Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાકી બધું એક તરફ અને અમે માત્ર યોગ તરફ

બાકી બધું એક તરફ અને અમે માત્ર યોગ તરફ

21 June, 2024 12:40 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કંઈક આ જ ભાવ સાથે મુંબઈના કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે યોગને પ્રાધાન્ય આપ્યું અને પોતાની પ્રોફેશનલ કરીઅર પર બ્રેક મારી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કંઈક આ જ ભાવ સાથે મુંબઈના કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે યોગને પ્રાધાન્ય આપ્યું અને પોતાની પ્રોફેશનલ કરીઅર પર બ્રેક મારી. એન્જિનિયર બની ગયા પછી, અકાઉન્ટન્સી છોડીને કે પછી ધીકતો ધંધો મૂકીને યોગને સમર્પિત થનારા આ ટીચરોને યોગમાં એવું શું દેખાયું જે  હજીયે અનેક લોકો નથી જોઈ શક્યા!


યોગની લોકપ્રિયતાની સાથે એની વ્યાપકતા સતત વધી છે અને આવનારા દિવસોમાં એ વધુ નક્કર થઈને ઊભરશે એમાં શંકાને સ્થાન નથી. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’નું દસમું વર્ષ ઊજવાઈ રહ્યું છે અને છેલ્લાં દસ વર્ષમાં યોગ વિષયમાં જાગૃતિ અને એના લાભ વિશેની લોકોની સભાનતા ચિક્કાર વધી છે. આ જ કારણ છે કે લોકો યોગને હવે એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટી કે વધારાની થેરપીને બદલે મુખ્ય ઍક્ટિવિટી અને મહત્ત્વની થેરપી તરીકે જોતા થયા છે. આ જ કારણ છે કે જોઈ-જોઈને ધકેલ પંચા દોઢસોના ન્યાયે યોગ કરવાને બદલે બાકાયદા યોગનું પ્રશિક્ષણ લેવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે યોગને વધારાની આવક રળવાના માધ્યમ તરીકે નહીં પણ મુખ્ય પ્રોફેશન તરીકે પણ લોકો યોગને જોતા થયા છે. યોગમાં કરીઅર બનાવી શકાય અને યોગની કરીઅર સાથે પણ સારામાં સારું કમાઈ શકાય. આવો અનુભવ મેળવનારા યોગશિક્ષકોનો તૂટો નથી. જોકે આજે આપણે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મળીએ એવા યોગશિક્ષકોને જેઓ ભણ્યા કંઈક જુદું, કરીઅર કોઈ જુદા જ ક્ષેત્રમાં બનાવવાની દિશામાં તેઓ આગળ વધ્યા હતા પણ એ કરીઅરને બાજુ પર મૂકીને યોગ જ તેમને માટે સર્વેસર્વા બની ગયા. યોગિક કારકિર્દીને તેમણે પ્રાધાન્ય આપ્યું અને પોતાનું એન્જિનિયરિંગનું કે કંપની સેક્રેટરી તરીકેનું કામ અથવા તો બિઝનેસ બાજુ પર રાખી દીધા. તમને મજા આવશે તેમની યોગ માટેની પસંદગી પાછળનાં કારણો જાણીને. કદાચ આજના દિવસે આવી વાતો તમને પણ પર્મનન્ટ યોગના પ્રેમમાં પાડી દે અને હેલ્થની દિશામાં તમારું મંગલાચરણ થાય....મેકૅનિકલ એન્જિનિયરમાંથી મમ્મીયોગ અને પછી બની ગયાં ફુલટાઇમ યોગી


