વિચારોના ઝરણાની બાજુમાં બેસીને પ્રતીક્ષા કરો, અશુદ્ધિઓ આપમેળે તળિયે બેસી જશે. ધ્યાન કરવા પાછળનો હેતુ આ જ છે
પ્રતીકાત્મક તસવીર
એક બહુ જાણીતી કથા છે. એક વાર ગૌતમ બુદ્ધ શિષ્ય આનંદ સાથે એક ગામેથી બીજા ગામે પગપાળા જઈ રહ્યા હતા. ઉનાળાનો દિવસ હતો. વૃદ્ધ થઈ ગયેલા બુદ્ધને ચાલતાં- ચાલતાં તરસ લાગી. તેમનું ગળું સુકાવા લાગ્યું. તેમણે આનંદને કહ્યું, ‘મારે પાણી પીવું છે. ત્રણેક કિલોમીટર પહેલાં રસ્તા પરથી પસાર થતું પાણીનું એક ઝરણું આપણે જોયેલું. ત્યાં પાછા જઈને તારે પાણી લઈ આવવું પડશે. તકલીફ બદલ ક્ષમા.’
આ સાંભળીને આનંદે કહ્યું, ‘એમાં તકલીફ શેની? તમારી સેવા કરવી એ તો મારી ધન્યતા છે. તમે અહીં આ વૃક્ષ નીચે આરામ કરો, હું હમણાં તમારા માટે પાણી લઈને આવું.’ એટલું બોલીને આનંદ પાણી લેવા માટે પાછા વળ્યા.
ADVERTISEMENT
થોડા જ સમય પહેલાં રસ્તામાં જોયેલા એ ઝરણાનું એક્ઝૅક્ટ લોકેશન આનંદને ખબર હતી. હજી હમણાં જ તો તેઓ ત્યાંથી પસાર થયેલા. અને જ્યારે તેઓ ત્યાંથી પસાર થયેલા ત્યારે ઝરણાનું પાણી એકદમ નિર્મળ અને સ્વચ્છ હતું પણ આનંદ જ્યારે ત્યાં પાછા પહોંચ્યા ત્યારે એ પાણી કાદવયુક્ત, મલિન અને ગંદું થઈ ગયેલું. એ રસ્તા પરથી કોઈ બળદગાડું પસાર થવાને કારણે ભીની માટી સપાટી પર આવી ગયેલી. બળદગાડાનાં પૈડાં સાથે ચોંટેલી ધૂળ અને પાંદડાં પણ એ પાણીમાં ભળી ગયેલાં. આવું ગંદું પાણી બુદ્ધને કઈ રીતે પીવડાવવું એવું વિચારીને આનંદ પાણી લીધા વગર પાછા ફર્યા.
બુદ્ધ પાસે આવીને તેમણે આ હકીકત સંભળાવી. તેમણે કહ્યું, ‘આમ વાત છે. એટલે હું પાણી ન લાવી શક્યો. પણ તમે ચિંતા ન કરો, થોડે આગળ એક મોટી નદી આવે છે. હું ત્યાંથી પાણી લઈ આવીશ.’
બુદ્ધે જીદ પકડી, ‘ના. મારે તો એ ઝરણાનું જ પાણી પીવું છે. તું પાછો જા અને એ જ પાણી લઈ આવ.’
ગુરુની આજ્ઞાનું પાલન તો કરવું જ પડે. એટલે આનંદ ખૂબ બધા ખચકાટ સાથે કમને એ ઝરણા પાસે પાછા ફર્યા. અને તેમણે શું જોયું? પાણી ફરી પાછું સ્વચ્છ અને ચોખ્ખું થઈ રહ્યું હતું. પાણીના સતત પ્રવાહને કારણે પાંદડાં વહી ગયેલાં અને ધૂળ-માટી ધીમે-ધીમે નીચે તરફ સ્થાયી થઈ રહેલાં હતાં. ગુરુનો સંદેશ આનંદ પામી ગયા. તેઓ થોડી વાર ત્યાં જ બેસી રહ્યા અને ધૂળ-માટી સંપૂર્ણ બેસી જવાની રાહ જોતા રહ્યા. થોડી ક્ષણો બાદ તેઓ એ જ ઝરણામાંથી શુદ્ધ પાણી લઈને પાછા ફર્યા. આનંદના ચહેરા પર રહેલું સ્મિત જોઈને બુદ્ધે પૂછ્યું, ‘કાંઈ શીખ મળી?’ આનંદે જવાબ આપ્યો, ‘હા, મારે રાહ જોવાની જરૂર હતી.’
બસ, આપણે આ જવાબ સાચવીને રાખવાનો છે. આનંદની જેમ જો આપણને પણ વહેલી-મોડી એ સમજણ આવી જાય કે ‘મારે રાહ જોવાની જરૂર હતી’, તો આપણે ભાગ્યશાળી છીએ. આપણા જીવનમાં કોઈ બુદ્ધ નથી આવવાના! પણ બુદ્ધ એ કોઈ વ્યક્તિ નથી, એ અવસ્થા છે. એક એવી પ્રજ્ઞાવાન અવસ્થા જ્યાંથી જીવનના દરેક રૂપરંગ સ્પષ્ટ જોઈ શકાય છે. આપણા દરેકના જીવનમાં બુદ્ધની આ કથા બહુ ઊંડે સુધી જાય છે. જો આ કથાનો સાર અને હેતુ સમજાય તો જીવનની મોટા ભાગની સમસ્યાઓ આપમેળે ઊકલી જાય. પણ વ્યક્તિગત રીતે આ કથાની સૌથી વધુ ઉપયોગિતા મને માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં સમજાઈ છે.
વિચારોના ઝરણાની બાજુમાં બેસીને પ્રતીક્ષા કરો, અશુદ્ધિઓ આપમેળે તળિયે બેસી જશે. ધ્યાન કરવા પાછળનો મુખ્ય હેતુ આ જ છે. Stillness. શાંત પ્રતીક્ષા. અવલોકન. ચૈતન્યના કાંઠા પર બેસીને મનની સપાટી પર તરતાં પાંદડારૂપી વિચારો અને ધૂળ-માટી જેવાં ઇમોશન્સને શાંતિથી જોયા કરો. થોડા સમય સુધી કશું જ ન કરો. કોઈ ઍક્શન ન લો. ધીમે-ધીમે બધું આપમેળે સ્થાયી થઈ જશે.
આપણા શાંત, સ્થિર અને સ્વચ્છ જીવતરમાં ઉદ્ભવતી અનિચ્છનીય ઘટનાઓ કે પરિસ્થિતિઓ પેલા બળદગાડાની જેમ ઘણીબધી મલિનતા કે અશુદ્ધિઓ ઉમેરતી જાય છે. માંડ તળિયે બેસેલાં ઇમોશન્સ ફરી સપાટી પર આવે છે. ભૂતકાળની યાદોનાં કોઈ પર્વતમાંથી તણાઈને આવેલાં પાંદડાં મનના જળને ડહોળી નાખે છે. એ અશાંત અને અસ્વસ્થ અવસ્થા ન તો પીવાલાયક હોય છે, ન તો જીવવાલાયક. શાંતિના તરસ્યા આપણે પછી શુદ્ધ પાણીની શોધમાં ભટક્યા કરીએ છીએ. પણ હકીકતમાં એ સમયે ક્યાંય જવાનું હોતું નથી, ફક્ત ત્યાં જ બેસીને ‘ધ્યાન’ ધરવાનું હોય છે.
આપણને પજવતો કોઈ વિચાર કે ભાવ કાયમી નથી હોતો. એ કાં તો વહી જાય છે અથવા તો તળિયે બેસી જાય છે પણ એ માટે રાહ જોવી આવશ્યક છે.
આપણી અંદર રહેલા બુદ્ધને આપણે દરેકે પાણી પાવાનું છે, પણ એ માટે સાક્ષીભાવે મનના પ્રવાહની બાજુમાં બેસવું જરૂરી છે. મન અને વિચારોની ગતિશીલતા પર વિજય મેળવવા માટે ધ્યાનસ્થ થયેલા ચિત્તની સ્થિરતા જરૂરી છે. મનની અસ્થિરતાથી ત્રસ્ત થઈને ભાગદોડ કરવાને બદલે જો આપણે સ્થિર થઈને પ્રતીક્ષા કરીએ છીએ તો અશુદ્ધિઓ આપમેળે તળિયે બેસતી જાય છે. એક ઝેન કહેવત મારી પ્રિય છે, ‘તમારે દરરોજ વીસ મિનિટ ધ્યાન કરવું જોઈએ. જો તમે વધુપડતા વ્યસ્ત રહેતા હો તો એક કલાક કરવું.’


