાખીને તેની ગૂંગળામણ વધે છે.’
હાલત ખરાબ
ઘણા પિતા એવા હોય છે જે ખુદ બાળકને સમય આપવા માગે છે પણ સમય કાઢી શકતા નથી. ઘણા એવા પણ હોય છે જે પત્નીની આવી હાલત જોઈ નથી શકતા. તેમને ખબર છે કે પત્નીને અત્યારે સપોર્ટની જરૂર છે, પણ પોતે કામમાં એટલા વ્યસ્ત છે કે એ પણ નથી કરી શકતા. આવી વ્યક્તિઓ ગિલ્ટમાં રહે છે. એક પતિ અને પિતા તરીકે તે પોતે ફેલ થયા છે એવું અનુભવે છે. જે પોતે નથી અનુભવતા તેમને તેમની પત્ની ફરિયાદો કરીને રિયલાઇઝ કરાવે છે. ઘણાની પત્નીને પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન આવી જાય તો બાળકની અને પત્નીની બન્નેની જવાબદારી પતિ પર આવી જાય છે. ભારતીય પુરુષ જેણે ઘરનાં કામ કર્યાં નથી અને બાળકની સંભાળ રાખતાં તેને આવડતું નથી તેની હાલત ખરાબ થઈ જ જાય છે.
શારીરિક નહીં, માનસિક
ડિપ્રેશન એક માનસિક રોગ જ નથી, સાયન્સ પુરવાર કરી ચૂક્યું છે કે એનાં ફિઝિકલ ચિહ્નો છે અને શરીરમાં એવું કંઈક થાય છે જેને કારણે ડિપ્રેશન આવે છે. બાળકને જન્મ આપવામાં પિતાના શરીરમાં કોઈ બદલાવ આવતા નથી. તો પછી માનસિક તકલીફોને કારણે જ શું તેમને ડિપ્રેશન આવી જાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકિયાટ્રિસ્ટ શ્યામ મિથિયા કહે છે, ‘ડિપ્રેશન ફક્ત માનસિક નથી, શારીરિક બદલાવ અને ચિહ્નો હોય જ. ભલે ડિલિવરી કે પ્રેગ્નન્સીમાં સ્ત્રીના શરીર જેવા બદલાવ પુરુષોમાં આવતા નથી, પરંતુ તેમની માનસિક તાણ એટલી હદે વધે છે કે એની અસર શરીરનાં હૉર્મોન્સ પર થાય છે અને એ તીવ્ર અસરને કારણે તેમને ડિપ્રેશન આવે છે. હજી પણ એવા પુરુષો છે જે આ ડિપ્રેશનથી બચવા જવાબદારીઓથી હાથ ઉપર કરીને અળગા થઈ જાય છે, પણ એવા પુરુષો જે લાગણીશીલ છે, પોતાની જવાબદારી નિભાવવા ઇચ્છે છે, પત્નીને કમ્ફર્ટ અને કૅર આપવા માગે છે અને બાળકની સાથે રહેવા માગે છે; પણ એવું કરી શકતા નથી. તેમને અપરાધભાવના કારણે કે બીજાં અઢળક કારણો મળીને ડિપ્રેશન આવી શકે છે.’
અપૂરતી ઊંઘ
કોઈ પણ માનસિક રોગનો ઊંઘ સાથે સીધો સંબંધ છે. બાળક આવ્યા પછી સ્ત્રી હોય કે પુરુષ, બન્નેમાં ડિપ્રેશન આવવાનું ઘણું મોટું કારણ એ બન્નેની અપૂરતી ઊંઘ છે કારણ કે પુરુષ વર્કિંગ હોય છે એટલે તેને દિવસની ઊંઘ પણ નસીબ નથી થતી. આ અપૂરતી ઊંઘ મહિનાઓ સુધી ભોગવીને પુરુષની માનસિક સ્થિતિ બગડે છે.
ખબર કેમ પડે?
પુરુષોમાં પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન હોય તો પણ ખબર કેવી રીતે પડે એ જાણીએ સાઇકાલૉજિસ્ટ નરેન્દ્ર કિંગર પાસેથી.
જો તમને હમણાંથી ખૂબ વધુ ગુસ્સો આવે છે. તમે આખો દિવસ ચીડચીડા રહેવા લાગ્યા છો.
તમને ઘરેથી ભાગી જવાનું મન થાય છે. જાણીજોઈને ઘરે જવાનું ટાળવા લાગ્યા છો. જેટલું બને એટલું બહાર જ રહેવા લાગ્યા છો.
તમારું નવજાત બાળક પણ તમને ખુશી નથી આપી રહ્યું. તેના પરથી પણ તમારું મન ઊઠી રહ્યું છે.
તમને અંદરથી ડર લગ્યા કરે છે? બાળક માટે, ખુદ માટે, પત્ની માટે, નોકરી માટે, પૈસા માટે; કોઈ પણ કારણોસર તમને ડર લાગ્યા કરે છે?
તમે પહેલાં સ્મોકિંગ, આલ્કોહોલ કે ડ્રગ્સ લેતાં નહોતા અને હવે ચાલુ કર્યું છે? કે પહેલાં જેટલું પણ લેતા હતા એની માત્રા વધી ગઈ છે?
આખો દિવસ સમજાવી ન શકાય એવી એક ઉદાસી તમારા મન પર છવાયેલી રહે છે?
તમે આજકાલ ખૂબ ઓછું કે ઘણું વધારે સૂવો છો?
જો આ સવાલોનો જવાબ હા હોય તો તમને પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન હોઈ શકે છે. પુરુષોને પણ આ પ્રકારનું ડિપ્રેશન આવે છે, જેનો અર્થ એ છે કે તેમને નિષ્ણાતની મદદની જરૂર છે.


