Health Funda: ન્યુ યર પાર્ટીમાં ફૂડમાં ટેસ્ટની સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું એટલું જ જરુરી છે ત્યારે જો તમે પાર્ટી હોસ્ટ કરવાના હોવ તો આ હેલ્ધી રેસિપી ટ્રાય કરજો; એટલું જ નહીં ન્યુ યરની પાર્ટીમાં તમે ગેસ્ટ હોવ તો પણ હેલ્ધી ફૂડ ચોઇસ ફૉલો કરી શકો છો
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
‘હેલ્થ ફંડા’ ના ગત એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષીએ શિયાળામાં ડિહાઇડ્રેશનના ભય અને આ ઋતુમાં પણ પાણી પીવાનું કેટલું મહત્વ છે તે વિશે ચર્ચા કરી હતી હવે આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે કે, ન્યુ યર સેલિબ્રેશન કે પાર્ટીને હેલ્ધી કઈ રીતે બનાવશો. ન્યુ યર પાર્ટી મેનુમાં હેલ્ધી પણ ટેસ્ટી રેસિપી શું બનાવવી તો ચોક્કસ આ આર્ટિકલ વાંચજો.
ADVERTISEMENT
વર્ષ ૨૦૨૫ ને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ન્યુ યર ૨૦૨૬ (New Year 2026) ની તૈયારીઓ લગભગ શરુ થઈ ગઈ છે. ન્યુ યર સેલિબ્રેશન સામાન્ય રીતે મોડી રાત સુધી પાર્ટી, ડિનર પાર્ટી, જાત-ભાતના ભોજન, તળેલા નાસ્તા અને ચીઝી વાનગીઓ સાથે થાય છે. ન્યુ યર પાર્ટીઓમાં મોટેભાગે જંક ફૂડ અને દારુ હોય જ છે. પાર્ટીમાં દારુ અને ભોજનનો આનંદ માણ્યા બાદ કે ઓવર ઇટીંગ કર્યા બાદ બ્લોટેડ ફીલ થાય છે અને પછી બીજા દિવસે ગિલ્ટ ટ્રીપ પર પહોંચી જવાય છે.
પરંતુ જો આ વખતે આપણે તે અભિગમ બદલીએ તો શું? જો આપણે આ નવા વર્ષમાં મહેમાનો માટે સ્વસ્થ પાર્ટી મેનુનું આયોજન કરીએ - જે ઉત્સવપૂર્ણ લાગે, સ્વાદિષ્ટ પણ હોય અને છતાં પણ દરેકને હળવાશ અને તાજગી અનુભવવા દે?
જ્યારે લોકો "હેલ્ધી ફૂડ મેનુ" આ શબ્દ સાંભળે છે ત્યારે ધારી લે છે કે, આ મેનુમાં કંટાળાજનક સલાડ, સૂકા નાસ્તા અને સ્મૂધી હશે. આ મેનુ તો ઉજવણી કરતાં વધુ ડાયેટ ફૂડ જેવું લાગે છે. પરંતુ ભારતીયોના રસોડામાં બનતા ફૂડની વાત કરીએ તો અહીં અનેક રંગબેરંગી મસલા ઉપલબ્ધ હોય છે જેને કારણે "હેલ્ધી ફૂડ મેનુ" જરાય બોરિંગ નથી લાગતું. આપણા રસોડામાં જ નજર કરીએ તો, રંગીન, સ્વાદિષ્ટ અને ઉત્સવપૂર્ણ પણ પોષણથી ભરપુર મેનુ આરામથી તૈયાર કરી શકીએ છીએ.
થોડી ક્રિએટીવીટી સાથે, એવી વાનગીઓ બનાવીએ જે તહેવારનો આનંદ પીરસે, પાચનને ટેકો આપે છે અને મહેમાનોને ગિલ્ટ ફ્રી અને આરામદાયક લાગણી અનુભવવા દે છે.
સ્વાદિષ્ટ, સુંદર અને અદ્ભુત રીતે સ્વસ્થ હોય તેવું પાર્ટી મેનુ તૈયાર કરવા માટે આ આઇડિયા અપનાવજોઃ
૧. સ્ટાટર્સમાં કરો આ ટ્રાય
- હમ્મસ ટ્રાયો વિથ કલરફુલ વેજીસ એન્ડ મિલેટ્સ ક્રેકર્સ
બીટ હમ્મસ, ક્લાસિક ચણા અને શેકેલા લસણનું હમ્મસ. જે પ્રોટીન અને ફાઇબર આપે છે સાથે જ રંગબેરંગી ફીલ પણ આપે છે.
- પનીર ટિક્કા બાઇટ્સ
દહીં, હળદર, કસુરી મેથી અને સરસવના તેલમાં મેરીનેટ કરેલ પનીર ટિક્કા બાઇટ્સ બનાવો. આ એકદમ ગિલ્ટ ફ્રી રેસિપી છે.
- ઢોકલા સેન્ડવીચ બાઇટ્સ
પરંપરાગત ખમણ ઢોકલા પનીરના ટુકડા અને ગાજર, કેપ્સિકમ જેવા કેટલાક બારીક સમારેલા શાકભાજીથી ભરીને લીલી ચટણી લગાડી સેન્ડવીચ બાઇટ્સ બનાવો.
૨. સલાડને ઇન્ટરસ્ટિંગ બનાવો
- કાકડી સેન્ડવિચ બાઇટ્સ
કાકડીના ટુકડા પર દહીં લગાડી ઉપર ફુદીના અને કોથમીર ભભરાવી સેન્ડવિચ બાઇટ્સ બનાવી શકો છો.
- ફ્રુટ એન્ડ નટ સ્કીવર્સ
સલાડ-ઓન-એ-સ્ટીક જેમાં અનાનસ, દ્રાક્ષ અને બદામ જેવા ફ્રુટ એન્ડ નટ મુકીને સ્કીવર્સ બનાવો.
- વિયેતનામીસ સમર રોલ્સ
ગાજર, કાકડી અને કોબી જેવા તાજા શાકભાજી, ચોખાના કાગળમાં લપેટીને, મસાલેદાર મસ્ટર્ડ ડીપ લગાડીને ઠંડું જ સર્વ કરો.
૩. મેઇન કોર્સને બનાવો પૌષ્ટિક પણ મજેદાર
- થાઇ કરી અને સ્ટીમ રાઇસ
કોકોનટ મિલ્કમાં બનાવેલી રેડ કે ગ્રીન થાઇ કરી ફેટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. જેનાથી પોષણ પણ મળે છે અને પેટ પણ ભરાય છે. જે સ્ટીમ રાઇસ સાથે એકદમ ટેસ્ટી લાગે છે.
- શક્કરિયા અને પનીર બિરયાની
પરંપરાગત બિરયાનીમાં હેલ્ધી વળાંક આપવા માટે શક્કરિયા અને પનીર ઉમેરો. જે ગ્લાયકેમિક ઇન્ડેક્સ કોમ્પ્લેક્સ કાર્બ ફૂડ તરીકે કામ કરે છે અને ભરપૂર શાકભાજીની સાથે પ્રોટીન માટે પનીર છે.
- ક્વિનોઆ મેક્સીકન બુરીટો બાઉલ
ગુઆકામોલ, સાલસા અને હંગ કર્ડ સાર ક્રીમ સાથે ક્વિનોઆ શાકભાજીનો બાઉલ પણ એક ઉત્તમ અને પૌષ્ટિક ઓપ્શન છે.
૪. ડેઝર્ટ બનાવો લાઇટ
- નો-બેક સ્ટ્રોબેરી ચિયા ટાર્ટ્સ
ઓટ્સ, બદામ અને ખજૂરમાંથી બનાવેલા ટાર્ટ્સને, ઘરે બનાવેલા સ્ટ્રોબેરી-ચિયા સીડ્સનું મિશ્રણ કરીને બનાવો.
- મખાના ફ્રૂટ કસ્ટર્ડ
ફ્રૂટ કસ્ટર્ડનું હળવું સંસ્કરણ જેમાં મીઠાશવાળા કસ્ટર્ડ પાવડરને બદલે મધનો ઉપયોગ થાય છે. શેકેલા મખાના અને કાજુનો ઉપયોગ ફ્રૂટ કસ્ટર્ડને ઘટ્ટ કરવા માટે થાય છે.
- ચોકલેટ રાસ્પબેરી બાઇટ્સ
છૂંદેલા રાસ્પબેરી અને ચિયા બીજના મણને ડાર્ક ચોકલેટમાં કોટિંગ કરીને બનાવવામાં આવતી પાંચ ઘટકોની ફ્રોઝન ટ્રીટ.
૫. જ્યુસમાં પણ હેલ્ધી ઓપ્શન
સોડા અને પેકેજ્ડ જ્યુસને બદલે હેલ્ધી ઓપ્શન્સ રાખી શકો.
- તાજો લીંબુનો રસ
- ફ્રેશ ફ્રુટ જ્યુસ
- ડિટોક્સ વોટર
આ પીણાં તાજગી આપનાર, હાઇડ્રેટિંગ અને પાચન માટે અનુકૂળ હોય છે.
ન્યુ યર સેલિબ્રેશનની એક નવી જ રીત
એક સારી ન્યુ યર પાર્ટી મહેમાનોને અસ્વસ્થતા નહીં, પણ ખુશી આપે તેવું તમે કરો. યોગ્ય ઘટકો અને સરળ, સ્માર્ટ રસોઈ સાથે, તમારા ટેબલ પર એવો ખોરાક પીરસવામાં આવી શકે જે સ્વાદિષ્ટ પણ હોય અને સાથે જ પૌષ્ટિક પણ. તમારા ન્યુ યર સેલિબ્રેશનમાં હેલ્ધી ટચ એ જ તમાRi યુનિક ઓળખ બને તેવું કંઈક કરો. જેથી ગેસ્ટ પણ કહે, ‘હેલ્ધી છે અને ટેસ્ટી પણ!.’
હા, તો તમારી ન્યુ યર પાર્ટીમાં આ મેનુ ચોક્કસ ટ્રાય કરજો.
આપણે ફરી મળીશું નવા વર્ષે. બધાને હેલ્ધી અને હેપ્પી ન્યુ યર.
(શબ્દાંકનઃ રચના જોષી)


