આ પ્રૉબ્લેમ એવો છે કે ઉંમર થાય એમ કાનની અંદર રહેલું પ્રવાહી સુકાય એટલે વ્યક્તિને ચક્કર આવવાનું પણ શરૂ થઈ જાય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૭૦ વર્ષનો છું અને હજી સ્વિમિંગ પણ કરું છું. આ સિવાય સાઇક્લિંગ પણ કરી શકું છું. મારી સ્ટ્રેન્ગ્થ સારી છે, પણ અચાનક મને લાગવા માંડ્યું છે કે હું પડી જઈશ. ફક્ત ઊભો પણ હોઉં તો મને લાગે છે કે બૅલૅન્સ ખોરવાઈ રહ્યું છે. એટલે હું બેસી જાઉં છું. એવું નથી કે મને ચક્કર આવે છે. મને કમજોરી પણ નથી લાગતી, બસ એમ જ થાય છે કે બૅલૅન્સ જતું રહ્યું છે. પડવાની સતત બીક લાગે છે. મેં સાઇક્લિંગ છોડી દીધું છે. અચાનક કેમ આવું થવા માંડ્યું છે. હું ડૉક્ટર પાસે જાઉં તો શું કહું? મને કોઈ જ તકલીફ નથી.
તમને જે થાય છે એ ઇમ્બૅલૅન્સ પાછળ ઘણાં જુદાં-જુદાં કારણ જવાબદાર હોઈ શકે છે. પહેલાં તો એ જાણવું જરૂરી છે કે કયા કારણસર આવું થઈ રહ્યું છે. બૅલૅન્સ ખરાબ થવા પાછળનાં કારણોમાં એક મુખ્ય કારણ છે ઉંમર. તમારે હાડકાં એક વખત ચેક કરાવવાં જોઈએ. એની ઘનતા ઓછી તો નથી થઈ ગઈ. મોટી ઉંમરે આર્થ્રાઇટિસ એક મોટું કારણ છે જેને કારણે બૅલૅન્સ ખોરવાય છે. એ સિવાય ઇનર ઇઅર પણ હોઈ શકે છે. આ પ્રૉબ્લેમ એવો છે કે ઉંમર થાય એમ કાનની અંદર રહેલું પ્રવાહી સુકાય એટલે વ્યક્તિને ચક્કર આવવાનું પણ શરૂ થઈ જાય છે. જો વ્યક્તિને આંખની કોઈ તકલીફ હોય તો પણ બૅલૅન્સ જવાની સંભાવના રહે છે. નહીં દેખાવના મોટી ઉંમરે તો ઘણાં કારણ છે, જેમાં સૌથી સામાન્ય કારણ મોતિયો છે. ગ્લૉકોમા રોગ વ્યક્તિને અંધ બનાવી શકે છે. જેના શરીરમાં હાર્ટની તકલીફને કારણે પરિભ્રમણ ઓછું થતું હોય તો એને કારણે બૅલૅન્સ ખોરવાય એવું બની શકે. મગજમાં લોહી ઓછું પહોંચવાનું આ એક મહત્ત્વનું કારણ છે કે પરિભ્રમણ પર કોઈ કારણસર અસર થઈ હોય તો બૅલૅન્સમાં તકલીફ થઈ શકે છે. મોટી ઉંમરે મલ્ટિપલ સ્ક્લેરોસીસ, પાર્કિન્સન્સ ડિસીઝ કે અલ્ઝાઇમર ડિસીઝ જેવા રોગોનું રિસ્ક ઘણું વધારે હોય છે. આ રોગને કારણે મગજ પર ઘણી અસર પડે છે. એટલું જ નહીં, જ્ઞાનતંતુઓ પર પણ ઘણી અસર પડી શકે છે. માટે બૅલૅન્સમાં તકલીફ થાય છે. એકથી વધુ દવા લેતા હો ત્યારે દવા એકબીજા સાથે ભળીને કોઈ રીઍક્શન આપતી હોય અને એને કારણે આવું થતું હોય એમ પણ બને. માટે જરૂરી છે કે પહેલાં તમારું ઇમ્બૅલૅન્સ કયા કારણસર છે એ ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવો અને જાણો. પછી ઇલાજ શક્ય છે.


