Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એકલા-એકલા ખાય એને ગાલપચોળિયાં થાય

એકલા-એકલા ખાય એને ગાલપચોળિયાં થાય

30 April, 2024 10:59 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

મમ્પ્સ તરીકે જાણીતો વાઇરલ ફીવર ઘણાં વર્ષો પછી ફરી આતંક મચાવી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આમ તો વહેંચીને ખાતાં શીખવવાની સંસ્કૃતિના ભાગરૂપે આ કહેવત પ્રચલિત હતી, બાકી એને ખરા અર્થમાં ગાલપચોળિયાના તાવ સાથે કંઈ જ લેવાદેવા નથી. મમ્પ્સ તરીકે જાણીતો વાઇરલ ફીવર ઘણાં વર્ષો પછી ફરી આતંક મચાવી રહ્યો છે. ગયા વર્ષના અંતમાં મુંબઈમાં અને હાલમાં કેરળ અને દિલ્હીમાં હજારોની સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે જાણીએ આ રોગ કેમ થાય છે અને એની સાઇડ-ઇફેક્ટ્સથી બચવા માટે શું થઈ શકે એ

છેલ્લા બે મહિનામાં કેરળમાં અગિયાર હજારથી વધુ અને દિલ્હીમાં પંદર હજારથી વધુ જેના કેસ નોંધાયા છે એવો ગાલપચોળિયાંનો રોગ ભારતમાં ફરી આતંક મચાવી રહ્યો છે. કોરોનાકાળની જેમ આ ફીવર પૅન્ડેમિક ભલે ન હોય, પણ જો આ રોગમાંય આઇસોલેશન પાળવામાં આવે તો આ રોગને ફેલાવાથી ચોક્કસ રોકી શકાય છે. અત્યારે દેશમાં ગાલપચોળિયાંના હૉટસ્પૉટ્સ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, તામિલનાડુ અને રાજસ્થાન છે. અત્યારે સળગતો સવાલ એ છે કે દરેક બાળકને મમ્પ્સ, મીઝલ્સ અને રુબેલા એટલે કે MMR એમ ત્રણ રોગોની રસીઓ સાથે જ અપાય છે, એમ છતાં શા માટે આ ચેપ લાગે છે? એવું શું થાય છે કે એક વાર વૅક્સિન આપ્યા પછી પણ બાળકોને આની અસર થાય છે અને ત્યાં સુધી કે વયસ્કો પણ આમાં ફસાય છે? ગયા વર્ષે મુંબઈમાં ગાલપચોળિયાં થતાં સાતેક વરસની બાળકી ઉપરાંત બીજા પણ છએક કેસ એવા નોંધાયા જેમાં ગાલપચોળિયાં થયા બાદ દરદીએ સાંભળવાની શક્તિ ગુમાવી દીધી હતી. આ વિશે વાત કરતાં ખારઘરની મધરહુડ હૉસ્પિટલના લીડ કન્સલ્ટન્ટ અને પીડિયાટ્રિશ્યન ડૉ. અનિષ પિલ્લે કહે છે, ‘ગાલપચોળિયાંનાં અમુક લક્ષણો તો એવાં છે કે લોકો સાવ જ હલકામાં લઈ લે છે. મોટા ભાગે હડપચી કે ગળાની આસપાસ લાળગ્રંથિઓ પાસે અથવા કાનની નીચેના ભાગમાં સોજો આવે છે ત્યારે લોકો સરખી રીતે સમજી શકે છે. પણ કયારેક આવું ન થતાં તેમને ફક્ત તાવ જ આવે છે, માથું દુખ્યા કરે. એવાં લક્ષણો હોય કે બે દિવસ આરામ કરી લોકો કામે લાગી જાય છે અને પછી બીજાને પણ ચેપ લાગે છે. આ વાઇરસ આ રીતે ફેલાતો રહે છે. વયસ્કોને ચેપ લાગે અને આઇસોલેશનમાં ન રહે એટલે પછી એકબીજાને ચેપ લાગતાં આઉટબ્રેક થાય છે.’

