આ ઉંમરમાં પિરિયડ્સ શરૂ થવાનું નૉર્મલ નથી જ.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી દીકરી ૯ વર્ષની પણ નથી અને એના પિરિયડ્સ શરૂ થઈ ગયા છે. તેની સ્કૂલમાં બીજી ૩-૪ છોકરીઓ છે જેને આ ઉંમરમાં પિરિયડ્સ શરૂ થઈ ગયા છે, પણ એ બધી છોકરીઓ લાંબી છે. મારી દીકરીની હાઇટ ફક્ત ૩ ફુટ ૮ ઇંચ જેટલી જ છે. તો શું એનો અર્થ એ થયો કે હવે તેની હાઇટ નહીં વધે? મને એના ગ્રોથને લઈને ખૂબ ચિંતા થઈ રહી છે. એની હાઇટ વધારવા માટેનો કોઈ ઉપાય છે ખરો? પિરિયડ્સ જે શરૂ થઈ ગયા છે એ માટે ઇલાજની જરૂર પડશે?
૧૦ વર્ષની વય પહેલાં જો પિરિયડ્સ શરૂ થાય તો એને પ્રીકૉસિયસ પ્યુબર્ટી કહેવાય. આ ઉંમરમાં પિરિયડ્સ શરૂ થવાનું નૉર્મલ નથી જ. તમારે દીકરીને સૌથી પહેલાં પીડિયાટ્રિક એન્ડોક્રિનોલૉજિસ્ટ પાસે લઈ જવી અત્યંત જરૂરી છે. આ વસ્તુઓ હૉર્મોન્સ સાથે સંકળાયેલી છે. જો તમને એ ન મળે તો પીડિયાટ્રિશ્યન પાસે લઈ જાઓ. ગાયનેકોલૉજિસ્ટ સાથે મળીને તે તમને અમુક ટેસ્ટ કરાવવાનું કહેશે, જે ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. જલદી પિરિયડ્સ શરૂ થઈ ગયા એનો પ્રભાવ ફક્ત હાઇટ પર નહીં, એના પૂરેપૂરા ડેવલપમેન્ટ પર પડી શકે છે. ઉંમર પહેલાં દીકરી મૅચ્યોર બની જાય છે. શરીરના આ બદલાવો શરીર અને મન બન્ને પર ભારે પડે છે.
ADVERTISEMENT
સૌથી પહેલાં હાથનો કે ખાસ તો કાંડાનો એક્સ-રે કરીને જોઈશું કે એના હાડકાની ઉંમર શું છે? હાડકાનો વિકાસ એક વખત પિરિયડ શરૂ થઈ ગયા પછી અઘરો છે, માટે જરૂરી છે કે એ જાણી લેવાય કે હાલમાં એનાં હાડકાંનો વિકાસ કેટલો છે. આ પછી કૅલ્શિયમ સપ્લિમેન્ટ તરત ચાલુ કરી દેવામાં આવશે, કારણ કે હાડકાંનો ગ્રોથ સારો થવો ખૂબ જરૂરી છે. આ સિવાય અમુક હૉર્મોનલ ટેસ્ટ અને સોનોગ્રાફી કરીશું. ટેસ્ટમાં કઈ ખબર ન પડે તો કેરીઓટાઇપિંગ કરીને એક ટેસ્ટ છે એ કરવી જરૂરી છે, જેના દ્વારા ખબર પડે કે ક્રોમોઝોમ લેવલ પર કોઈ તકલીફ તો નથી. આ બધા પછી દીકરીને હૉર્મોનલ ઇન્જેક્શન્સ આપવા જરૂરી બની જશે, જેને લીધે એના પિરિયડ્સ બંધ કરી શકાય. આ ઇન્જેક્શન્સ દર દોઢ મહિને કે ૩ મહિને એને આપવા પડેે. એક્સરસાઇઝ પણ કરાવવી જરૂરી બનશે. આ પરિસ્થિતિ ગંભીર છે, એને ગંભીરતા સાથે જ લેવી પડશે.