વાશીમાં રહેતાં માલા દવે એક જમાનામાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે જૉબ કરતાં હતાં. તેમણે જ્યારે મેકૅનિકલ એન્જિનિયરિંગ કર્યું ત્યારે દૂર-દૂર સુધી તેમના મનમાં નહોતું કે આ ડિગ્રીને બાજુ પર રાખીને તેઓ યોગની ડિગ્રી લેવા આગળ વધશે અને એન્જિનિયરને બદલે યોગટીચર તરીકે સક્રિય થશે. જોકે જે થયું એ સારું જ થયું એવા હાશકારા સાથે માલા કહે છે, ‘મારા દીકરાના જન્મ પછી યોગનો મારા જીવનમાં પ્રવેશ થયો. એમાં બન્યું એવું કે મારા દીકરાને લર્નિંગ ડિસેબિલિટી હતી. તેનો ખૂબ ઇલાજ કર્યો પણ પરિણામ મળતું નહોતું એટલે કોઈએ યોગ કરવાનું સજેસ્ટ કર્યું. અમે એક યોગટીચરને અમારા ઘરે બોલાવતા જે મારા દીકરાને શીખવે અને અદ્ભુત પરિણામ મળવાનું શરૂ થયું. યોગમાં મારો રસ જાગવાનો આ પહેલો બનાવ. ટીચર દીકરાને શીખવે છે એના કરતાં હું જ શીખવું તો? એવા વિચારમાંથી યોગ વિદ્યા નિકેતનમાં યોગશિક્ષકનો કોર્સ જૉઇન કર્યો. પહેલી જ વાર યોગ સાથે પનારો હતો છતાં એમ લાગતું હતું કે જાણે કે મને આ બધી તો ખબર છે. યોગ ખરેખર વર્સટાઇલ છે. તમે જો થોડોક રસ લો તો એને સમજ્યા પછી એના પ્રેમમાં પડ્યા વિના ન રહો. કમનસીબી છે આપણી કે આજેય મોટા ભાગના લોકો યોગને આસન તરીકે જુએ છે. માત્ર આસન નથી યોગ, જીવન જીવવાનું સાયન્સ છે. અને આ વાત મને સમજાઈ. હવે હું મારા દીકરા ઉપરાંત પણ ઘણા લોકોને યોગ શીખવું છું. સ્પેશ્યલ બાળકની એક સ્કૂલમાં લગભગ દોઢ વર્ષ સુધી બાળકોને ટ્રેઇન કર્યાં.’ યોગને કારણે પોતાના વ્યક્તિત્વમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં માલા દવે કહે છે, ‘પહેલાં હું બહુ જ જલદી ઇરિટેટ થઈ જતી. નાની-નાની વાતમાં મને ગુસ્સો આવી જતો. યોગને કારણે મારી સહનશક્તિ વધી. પહેલાં હું પબ્લિકલી મારી વાત મૂકવામાં કાચી હતી. યોગને કારણે એમાં પણ મારો આત્મવિશ્વાસ વધ્યો. હું કૉન્ફિડન્ટ્લી મારી વાત મૂકી શકું છું. કમ્યુનિકેશન સુધર્યું. મારા પોતાના ફિઝિકલ હેલ્થ-ઇશ્યુઝમાં ઘણો સુધાર આવ્યો. મારો દીકરો ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો. સાત-આઠ વર્ષમાં હું એટલું કહી શકું કે યોગે મને એક બહેતર વ્યક્તિ બનવામાં મદદ કરી છે.’


આજેય જો માત્ર કપડાં જ ડિઝાઇન કરતી હોત તો કદાચ બીમારીઓમાં ઉમેરો જ કર્યો હોત

વડાલામાં રહેતી દીપલ મોદી છેલ્લાં ૧૩ વર્ષથી યોગશિક્ષિકા તરીકે સક્રિય છે, પરંતુ યોગમાં આવી એ પહેલાં તેણે મર્ચન્ડાઇઝર તરીકેની એક એસ્ટૅબ્લિશ્ડ કરીઅર બનાવી દીધી હતી. એક સારી મલ્ટિનૅશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર તે ઊંચી પોઝિશન પર કામ કરતી હતી. અચાનક શારીરિક સમસ્યાઓ વચ્ચે તેણે હેલ્થ પર ફોકસ કરવાનું શરૂ કર્યું અને એમાં જ યોગ તેના જીવનનો હિસ્સો બનવાની દિશા ખૂલી. દીપલ કહે છે, ‘બન્યું એવું કે પંદરેક વર્ષ પહેલાં મને જૉન્ડિસ થયો. એ પછી ન્યુમોનિયા. હેલ્થ-ઇશ્યુઝ વધી રહ્યા હતા. એની વચ્ચે કામનો લોડ પણ એટલો જ હતો. સવારથી રાત ક્યાં પડી જતી એ સમજાતું નહોતું એટલી દોડાદોડ હતી. એવામાં એક ટીચર પાસે યોગ શીખવાનું શરૂ કર્યું. ફ્લેક્સિબિલિટી હતી એટલે મને એમ કે મારે તો યોગ ‍કરવાની જરૂર જ નથી, યોગ તો લચીલાપણું ન હોય એ લોકો કરે. જોકે તેમના આગ્રહથી શરૂ કર્યું. ધીમે-ધીમે મારી તબિયત બહેતર થતી ગઈ. એમાં તું સરસ કરે છે એટલે શીખવવાનું શરૂ કર એવું મારા યોગટીચર તરફથી મોટિવેશન શરૂ થયું અને મેં ભણવાનું શરૂ કર્યું. પહેલો ટીચર ટ્રેઇનિંગ કોર્સ, પછી બીજા જાતજાતના અનેક કોર્સ કરતાં-કરતાં ક્યારે ફુલટાઇમ યોગટીચર બની ગઈ એની મનેય પાકી ખબર નથી. ભલે મેં ટેક્સટાઇલમાં ગ્રૅજ્યુએશન કર્યું હોય, પણ યોગશિક્ષિકાની કારકિર્દીએ મને આંતરિક રીતે અને બાહ્ય રીતે એક જુદી જ ઊંચાઈ આપી છે. આનાથી બેસ્ટ બીજું કંઈ હોઈ જ ન શકે. યોગમાં જે ઊંડાણ છે એ દુનિયાની એકેય બાબતમાં નથી.’

દીપલ અત્યારે યોગમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનની ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. કૉર્પોરેટ યોગથી લઈને હૉસ્પિટલમાં, વિવિધ સંસ્થાઓમાં દીપલ યોગ કરાવી ચૂકી છે. તે ઉમેરે છે, ‘હું કુદરતના એ કૉલિંગને સમજી શકી અને નિર્ણય લઈ શકી એના માટે ઈશ્વરનો આભાર માનું છું. બાકી મોટા ભાગના લોકો એ સમજીને સમયસર નિર્ણય લેવામાં ચૂકી જાય છે. યોગને કારણે મારું આખું વ્યક્તિત્વ બદલાઈ ગયું છે એમ કહું તો ચાલે. જીવનને જોવાનો દૃષ્ટિકોણ યોગ બદલી શકે છે. મારી ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ થઈ, જેને તો હું બાયપ્રોડક્ટ ગણું છું. મુખ્ય બદલાવ તો માનસિક રીતે વધુ સક્ષમ અને મક્કમ બની છું. યોગઃ કર્મસુ કૌશલમનો સિદ્ધાંત તમને ડગલે ને પગલે કામ લાગે છે. આ માત્ર એક કલાકની વાત નથી પણ તમે વાસણ ઘસતા હો ત્યારે પણ યોગ આવે અને તમે રસ્તો ક્રૉસ કરતા હો ત્યારે પણ યોગના સિદ્ધાંતો સાથે ને સાથે તમને ગાઇડ કરવાનું કામ કરતા હોય છે.’

૪૨ વર્ષની ઉંમરે પપ્પાનો બિઝનેસ બાજુ પર મૂકીને હું યોગશિક્ષિકા બનવા નીકળી પડેલી, કારણ કે...

મુલુંડમાં રહેતાં કિરણ છેડાનું જીવન સેટ હતું. પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરિંગમાં તેમના પિતાની કંપનીનું મોટું નામ હતું અને એના જ અંતર્ગત ચાલતી ત્રણ દુકાનોનું મૅનેજમેન્ટ કિરણબહેનના હાથમાં હતું. ત્રણ રીટેલ શૉપ સાથે બિઝનેસ-ડેવલપમેન્ટમાં પણ તેમને રસ પડતો. સ્વપ્નમાં પણ એવું નહોતું વિચાર્યું કે હું ક્યારેય યોગશિક્ષિકા બનીને લોકોને ટ્રેઇન કરીશ એવી સ્પષ્ટતા સાથે કિરણબહેન કહે છે, ‘યોગ શીખવાનો વિચાર પણ નહોતો આવ્યો એટલે શીખવવાની તો વાત જ દૂરની હતી, પણ એક ઘટનાએ યોગ તરફ ધકેલી અને પછી હું યોગના પ્રેમમાં પડી એમ કહું તો પણ ચાલે. ચાલીસ વર્ષની ઉંમરે અબૉર્શન થયું. માતા બનવાના ઓરતા મનમાં રહી ગયા. ફિઝિકલ અને મેન્ટલ એમ બન્ને લેવલ પર હું પડી ભાંગી હતી. મને ટકાવવી હોય તો યોગ કરાવો એવી સલાહ પ્રમાણે પરિવારના કહેવાથી યોગક્લાસ શરૂ કર્યા. મારા જીવનના દુઃખની તીવ્રતા મને એવી લાગતી કે હું જીવું જ શું કામ છું એવું પણ મનમાં થતું, પણ ધીમે-ધીમે હીલિંગ જર્ની શરૂ થઈ. યોગાભ્યાસનો સૂક્ષ્મ સ્તરે મારા પર પ્રભાવ પડવા માંડ્યો અને મારો રસ વધવા માંડ્યો. મેં ટીચર ટ્રેઇનિંગ કોર્સ કર્યા, યોગમાં PG ડિપ્લોમા કર્યો અને યોગ વિષયમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન પણ કર્યું.
ધીમે-ધીમે શીખવવાનું શરૂ કર્યું. મને ઘણી વાર મારા પિતાએ દુકાન પાછી સંભાળી લે એવું કહ્યું છે અને એકાદ અઠવાડિયા માટે હું ગઈ પણ ખરી, પણ મજા નહોતી આવતી. મને યોગમાં મારા જીવનનું લક્ષ્ય મળી ગયું.’

કિરણબહેન લોકોને શંખ વગાડતાં પણ શીખવે છે અને સાથે પોતે પણ સતત નવા-નવા કોર્સ કરીને જાતને અપગ્રેડ કરતાં રહે છે. તેઓ કહે છે, ‘યોગ થકી મારા વ્યક્તિત્વમાં અકલ્પનીય બદલાવ આવ્યા છે. મારો ગુસ્સો ઘટ્યો, મારામાં લેટ ગોની ભાવના પ્રબળ બની અને જીવન પ્રત્યેનો સ્વીકારભાવ વધ્યો. બધું જ મારા પ્રમાણે ન થાય અને જીવનની જે રીત છે એને મુજબ આપણે ચાલવું પડે એ સમજણ વધી. આર્થિક લાભ સાથે સૅટિસ્ફૅક્શન પણ યોગ થકી જુદા સ્તરનું મળે છે. લોકોના આશીર્વાદ મળે એ જુદા.’

૧૭ વર્ષ સુધી અકાઉન્ટિંગ કર્યું અને અનાયાસ જીવનમાં જ્યારે યોગનો જાણે ચમત્કાર થયો

વિલે પાર્લે વેસ્ટમાં રહેતાં ભૈરવી પારેખે સત્તર વર્ષ સુધી અકાઉન્ટિંગનું કામ કર્યું છે. પરંતુ એક દિવસ થયું કે આ નોકરીમાં જિંદગી પૂરી થઈ જશે. ચાલીસ વર્ષની ઉંમરે નોકરી છોડીને પોતાના જૂના પ્રેમ ભરતનાટ્યમ તરફ વળ્યાં અને ત્યાંથી જ યોગની યાત્રા શરૂ થઈ. ભૈરવીબહેન કહે છે, ‘ચાલીસ વર્ષની ઉંમરે યોગની શરૂઆત કરી ત્યારે લોકોને તાજ્જુબ થતું હતું પણ જ્યારે શરૂ કર્યું ત્યારે જ મનમાં ઠાની લીધું હતું કે હું મારા જેવી અન્ય મહિલાઓ માટે પ્રયાસ કરીશ. મારા ક્લાસની શરૂઆત જ મેં ફોર્ટી પ્લસ મહિલા માટેની જાહેરખબરથી કરી. તમે જોશો કે ઉંમરના આ તબક્કામાં પરિણીત સ્ત્રીઓ પોતાના અવાજને બહુ જ દબાવીને રાખતી હોય છે. તેઓ મુક્ત થાય અને મનના ભારને હળવો કરે એ ભાવ સાથે મેં ક્લાસ શરૂ કર્યા અને અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો. યોગાસનો સાથે પ્રાણાયામ, મેડિટેશન અને ડાન્સનું ફ્યુઝન હું શીખવાડતી. સતત હું પોતે પણ કંઈક નવું-નવું શીખતી રહું છું જેથી હું મારા સ્ટુડન્ટ્સને શીખવી શકું.’

૧૦૦૮ સૂર્ય નમસ્કાર કૉન્ટેસ્ટમાં ભાગ લઈને એને પાર પાડનારાં ભૈરવીબહેને ૫૩ વર્ષની ઉંમરે શરૂ કરેલી યોગ-જર્ની અત્યારે ફોર્થ ગિઅરમાં ચાલી રહી છે. તેઓ કહે છે, ‘શવાનંદ યોગ કેરલાથી મેં મારો યોગ કોર્સ કરેલો. ત્યારે તો મને કલ્પના પણ નહોતી કે આ સ્તર પર અમારું કામ આગળ વધી જશે, આટલીબધી મહિલાઓના જીવનમાં બદલાવ લાવવામાં હું નિમિત્ત બનીશ. સાચું કહું તો મને તો મારા જીવનની મકસદ મળી ગઈ છે. આનાથી વધારે ખુશ હું ક્યારેય નહોતી. યોગ થકી હું જેટલી અંદર અને બહારથી મજબૂત બની છું એટલો જ ગ્રોથ મેં મારી સાથે જોડાયેલી અન્ય મહિલાઓમાં પણ જોયો છે. હું ઈશ્વરનો આભાર માનું છું કે આ કાર્ય માટે તેમણે મને પસંદ કરી. આ આત્મસંતોષ હું અકાઉન્ટિંગના કામમાંથી ક્યારેય મેળવી નહોતી શકવાની.’

લૉ એક્સપર્ટ કે કંપની સેક્રેટરી તરીકે આટલી સ્વતંત્રતા અને સૅટિસ્ફૅક્શન ન મળતાં હોત

ઘાટકોપરમાં રહેતી ધ્વનિ પાડલિયાએ કંપની સેક્રેટરીની ડિગ્રીની સાથે લૉનો અભ્યાસ પણ કર્યો છે. બે વર્ષ રિલાયન્સમાં જૉબ કર્યા પછી લગ્ન સમયે થોડોક બ્રેક લીધો. મનમાં હતું કે થોડાક સમયના બ્રેક પછી ફરી કૉર્પોરેટ લાઇફ શરૂ કરીશું, પણ એને બદલે યોગની દિશામાં જ તેની ગાડી દોડવા માંડી. ધ્વનિ કહે છે, ‘હું ભરતનાટ્યમ ડાન્સર છું અને એમાં જ યોગની ટ્રેઇનિંગનો અનુભવ પણ મેં લીધો હતો. ભણવાનું એની જગ્યાએ હતું પણ સાથે મનમાં એમ પણ હતું કે કોઈકનું ભલું થાય એવું કરવું હતું. એમાં જ યોગનો રસ્તો દેખાયો. ટીચર ટ્રેઇનિંગ કોર્સ કર્યો. પછી ઓળખીતા લોકો કહેવા માંડ્યા કે અમને શીખવ. શરૂઆતમાં નિઃશુલ્ક શીખવવાનું શરૂ કર્યું. લોકોને પરિણામ દેખાવાનું શરૂ થયું એટલે મને કોઈ જુદા જ લેવલનું સૅટિસ્ફૅક્શન થતું. તમે માનશો નહીં પણ કૉર્પોરેટ લાઇફના એ પ્રેશર વચ્ચે પૈસા સિવાય કંઈ નહોતું મળતું અને છ જ મહિનાના યોગટીચિંગ અનુભવમાં પૈસાની સાથે બહુ બધું સૅટિસ્ફૅક્શન પણ મળવાનું શરૂ થઈ ગયું છે એટલે હવે નક્કી કર્યું છે કે યોગને ક્યારેય હું છોડવાની નથી. આમાં તમે કોઈકના આશીર્વાદ મેળવો છો, તમને રિઝલ્ટ તમારી નજર સામે દેખાય છે અને સાથે તમે સ્વતંત્ર. તમે જ તમારા બૉસ હો અને કોઈ પણ જાતના ક્ષુલ્લક કક્ષાના ઑફિસ પૉલિટિક્સના ગંદવાડથી દૂર. બહુ પ્રામાણિકતા સાથે કહું છું કે હવે યોગને હું ક્યારેય નથી છોડવાની. અરે હું જ શું, એક વાર યોગના રંગમાં રંગાયેલી કોઈ વ્યક્તિ યોગને છોડી ન શકે.’