વાઇરસની અસર આટલી ઝડપથી કેમ?
ઘણા લોકો એવું માને છે કે કોરોના વાઇરસને લીધે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે એટલે આ વાઇરસ તેમના પર અસર કરે છે. આ વિશે વાત કરતાં ડૉ. અનિષ પિલ્લે કહે છે, ‘જોકે આના કોઈ ખાસ પુરાવાઓ નથી મળ્યા. બાળકો મોટા ભાગે સ્કૂલ જતાં હોય એટલે એકાદ બાળકને લક્ષણો હોય તો બીજાને પણ ચેપ લાગે છે. લક્ષણોના સમયગાળા કરતાં વાઇરસના સેવનનો ગાળો બહુ જ મોટો હોય છે એટલે અસર થતાં ઓછામાં ઓછા ૧૯થી ૨૧ દિવસનું તો આઇસોલેશન રાખવું જ જોઈએ. ચહેરા પર સોજા જેવું લાગે ત્યારથી જ ઓછામાં ઓછું પાંચ દિવસનું આઇસોલેશન તો રાખી જ લેવું જોઈએ. મોટા ભાગે તો ગાલપચોળિયાં બાળપણમાં જ થાય છે. શ્વાસનળી મારફત જ ગાલપચોળિયાંના વાઇરસ હવાનાં ટીપાં દ્વારા સરળતાથી ફેલાય છે. આ રોગ આમ તો બેથી ત્રણ અઠવાડિયાં જેટલો સમય લે છે. ગાલપચોળિયાં મુખ્યત્વે લાળગ્રંથિઓને અસર કરે છે, ખાસ કરીને કાનની નીચે સ્થિત પરૉટિડ નામની ગ્રંથિઓ. આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિઓની ઉધરસ અથવા છીંકથી શ્વાસનાં ટીપાં દ્વારા ફેલાય છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો અંડકોષ અથવા અંડાશયની બળતરા, મેનિન્જાઇટિસ અને બહેરાશ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ગાલપચોળિયાંના વાઇરસના સંપર્કમાં આવ્યાના ૧૬થી ૧૮ દિવસ પછી લક્ષણો દેખાય છે. જોકે એના સેવનનો સમયગાળો ૧૨થી ૨૫ દિવસનો પણ હોઈ શકે છે. શરૂઆતમાં દરદી તાવ, માથાનો દુખાવો, થાક અને ભૂખ ન લાગવી જેવાં વિચિત્ર લક્ષણો અનુભવી શકે છે. જડબાની નજીક સ્થિત પરૉટિડ ગ્રંથિમાં સોજો આવે છે, જે આગળ જતાં ચહેરાના સોજા તરફ દોરી જાય છે. કેટલાક કિસ્સાઓમાં કોઈ લક્ષણો જ નથી દેખાતાં એના લીધે નિદાન પડકારરૂપ બને છે.’ 



સાઇડ-ઇફેક્ટ્સ વધુ
આમ જુઓ તો આ રોગ સેલ્ફ-લિમિટિંગ છે. એટલે કે પરેજી જાળવો તો એની મેળે જ સ્વસ્થ થઈ જવાય, પણ જો ધ્યાન ન રાખો તો તકલીફ થઈ શકે છે એમ જણાવતાં ડૉ. અનિષ આગળ કહે છે, ‘ઘણી જગ્યાએ આની સાઇડ-ઇફેક્ટ્સ જોવા મળે છે. જેમ કે એસેપ્ટિક મેનિન્જાઇટિસ, જેમાં તાવ આવે, માથું દુખે, વાઈ આવે, અચાનકથી હોશ ખોઈ બેસીએ કે ડિસઓરિએન્ટ થઈ જવાય. બીજું પૅન્ક્રિયાટાઇટિસ એટલે કે સ્વાદુપિંડમાં સોજો આવે, શરીરમાં બ્લોટિંગ અને ડિહાઇડ્રેશન થાય. અને ત્રીજા કિસ્સામાં ઓર્કાઇટિસ થઈ શકે, જે મોટા ભાગે યુવાન છોકરાઓને જોવા મળે છે. એમાં છોકરાઓને ટેસ્ટિકલ્સમાં સોજો જોવા મળે છે. આ ત્રણેય કિસ્સામાં હજારમાં બેથી ત્રણ કેસ આવા નોંધાય છે. આ સિવાય બાળકોમાં કાયમની બહેરાશ પણ આવી શકે છે.’


નિદાન કેવી રીતે?
લક્ષણો ઉપરાંત આમાં બ્લડ ટેસ્ટથી પણ નિદાન કરી શકાય છે. એ માટે IgM  ઍન્ટિબૉડી ટેસ્ટ થાય છે, જેમાં જો નજીકના સમયમાં આ ઇન્ફેક્શન થયું હોય તો એનાં ઍન્ટિબૉડી લોહીમાં જોવા મળે છે. બીજું, RT-PCR અને વાઇરલ કલ્ચર જેવાં ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે.’

ધ્યાન શું રાખવું?
આ વાઇરસના ચેપથી બચવા પોતાની સાફસફાઈ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ એવું જણાવતાં ડૉ. અનિષ પિલ્લે કહે છે, ‘ખાસ કરીને કોણીનો ભાગ, હાથ વગેરે સાફ રાખવા, માસ્ક પહેરવા, હૅન્ડવૉશ વાપરવા, ખાંસતી વખતે મોઢું ઢાંકવું જેથી ચેપ બીજે ફેલાય નહીં અને પૂરું આઇસોલેશન પાળવું. આ સમયમાં ખાવાપીવાનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને આવા સમયે બાળકોને વધુ પ્રમાણમાં પ્રવાહી આપવું. હળવો ખોરાક, ગરમ સૂપ, લીલી શાકભાજી કે જેમાં ઍન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન મળી રહેતાં હોય એવો ખોરાક આપવો.’


સારવાર શું છે?
ખૂબીની વાત તો એ છે કે ગાલપચોળિયાં માટે કોઈ ખાસ તબીબી સારવાર નથી. એ વિશે ડૉ. અનિષ કહે છે, ‘ફક્ત એનાં લક્ષણોને ઓછાં કરવા સપૉર્ટિવ કૅર કરવામાં આવે છે. મતલબ કે જો તાવ આવે તો એની દવા, શરદી ઉધરસ હોય તો એની દવા. આ સમયમાં ખાવા-પીવાનું ધ્યાન રાખવું જોઈએ.’ 

MR નહીં, MMR રસી લો 


બાળકોને આમ તો નાનપણથી ગાલપચોળિયાંની રસી આપી જ દેવાય છે. રસીકરણ વિશે આગળ વાત કરતાં ડૉ. અનિષ પિલ્લે કહે છે, ‘અહીં પીડિયાટ્રિક બૉડીમાં મૂળે તો MMR રસી આપવામાં આવે છે. જેમાં મીઝલ્સ (ઓરી), મમ્પ્સ (ગાલપચોળિયાં) અને રૂબેલા વાઇરસ ત્રણેય રસી એકસાથે અપાય છે. એ સામે ગવર્નમેન્ટ મુખ્યત્વે MR જ આપે છે. એટલે મીઝલ્સ અને રૂબેલા જ. આટલો ફેલાવો થવાનું કારણ પણ એ જ છે કે એ સમયે જેમણે MR લીધેલી એમની મમ્મ્પ્સની વૅક્સિન થઈ જ નથી. સ્થિતિ જોઈને હવે એવી વાટાઘાટો થાય છે કે સરકારી રસીવિભાગમાં પણ MMR જ આપવામાં આવે. જો આ થશે તો લાઇફ લૉન્ગ ઇમ્યુનિટી રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:59 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK