જે લોકો નૅચરલી જ રાતના સમયે વધુ ઍક્ટિવ ફીલ કરતા હોય અને જેમને ઊંઘ ન આવતી હોય એવા લોકોને સવારે નવ વાગ્યે જૉબ પર પહોંચવાનું હોય
પ્રતીકાત્મક તસવીર
જે લોકો નૅચરલી જ રાતના સમયે વધુ ઍક્ટિવ ફીલ કરતા હોય અને જેમને ઊંઘ ન આવતી હોય એવા લોકોને સવારે નવ વાગ્યે જૉબ પર પહોંચવાનું હોય ત્યારે તેમને પૂરતી ઊંઘ મળી શકતી નથી. પરિણામે તેમને બ્રેઇન-ફૉગ થાય છે અને આવું લાંબા સમય સુધી ચાલે તો યાદશક્તિ નબળી પડી શકે છે
૨૪,૦૦૦ લોકોને લઈને કરવામાં આવેલી એક દાયકા લાંબી સ્ટડીમાં એવું જોવા મળ્યું છે કે રાત્રે મોડેથી સૂઈ જનારા અને સવારે નવ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીની જૉબ કરનારા લોકોમાં બ્રેઇન-ફૉગની સમસ્યા વધુ જોવા મળે છે. બ્રેઇન-ફૉગ એટલે ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થવી, વિચારવામાં સમય લાગવો, થાકનો અનુભવ થવો.
ADVERTISEMENT
કેટલાક લોકોને નૅચરલી જ મોડે સુધી જાગવાની આદત હોય છે. તેમની બાયોલૉજિકલ ક્લૉક અથવા તો સર્કાડિયન રિધમ જ એ પ્રકારે હોય છે. દરેક વ્યક્તિના શરીરની અંદર એક આંતરિક ઘડિયાળ હોય છે જે નક્કી કરે છે કે તમે ક્યારે જાગો, ક્યારે ઊંઘ આવે, ક્યારે શરીર ઍક્ટિવ હોય અને ક્યારે થાકેલું ફીલ કરે. કેટલાક લોકોની આ ઘડિયાળ નૅચરલી જ લેટ-શિફ્ટેડ હોય છે એટલે કે તેમને રાત્રે જલદી ઊંઘ આવતી નથી અને એ લોકો રાત્રે વધુ અલર્ટ અને ઍક્ટિવ ફીલ કરે છે. એવી વ્યક્તિનો જૉબનો સમય સવારે નવ વાગ્યાનો હોય તો એ લોકોએ સમયસર ઑફિસ પહોંચવા માટે જલદી ઊઠવું પડે છે - ભલે તેમની ઊંઘ પૂરી થઈ હોય કે ન થઈ હોય. એને કારણે પછી તેમને બ્રેઇન-ફૉગ ફીલ થાય છે.
લાંબા ગાળે આવા લોકોનો કૉગ્નિટિવ સ્કોર એટલે કે મગજની ક્ષમતા પણ ઘટી જતી હોવાનું તેમ જ ડિમેન્શિયા, ઑલ્ઝાઇમર્સ જેવી ભૂલવાની બીમારીનું જોખમ હોવાનું સ્ટડીમાં કહેવાયું છે. કૉગ્નિટિવ સ્કોર વ્યક્તિની માનસિક ક્ષમતાઓનો એક આંકડો હોય છે જે યાદ રાખવાની ક્ષમતા, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, નિર્ણય લેવાની શક્તિ, ભાષાની સમજ, સૂચનોને કેટલી ઝડપથી સમજો છો એ બધી વસ્તુ પરથી નક્કી થાય છે. કૉગ્નિટિવ ક્ષમતાની પડતીનાં અનેક કારણો હોય છે - જેમ કે ઉંમર વધવી, તનાવ, અપૂરતી ઊંઘ, આલ્કોહૉલનું સેવન, વિટામિન B12 અને Dની કમી, ખરાબ ડાયટ વગેરે.
શું કરી શકાય?
જે લોકો મોડી રાત સુધી વધુ ઍક્ટિવ રહે છે તેમનો એવો સ્વભાવ જિનેટિક હોઈ શકે. કેટલાક લોકોમાં આ આદત લાંબા સમય સુધી કામ કરતા રહેવાથી કે સ્ક્રીન સામે સમય પસાર કરવાને કારણે બની જાય છે. એટલે તમે એવી વ્યક્તિ છો જેને રાત્રે મોડેથી ઊંઘ આવતી હોય પણ નોકરીને કારણે સવારે વહેલા ઊઠવું પડતું હોય તો લાઇફસ્ટાઇલમાં અમુક બદલાવ કરીને બાયોલૉજિકલ ક્લૉકને ધીરે-ધીરે રીસેટ કરી શકાય છે. એ માટે તમારે દરરોજ એક જ સમયે સૂવાની અને ઊઠવાની આદત પાડવી પડશે. સૂવાના એક કલાક પહેલાં મોબાઇલ, લૅપટૉપ, ટીવીની સ્ક્રીનથી દૂરી બનાવી લેવી જોઈએ. સવારે સૂર્યનો પ્રકાશ લેવો જોઈએ અને દરરોજ થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ.