અઢળક ધંધાઓમાં નુકસાન કર્યું અને હિંમત હારી ગયેલો ત્યારે યોગ જીવનમાં આવ્યા અને યોગે મને તારી લીધો

ઘરમાં લેણદારો તમારો પીછો ન છોડતા હોય, ગુંડાઓ ઘરમાં આવતા હોય પણ તમારી પાસે નુકસાનીમાં ગયેલા પૈસા પાછા આપવાનો કોઈ રસ્તો ન હોય તો તમે શું કરો? કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના યોગશિક્ષક હરેશ મેવાડાએ બાવીસ વર્ષ પહેલાં આવા સંજોગોનો સામનો કર્યો છે. ફેવિકોલની ફૅક્ટરીથી લઈને બિલ બનાવવાના અને અન્ય જાતજાતના વ્યવસાય કર્યા પણ એકેયમાં તેમને નસીબે સાથ ન આપ્યો. ક્યાંક પાર્ટનરે દગો કર્યો તો ક્યાંક વેપારનો સમય ખોટો પુરવાર થયો. સ્થિતિ એવી આવી કે આલીશાન ઘર વેચીને કાંદિવલીમાં એક રૂમ-રસોડાના ભાડાના મકાનમાં રહેવા આવવું પડ્યું અને ત્યાં જ આસ્થા ટીવી પર આવતા બાબા રામદેવના યોગ થકી તેમનું જીવન બદલાઈ ગયું. એ વિશે વાત કરતાં હરેશભાઈ કહે છે, ‘કાંદિવલી આવ્યો ત્યારે હાથમાં કંઈ જ નહોતું. મારા ભાઈએ હજાર રૂપિયા ભાડામાં જગ્યા લઈ દીધેલી. ભાડું ભરવાના પૈસા પણ નહોતા. જેમ-તેમ ગાડું ચાલતું હતું એ દરમ્યાન આસ્થા ટીવી પર રામદેવ બાબાના યોગ જોઈને હું કરતો. ધીમે-ધીમે એમાં ઊંડો ઊતરતો ગયો અને વધુ ને વધુ જાણકારી એકઠી કરતો ગયો. જાતે પ્રૅક્ટિસ કરું એટલે અનુભવ પણ ઉમેરાયો. એવામાં એક વાર એવું બન્યું કે હું ગાર્ડનમાં ચાલવા ગયો ત્યારે અમુક લોકો પ્રાણાયામ કરતા હતા પણ કરવાની રીત ખોટી હતી. મેં તેમને સાચી રીત દેખાડી. ધીમે-ધીમે એવું થયું કે એ લોકોને મારી પાસે શીખવાની મજા પડવા માંડી અને મને તેમણે ત્યાં ટીચર તરીકે જ રહેવા કહ્યું. જોકે દસ વર્ષ સુધી મેં આ ગ્રુપ-ક્લાસ નિઃશુલ્ક લીધા. એ દરમ્યાન અમુક પ્રાઇવેટ ટ્યુશન્સ મળ્યાં અને એમાંથી મારું ઘર ચાલવા માંડ્યું. લેણદારોનું દેવું પણ ચૂકવતો ગયો અને ધીમે-ધીમે ગાડી પાટે ચડવા માંડી.’

હરેશભાઈએ યોગ-કોર્સની સાથે ઍક્યુપંક્ચર અને અન્ય થેરપીનો અભ્યાસ પણ કર્યો છે. તેમના ઘણા યોગ-સ્ટુડન્ટને ડિફિકલ્ટ કહી શકાય એવી બીમારીમાં રાહત મળી છે. તેઓ કહે છે, ‘જ્યારે કાંદિવલી શિફ્ટ થયો ત્યારે કંઈ જ કામ હાથમાં નહોતું. દોઢ વર્ષ સંપૂર્ણ ઘરે રહ્યો. એ ગાળામાં મને સંભાળવાનું કામ યોગે જ કર્યું એમ કહું તો ચાલે. નિષ્ફિકર થઈને કુદરતના ન્યાય પર ભરોસો રાખીને લોકોનું હિત થાય એટલું કરીએ એવો ભાવ મનમાં હતો અને પરિણામ સામે છે. મફતમાં જ્યાં શીખવવાનું શરૂ કર્યું હતું ત્યાં અત્યારે ત્રણ બૅચ ચાલે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. પ્રાઇવેટ ટ્યુશન્સમાં પણ એટલાં જ સારાં પરિણામ મળ્યાં છે. યોગ કલ્પવૃક્ષ સમાન છે. તમારી તમામ જરૂરિયાતો પૂરી કરી શકે એટલું સક્ષમ આધ્યાત્મિક વિજ્ઞાન છે.’

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2024 12:40 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK