સરકારી હૉસ્પિટલની આ ઘટના સામે તંત્રની લાલ આંખ : ડૉક્ટરે કહ્યું કે હું આવી ઇમર્જન્સી સ્થિતિ સંભાળવા સક્ષમ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આસામના મોરીગાંવ જિલ્લાની સિવિલ હૉસ્પિટલના ગાયનેકોલૉજિસ્ટ અચાનક ચર્ચામાં આવી ગયા હતા, કારણ કે તેમણે ૧૦ કલાકના સમયગાળામાં ૨૧ સી-સેક્શન ઑપરેશન કરીને બાળકોની ડિલિવરી કરી નાખી હતી. ડૉ. કંઠેશ્વર બોરડોલોઈ નામના આ ગાયનેકોલૉજિસ્ટને નસબંધી અને દરદી-સુરક્ષા પ્રોટોકૉલનું પાલન ન કરવાના આરોપો બાદ જિલ્લા હેલ્થ વિભાગે શોકૉઝ નોટિસ ફટકારી છે.
ડૉ. બોરડોલોઈએ પાંચમી સપ્ટેમ્બરે હૉસ્પિટલના મુખ્ય ઑપરેશન થિયેટરમાં બપોરે ૩.૪૦ વાગ્યાથી મધરાત બાદ ૧.૫૦ વાગ્યા સુધી લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન (LSCS) પ્રક્રિયા હાથ ધરી હતી અને ૨૧ ઑપરેશન કર્યાં હતાં. ડૉ. બોરડોલોઈએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઇમર્જન્સીમાં તેઓ મર્યાદિત સમયમાં અનેક સર્જરી કરવા માટે સક્ષમ છે.
ADVERTISEMENT
શોકૉઝ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ બાબત કેટલીક ગંભીર ચિંતાઓ ઊભી કરે છે અને તેથી તમને એક વ્યાપક અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. ડૉક્ટરને દરેક સી-સેક્શન ડિલિવરી માટે વિગતવાર અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ અહેવાલમાં દરેક કેસની તૈયારી અને નસબંધી પ્રોટોકૉલના પાલનની વિગતો માગવામાં આવી છે.


