જીવનના મોટા નિર્ણયો લેવામાં મૂંઝવણ અનુભવવાનું સ્વાભાવિક છે. લાંબા ગાળે લાભ મળે એવા નિર્ણય લેવા થોડા મુશ્કેલ હોય છે ત્યારે આ ફૉર્મ્યુલા તમારું કામ ઈઝી કરશે
૧૦-૧૦-૧૦ની ફૉર્મ્યુલા ક્વિક ડિસિઝન લેવામાં મદદ કરશે
નિર્ણય લેવાની ક્ષમતા બધામાં જ હોય છે પણ એ નિર્ણય સાચો લેવાયો છે કે નહીં એ સમય બતાવે છે. ઘણી વાર એવી પરિસ્થિતિ આવી જાય છે કે ક્વિક ડિસિઝન લેવો પડે છે અને એ દરમિયાન સમય લેવામાં આવે તો કદાચ સ્થિતિ વણસી જાય છે અને ઉતાવળમાં લેવાયેલા નિર્ણયની નકારાત્મક સાઇડ-ઇફેક્ટ્સ જોવા મળે છે. અમુક કેસમાં તો નિર્ણય લેવામાં જો વધુ સમય લાગે તો એ ઓવરથિન્કિંગમાં પરિવર્તિત થઈ જાય છે અને આ પ્રોસેસ દરમિયાન સ્ટ્રેસનો અનુભવ થાય છે, પરિણામે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. તેથી લાઇફના કોઈ પણ તબક્કામાં ઍક્યુરેટ નિર્ણય લેવા હોય તો એના માટે ૧૦-૧૦-૧૦ ફૉર્મ્યુલાની ટેસ્ટ અજમાવી શકાય છે.
કઈ રીતે કામ કરે?
ADVERTISEMENT
જ્યારે તમારે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવો હોય અને ખાસ કરીને ત્યારે જ્યારે નિષ્ફળતાનો ડર તમને સતાવતો હોય ત્યારે ૧૦-૧૦-૧૦ની ફૉર્મ્યુલા તમને નિર્ણય લેવામાં મદદ કરશે. આ માટે તમારે તમારી જાતને સવાલ પૂછવા પડશે. પહેલો એ કે જો તમે ધારેલો નિર્ણય લઈ લો તો ૧૦ સપ્તાહ પછી એની અસર કેવી હશે અને તમને શું લાગશે. બીજો પ્રશ્ન એ છે કે ૧૦ મહિના પછી એ તમારા જીવનમાં કયા સકારાત્મક બદલાવ લાવી શકે છે. અને ત્રીજો પ્રશ્ન એ છે કે તમે લીધેલા નિર્ણયની અસર તમે અને તમારી સાથે સંકળાયેલા લોકો પર સકારાત્મક રહેશે કે નહીં. આ ત્રણ પ્રશ્નો તમારી નિર્ણય લેવાની ક્ષમતાને સુધારશે. આમાં એવું બની શકે છે કે નિર્ણય લીધાના ૧૦ મિનિટ, ૧૦ દિવસ અને ૧૦ સપ્તાહ સુધી એ તમને ઉત્સાહિત રાખશે અને સાથે નવા ચેન્જને સ્વીકારવામાં થોડી મુશ્કેલી પણ થશે; પણ સમય જતાં એ તમારા જીવનને વધુ સારું બનાવશે. ધારો કે તમે વર્ષોથી એક કંપનીમાં કામ કરી રહ્યા છો અને એ દરમિયાન એના કરતાં પણ વધુ સારી કંપનીમાંથી ઑફર આવી. એમાં ગ્રોથ થવાની શક્યતા પણ દેખાય છે પણ જૂના વાતાવરણમાં કમ્ફર્ટ સાથે કામ કરવાની આદત અને કલીગ્સ સાથેના ભાવનાત્મક જોડાણને કારણે નવી નોકરીની તક સ્વીકારવી કે નહીં એનો નિર્ણય લેવો અઘરો લાગે છે. આ સમયે તમે ૧૦-૧૦-૧૦ની ફૉર્મ્યુલા અપનાવશો તો ઘણી મદદ મળશે. કઈ રીતે? જો તમે નોકરીની તક નહીં સ્વીકારો તો એ જ જગ્યાએ રહેશો, કોઈ નવી ચીજ કે નવા વાતાવરણમાં કંઈ શીખી શકશો નહીં; પણ જો તમે આ ફૉર્મ્યુલાને અપનાવીને પોતાની જાતને આ ત્રણ સવાલ કરશો તો તમારા માઇન્ડને ક્લૅરિટી મળશે અને વિકાસના પંથે આગળ વધવામાં તકલીફ નહીં આવે. આ ફૉર્મ્યુલા ફક્ત નોકરી માટે જ નહીં પણ સંબંધો, ફાઇનૅન્સ અને આરોગ્ય માટે પણ લાગુ પડશે. તમારું ફોકસ તાત્કાલિક મળતા આનંદ કરતાં લાંબા ગાળાના લાભ પર જશે અને ભાવનાત્મક સ્ટ્રેસમાં પણ વિચારશીલ રહીને સાચા ડિસિઝન લઈ શકાશે.

