જવાબ છે ના. સવારના ભાગનું શેડ્યુલ હેક્ટિક હોય ત્યારે શરીરની પ્રોટીનની કમી પૂરી કરવા માટે પ્રોટીન બાર ઉપયોગી થઈ શકે, પણ એ બ્રેકફાસ્ટને રિપ્લેસ ન કરી શકે. સંતુલિત આહાર સાથે પ્રોટીન બારનો ઉપયોગ આરોગ્યપ્રદ ગણાશે
પ્રતીકાત્મક તસવીર
એક સમય હતો જ્યારે સવારે હેવી બ્રેકફાસ્ટ શાંતિથી ખાવાનો સમય મળતો હતો અને આ દરમિયાન ઘરના સભ્યો સાથે પણ સવારના પહોરમાં સમય પસાર થતો, પણ હવે ઊઠતાંની સાથે મશીનની જેમ જૉબ પર જવાની ઉતાવળ હોય છે ત્યારે સવારના નાસ્તા માટેનો સમય ન મળતાં ઘણા લોકો તો નાસ્તો સ્કિપ કરી નાખે છે તો કોઈ ફૉઇલમાં લપેટીને લઈ જવાય એવો નાસ્તો લઈ લે છે અને રસ્તામાં ખાય છે. આવી આદત શરીરને બીમારીનું ઘર બનાવે છે. સમયની વ્યસ્તતા હોય અને સવારના સમયમાં નાસ્તો બનાવવાનો સમય ન હોય તો પ્રોટીન બાર બ્રેકફાસ્ટનો હેલ્ધી ઑપ્શન બની શકે છે. અત્યારના હેલ્થ-કૉન્શિયસ યુવાનો સવારના બ્રેકફાસ્ટ તરીકે પ્રોટીન બારની પસંદગી કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે એને ખાવા માટે અલગથી સમય કાઢવો પડતો નથી. મેટ્રોમાં હોય કે કૅબ અથવા રિક્ષામાં હોય, તેઓ આરામથી આ પ્રોટીન બારને આરોગી શકે છે. ૧૦થી ૧૫ ગ્રામનો પ્રોટીન બાર દરરોજ ખાવામાં આવે તો સ્વાસ્થ્યને અઢળક લાભ થાય છે એવું કહેવાય છે ત્યારે ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પાસેથી પ્રોટીન બારને બ્રેકફાસ્ટના વિકલ્પ તરીકે રાખવો કેટલી હદે યોગ્ય છે એના વિશે જાણીએ...
શા માટે બ્રેકફાસ્ટ જરૂરી?
ADVERTISEMENT
સવારે રાજા જેવો નાસ્તો, બપોરે રાજકુમાર જેવું ભોજન અને રાત્રે ગરીબ જેવું ભોજન સ્વાસ્થ્યને ફિટ ઍન્ડ ફાઇન રાખે છે એવું કહેવાય છે. આખા દિવસમાં સવારના નાસ્તાનું મહત્ત્વ પોષક તત્ત્વોના મામલે સૌથી વધારે હોય છે, કારણ કે એને લીધે જ શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. સવારની મીટિંગ હોય એ વખતે ભલે લોકો કૉફી કે ચા જેવાં પીણાં પર આધાર રાખતા હોય, પણ તમારી ઊર્જાનું સ્તર કેવું છે એ સવારના નાસ્તા પરથી જ નક્કી થાય છે. સવારની ભાગદોડમાં નાસ્તો સ્કિપ કરવાથી લાંબા ગાળે સ્થૂળતા અને ડાયાબિટીઝની બીમારીઓ થવાનું જોખમ વધે છે અને ચયાપચયની ક્રિયા પણ નબળી પડે છે. પોષણયુક્ત હેવી બ્રેકફાસ્ટ કરવાથી એમાંથી મળતાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ મગજ અને શરીરની એકંદર ઊર્જાને વધારવામાં અને શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે અને આનાથી સવારે આવતી સુસ્તી પણ દૂર ભાગે છે અને આખો દિવસ એનર્જેટિક રહે છે.
બેટર ધૅન નો બ્રેકફાસ્ટ
સવાર-સવારમાં નોકરિયાત લોકોને ઑફિસ જલદી પહોંચવાની ઉતાવળ હોય છે તો સ્કૂલ-કૉલેજમાં ભણતાં બાળકોને ટાઇમસર ત્યાં પહોંચવાનો ટાર્ગેટ હોય છે અને એમાં બ્રેકફાસ્ટને સૌથી વધુ લોકો સ્કિપ કરતા હોય છે, પરિણામે શરીરને પ્રોટીન જોઈએ એટલું મળતું નથી આખો દિવસ સુસ્તીભર્યો રહે છે. કંઈ ન ખાવા કરતાં કંઈક ખાવું બેટર છે અને એટલે જ પ્રોટીન બાર ઇઝ બેટર ધૅન નો બ્રેકફાસ્ટ. એ બ્રેકફાસ્ટને રિપ્લેસ કરી શકે નહીં, પણ જ્યારે પ્રૉપર બ્રેકફાસ્ટ કરવાનો સમય ન હોય ત્યારે પ્રોટીન બાર ખાવો સારું છે, પણ એને બ્રેકફાસ્ટના ઑપ્શન તરીકે રાખવું યોગ્ય નથી.
હેલ્ધી પ્રોટીન બાર કોને કહેવાય?
પ્રોટીન બાર અત્યારે એટલા પૉપ્યુલર બન્યા છે કે કરિયાણાની દુકાનો અને ઝેપ્ટો, બ્લિન્કઇટ અને ઇન્સ્ટામાર્ટ પર સહેલાઈથી મળી રહે છે. તેથી ઘણા લોકો પ્રોટીન બારને બ્રેકફાસ્ટનો વિકલ્પ માનવા લાગ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી એની ડિમાન્ડ વધતાં ઘણી બ્રૅન્ડ્સ હેલ્ધી પ્રોટીન બાર વેચી રહી છે, પણ એ હેલ્ધી છે કે નહીં એ જાણવા માટે પૅકેજિંગ પર લખેલા ઇન્ગ્રીડિઅન્ટ્સ અને પ્રોટીનના પ્રમાણને જોવું જરૂરી છે. એમાં પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફૅટ હોય, શુગરનું પ્રમાણ ઓછું હોવાની સાથે પ્રિઝર્વેટિવ્સ પણ ઓછાં હોય એવા પ્રોટીન બારને હેલ્ધી ગણવામાં આવે છે. આ પ્રોટીન બારમાં પ્રોટીનનું પ્રમાણ ૧૨ ગ્રામ કરતાં વધુ, ૧૦ ગ્રામ ફાઇબર અને ફૅટનું પ્રમાણ ૧૦ ગ્રામ કરતાં ઓછું ન હોવું જોઈએ નહીં તો એ પ્રોટીન બારને બદલે ફૅટબાર બની જશે. શરીરને પ્રોટીન મળવાને બદલે ફૅટ મળશે અને ભવિષ્યમાં ઓબેસિટીની સમસ્યા થશે. જોકે કેટલીક બ્રૅન્ડ્સનાં ઇન્ગ્રીડિઅન્ટ્સમાં ખજૂર અને મધ લખેલાં હોય છે, પણ એમાં ઍડિશનલ શુગર નખાતી હોય છે જે પ્રોટીન બારને હેલ્ધી બનાવતી નથી. જે પ્રોટીન બાર આ ન્યુટ્રિશનલ જરૂરિયાત પૂરી નથી કરતા એવા પ્રોટીન બાર શુગર-લેવલ સ્પાઇક કરશે. ડાયાબિટીઝના દરદીઓ માટે એ નુકસાનકારક સાબિત થશે. આ ઉપરાંત કોઈને પ્રોટીનનાં ન્યુટ્રિઅન્ટ્સથી ઍલર્જી હોય એવા લોકોને પણ એનું સેવન ન કરવાની સલાહ અપાય છે.
હેલ્થ-બેનિફિટ્સ
જો તમારી મૉર્નિંગ વ્યસ્ત હોય તો શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવા માટે પ્રોટીન બાર બેસ્ટ છે. એમાંથી પ્રોટીનનો સારો સ્રોત મળવાની સાથે ગુડ ફૅટ અને કાર્બોહાઇડ્રેટ પણ મળે છે જે શરીરને ઊર્જા પૂરી પાડે છે. દિવસમાં ૧૦થી ૧૫ ગ્રામનો જ પ્રોટીન બાર ખાવો જોઈએ. ૯૯ ટકા પ્રોટીન બારમાં વે પ્રોટીન હોય છે તેથી જો એક પ્રોટીન બાર ખાઈ જશો તો પેટ ભરેલું લાગશે અને વારંવાર ભૂખ નહીં લાગે. એક પ્રોટીન બારમાંથી શરીરને સરેરાશ ૧૫૦ જેટલી કૅલરી મળે છે જે શરીર માટે સવારના સમયે પૂરતી છે. મુંબઈ જેવા શહેરમાં નોકરી ભલે બૅક ઑફિસની હોય પણ ટ્રેનના ધક્કા ખાઈને ઑફિસ સુધી પહોંચવા માટે પણ શરીરને મહેનત કરવી પડે છે અને એમાં કૅલરી બર્ન થઈ જાય છે તો આવા સમયે પ્રોટીન બાર પ્રોટીનની કમી પણ પૂરી કરશે અને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપશે. પ્રોટીનનું કામ મસલ્સ બિલ્ડઅપ કરવાનું હોય છે. ખાસ કરીને જો તમારી ફિઝિકલ ઍક્ટિવિટી વધુ હોય એટલે કે જિમમાં જતા હો કે પછી યોગ કે કસરત કરતા હો તો પ્રોટીન બારનું સેવન મસલ-લૉસ થવા દેતું નથી અને વજન ઘટાડવામાં મદદ કરે છે. એનો ઇન્ટેક કેટલો હોવો જોઈએ એ વ્યક્તિની ડાયટ અને તેની હેલ્થ પર ડિપેન્ડ કરે છે. આમ તો ૮થી ૮૦ વર્ષના લોકો દરરોજ દિવસમાં ૧૦થી ૧૫ ગ્રામ જેટલો પ્રોટીન બાર ખાઈ શકે છે. ડાયાબિટીઝ હોય એવા દરદીઓ પણ ૧૦ ગ્રામને બદલે પાંચ ગ્રામ ખાય તો એ શુગર-લેવલ નિયંત્રણમાં રાખે છે અને પ્રોટીનની કમીને પૂરી કરે છે. પ્રોટીન બાર આમ તો ખાલી પેટે ખાઈ શકાય પણ જો ચા, કૉફી કે દૂધ સાથે પીવામાં આવે તો સારું રહેશે. ઘણા લોકો સવારે બ્રેકફાસ્ટમાં પૌંઆ, થેપલાં, રોટલી અને પરોઠાં ખાય છે. એમાં કોઈ પ્રોટીન હોતું નથી. જેમાંથી પ્રોટીન ન મળે એની સાથે પ્રોટીન બાર ખાવામાં આવે તો પણ સારું કહેવાય.
ખાઓ મગર ધ્યાન સે
કોઈ પણ ખાદ્ય પદાર્થનું સેવન મર્યાદામાં કરવામાં આવે તો એ ફાયદા આપે છે, પણ જોકે એ ગમે એટલો હેલ્ધી હોય તોય એનું અતિસેવન શરીરને નુકસાન કરે છે. દિવસમાં ત્રણથી ચાર પ્રોટીન બાર ખાઈ જવાથી કિડની પર ભાર આવે છે અને લાંબા ગાળે કિડની સંબંધિત સસ્યાઓ થઈ શકે છે. સોયા આધારિત પ્રોટીન ઘણા બારમાં હોય છે જેનું અતિસેવન હૉર્મોનલ ઇમ્બૅલૅન્સનું કારણ બની શકે છે. ઘણા બારમાં ફાઇબર ઓછું હોય છે અને પાચનતંત્ર પર એનું ભારણ વધે છે, પરિણામે ગૅસ અને અજીર્ણ જેવી સમસ્યાઓ થાય છે. ઘણા બારમાં ફૅટ અને શુગરનું પ્રમાણ વધુ હોય છે જે તમારી હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક બારમાં આર્ટિફિશ્યલ સ્વીટનર્સ હોય છે જે ઍલર્જીનું કારણ બની શકે છે.
ઘરે બનાવો પ્રોટીન બાર
ઘરે હેલ્ધી પ્રોટીન બાર બનાવવા માટે એક કપ ઓટ્સ, ખજૂરની પાંચ પેશી, બે ચમચી મધ, એક ચમચી ચિયા સિડ્સ, એક ચમચી કોકો પાઉડર અને બે ચમચી વે પ્રોટીન પાઉડર લો. આ બધું જ એક બાઉલમાં મિક્સ કરો અને જો કમ્બાઇન ન થાય તો એક ચમચી ઘી નાખો અને એના નાના લાડુ વાળીને ફ્રિજમાં રાખી દો. જો લાડુના શેપમાં ન ખાવું હોય તો એક મોટી થાળીમાં પાથરીને ફ્રિજમાં સેટ થવા દો અને પછી એને બારના શેપમાં કટ કરીને ખાઈ શકાય. આ પ્રોટીન બાર એક અઠવાડિયા સુધી બગડશે નહીં. જેને સવારના સમયનો અભાવ હોય તે રવિવારે આખા અઠવાડિયાના પ્રોટીન બાર બનાવીને સ્ટોર કરી શકે છે.

