યસ, શરીરનાં ઝેરી તત્ત્વોને ફિલ્ટર કરવાનું કામ કરતું આપણું લિવર જ્યારે બગડવાનું શરૂ થાય ત્યારે જુદી-જુદી રીતે એ શરીર પર દેખાડે છે. આજકાલ બદલાયેલી લાઇફસ્ટાઇલમાં લિવરની સમસ્યાઓ વકરી રહી છે ત્યારે આ લક્ષણો જાણવાં જરૂરી છે
આંખો પીળાશ પડતી દેખાય છે, કરોળિયાના પગ જેવા આકારનાં ચાઠાં પડે છે, હાથની હથેળીઓ લાલ થઈ જાય છે
શરીરમાં જે પણ ટૉક્સિન્સ, દવાઓ, આલ્કોહૉલ કે કેમિકલ્સ આવે છે એ બધું ફિલ્ટર કરવાનો સૌથી મોટો ભાર લિવર પર હોય છે. જ્યારે એના ફંક્શનિંગમાં ખલેલ પડે ત્યારે એનો સીધો પ્રભાવ ત્વચા પર દેખાવા લાગે છે. ત્વચાને શરીરના આંતરિક સ્વાસ્થ્યનો અરીસો કહેવાય છે. અંદર કોઈ ગરબડ થાય તો તરત જ એનાં લક્ષણો બહાર જોવા મળે છે અને આ સંકેતોને સમયસર ઓળખવામાં આવે તો ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે. જ્યારે લિવરને નુકસાન પહોંચે ત્યારે ત્વચા કઈ રીતે સંકેત આપે છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.
શું છે ફર્સ્ટ સાઇન?
ADVERTISEMENT
લિવરનાં કાર્યોમાં અડચણ સર્જાય ત્યારે તરત જ ઇન્ડિકેશન ત્વચા પર નથી દેખાતાં એમ જણાવીને દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘લિવર બગડે એટલે પહેલવહેલો પ્રૉબ્લેમ પાચનનો થાય. અચાનક ખોરાક ઓછો થઈ જવો, પાચન બરાબર ન થવું, યુરિન પાસ થવામાં પ્રૉબ્લેમ થવો, વજન ઘટવું એ લિવર ડૅમેજની ફર્સ્ટ સાઇન છે. આજના સમયમાં સામાન્ય રીતે જોવા મળતી સમસ્યાઓમાં અમે ઑબ્ઝર્વ કર્યું છે કે જન્ક ફૂડ અને સ્ટ્રીટ ફૂડના અતિસેવનથી ઓબેસિટી થાય છે અને પછી લિવરની આસપાસ ફૅટ જમા થઈને ફૅટી લિવરની સમસ્યા વધે છે. હવે તો પૅન્ક્રિયાસની આસપાસ પણ ફૅટ જમા થવાના કિસ્સાઓ વધી રહ્યા છે એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. ઘણા લોકોનું વજન અચાનક ઘટી જાય, ઘણા લોકોનું વધે. આ બધાં પણ લિવર ડૅમેજનાં લક્ષણો હોઈ શકે છે. કયા કારણે લિવર ડૅમેજ થાય છે એ જાણવું પણ મહત્ત્વનું છે. અમુક કેસમાં જો સમયસર સારવાર મળી જાય તો લિવર ડૅમેજ થતું અટકાવી શકાય છે.’

ચામડી પરનાં લક્ષણો
લિવરના ખરાબ સ્વાસ્થ્યનો ત્વચા પર કઈ રીતે સંકેત મળે છે એ વિશે ડૉ. સુશીલ શાહ કહે છે, ‘લિવરનું સ્વાસ્થ્ય બરાબર નથી એની ત્વચા પર પહેલી વૉર્નિંગ સાઇન કમળો છે. કમળામાં ત્વચા અને આંખો પીળાશ પડતી દેખાય છે. આપણા શરીરમાં લાલ રક્તકણો તૂટવાથી બિલિરુબિન નામનો પીળાશવાળો પદાર્થ બને છે. એ લિવરમાં પહોંચે છે, લિવર પ્રોસેસ કરીને આંતરડાંમાં મોકલે છે અને એ શરીરના મળ અને યુરિન સાથે બહાર નીકળી જાય છે; પણ જો લિવર નબળું પડ્યું હોય તો એ બિલિરુબિનને તોડીને બહાર કાઢી શકતું નથી. પરિણામે લોહીમાં એનું પ્રમાણ વધતાં ત્વચા, આંખ અને નખમાં જમા થાય છે અને કમળો થાય છે. શરૂઆતમાં થોડીક પીળાશ દેખાય છે, પણ ડૅમેજ વધી જાય તો આખું શરીર પીળું પડી શકે છે. આ એનો પહેલો અને સૌથી મોટો ઇશારો છે કે લિવર ડૅમેજ થઈ રહ્યું છે.’
ખંજવાળ પણ આવે
લિવર ડૅમેજ થવાની બીજી સાઇન ખંજવાળ છે એમ જણાવીને ડૉ. સુશીલ કહે છે, ‘જ્યારે લિવર સારી રીતે કામ નથી કરતું ત્યારે એમાંથી બનતો પિત્તરસ શરીરમાંથી બહાર નીકળવાને બદલે લોહીમાં જમા થવા લાગે છે. આ પિત્તના કણો ત્વચા નીચે પહોંચે છે. એને કારણે ત્વચા પર સતત ખંજવાળ આવે છે. ખાસ કરીને હાથ, પગ, પીઠ અને આખા શરીર પર એનો પ્રભાવ વધારે જોવા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો લિવર જ્યારે પિત્તને બહાર કાઢવામાં નિષ્ફળ જાય છે ત્યારે એ ત્વચા સુધી પહોંચીને ખંજવાળ ઉત્પન્ન કરે છે. અલગ-અલગ કારણોસર ખંજવાળ આવી શકે છે, પણ જ્યારે પિત્તને કારણે અચાનક ખંજવાળ આવ્યા કરે તો એ સામાન્ય ઍલર્જી કે સ્કિન-પ્રૉબ્લેમ નહીં પણ સીધી લિવર ડૅમેજની સાઇન છે.’
લિવરને નુકસાન પહોંચી રહ્યું છે એનું ત્રીજું લક્ષણ જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘લિવર ડૅમેજ હોઈ શકે એનું વધુ એક લક્ષણ છે સ્પાઇડર ઍન્જિયોમા. ખાસ કરીને ચહેરા, છાતી અને ઉપરના હાથ પર કરોળિયાના પગ જેવા આકારનાં ચાઠાં પડે છે. એસ્ટ્રોજન જેવા હૉર્મોનના વધેલા પ્રમાણને ફિલ્ટર કરવામાં જ્યારે લિવર અસમર્થ બને અને રક્તમાં એનું પ્રમાણ વધી જાય ત્યારે આ પ્રકારનાં લક્ષણો દેખાય છે અને આવા સંજોગોમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.’
ત્વચાના રંગમાં ફેરફાર
લિવર ડૅમેજ થવાનું હજી એક લક્ષણ છે ત્વચાના રંગમાં થતા ફેરફાર. ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જ્યારે લિવરનાં ફંક્શન્સ યોગ્ય રીતે કામ નથી કરતાં ત્યારે શરીરનાં કેટલાંક પોષક તત્ત્વો જેમ કે પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ પ્રોસેસ થઈ શકતાં નથી. જો એ પ્રોસેસ ન થાય તો લિવર યોગ્ય રીતે લોહીને શુદ્ધ કરતું નથી. ઝેરી તત્ત્વો ત્વચા સુધી પહોંચે છે જેને કારણે એ સફેદ અથવા કાળી થવા લાગે છે. હથેળીમાં લાલાશ આવે છે. ત્વચા સૂકી થઈ જાય છે. ગળા, બગલ, હાથની જગ્યાએ કાળી-ભૂરી પટ્ટીઓ દેખાય છે. પ્રોટીનની અછતથી ત્વચા પાતળી અને નાજુક થઈ જાય છે અને સહેલાઈથી ઘાયલ પણ થાય છે અને ઘા રુઝાતાં વાર લાગે છે. લિવર શરીરને જરૂરી પોષણ પૂરું ન પાડી શકે ત્યારે ત્વચા પોતાની નરમાઈ અને ચમક ગુમાવી દે છે, રંગ બદલાય છે અને કમજોર બની જાય છે.’
શું કાળજી રાખવી?
ત્વચા પર દેખાતા લિવર ડૅમેજના સંકેત જોતાં જ શું કાળજી રાખવાની જરૂર છે એ વિશે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘સૌથી પહેલાં ડૉક્ટર પાસે જવું અને તપાસ કરાવીને લિવરનાં ફંક્શન્સ ટેસ્ટ કરાવવાં. ઘરગથ્થુ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં કારણ શોધવું જરૂરી છે. ડૉક્ટર સૂચવે એ મુજબ ડાયટ અને દવાઓ શરૂ કરવી જોઈએ. પેઇનકિલર, કેટલીક
ઍન્ટિ-બાયોટિક્સ અને હર્બલ પ્રોડક્ટ્સ પણ લિવર પર ભાર વધારી શકે છે. મેડિકલ સ્ટોરમાંથી લઈને આડેધડ દવાઓ ખાવા કરતાં ડૉક્ટરની સલાહ લઈને તેમણે લખેલી દવા જ ખાવી જોઈએ. નિયમિત ચાલવું, યોગ કરવા, સાઇક્લિંગ કરવું જેવી કસરતો દ્વારા શરીરને ઍક્ટિવ રાખો. વજન નિયંત્રણમાં રાખો, નહીં તો ઓબેસિટી લિવરની ફૅટ વધારશે. ડાયટમાં તળેલું અને મસાલેદાર ખાવાનું ઓછું કરો. પ્રોસેસ્ડ ફૂડ, પૅકેટના ખોરાક, સૉફ્ટ ડ્રિન્ક્સ ટાળો. લીલી શાકભાજી, ફળો, હાઈ ફાઇબર ખોરાક વધારે લો અને પૂરતું પાણી પીતા રહો એ શરીર માટે અત્યાવશ્યક છે.’


